PF ખાતાધારકો માટે ખુશખબર! 15 જુલાઈથી ખાતામાં જમા થશે વ્યાજના પૈસા, જાણો કેટલા ટકા વ્યાજ અને નવા 5 ફાયદા મળશે | Moneycontrol Gujarati
Get App

PF ખાતાધારકો માટે ખુશખબર! 15 જુલાઈથી ખાતામાં જમા થશે વ્યાજના પૈસા, જાણો કેટલા ટકા વ્યાજ અને નવા 5 ફાયદા મળશે

નોકરીયાત વર્ગ માટે ખુશખબર! EPFO દ્વારા નાણાકીય વર્ષ 2025-26 નું 8.25% વ્યાજ 15 જુલાઈથી ખાતામાં જમા થશે. જાણો નવા CITES પ્લેટફોર્મથી PF ક્લેમ અને ટ્રાન્સફરમાં થનારા 5 મોટા ફાયદાઓ.

અપડેટેડ 03:40:38 PM Jul 08, 2026 પર
Story continues below Advertisement
EPFO એ તેના 'સેન્ટ્રલાઈઝ્ડ આઈટી ઈનેબલ્ડ સર્વિસીસ' પ્રોજેક્ટ હેઠળ દેશભરના તમામ સભ્યોનો રેકોર્ડ એક જ સિંગલ નેશનલ ડેટાબેઝમાં શિફ્ટ કરી દીધો છે.

દેશના કરોડો નોકરીયાત વર્ગ માટે એક ખૂબ જ મોટા અને રાહત આપનારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ બુધવારે એક મોટી જાહેરાત કરી છે. કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન નાણાકીય વર્ષ 2025-26 માટે વાર્ષિક વ્યાજના પૈસા 15 જુલાઈથી સબસ્ક્રાઈબર્સના એકાઉન્ટમાં જમા કરવાનું શરૂ કરી દેશે.

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે આ વખતે 'સેન્ટ્રલાઈઝ્ડ આઈટી પ્લેટફોર્મ' લાગુ થવાને કારણે વ્યાજ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા એકદમ ઝડપી અને ઓટોમેટિક બની ગઈ છે. એટલે કે હવે કર્મચારીઓએ પોતાના હકના વ્યાજ માટે મહિનાઓ સુધી રાહ જોવી નહીં પડે.

34 કરોડ લોકોને મળશે 8.25% વ્યાજ

મનસુખ માંડવિયાના જણાવ્યા મુજબ, આ વખતે રેકોર્ડ સમયમાં પૈસા સીધા ખાતામાં મોકલવામાં આવી રહ્યા છે. આ વર્ષે PF પર 8.25% ના દરે વ્યાજ ચૂકવવામાં આવી રહ્યું છે. દેશભરના લગભગ 34 કરોડ EPFO ખાતાધારકોના એકાઉન્ટમાં કુલ 1.44 લાખ કરોડ રૂપિયાની તોતિંગ વ્યાજની રકમ જમા કરવામાં આવશે.

અગાઉ આ જ વ્યાજ સપ્ટેમ્બર-ઓક્ટોબર કે છેક નવેમ્બર મહિનામાં ખાતામાં આવતું હતું, પરંતુ હવે પ્રક્રિયા ઓટોમેટિક થવાથી આ કામ જુલાઈની મધ્યમાં જ પૂરું થઈ રહ્યું છે. 15 જુલાઈ સુધીમાં આ પૈસા તમારી PF પાસબુકમાં દેખાવા લાગશે.


શું છે નવું CITES પ્લેટફોર્મ?

EPFO એ તેના 'સેન્ટ્રલાઈઝ્ડ આઈટી ઈનેબલ્ડ સર્વિસીસ' પ્રોજેક્ટ હેઠળ દેશભરના તમામ સભ્યોનો રેકોર્ડ એક જ સિંગલ નેશનલ ડેટાબેઝમાં શિફ્ટ કરી દીધો છે. પહેલા દરેક સ્થાનિક ઓફિસનો પોતાનો અલગ ડેટાબેઝ રહેતો હતો. પરંતુ હવે નવી સિસ્ટમથી તમારું PF એકાઉન્ટ દેશની કોઈપણ માન્ય EPFO ઓફિસથી પ્રોસેસ થઈ શકશે. હવે કામ માટે કોઈ એક જ ઓફિસ પર નિર્ભર રહેવું નહીં પડે.

નવી સિસ્ટમથી PF ખાતાધારકોને થશે આ 5 મોટા ફાયદા

1. 5 લાખ રૂપિયા સુધીનું ઓટો-સેટલમેન્ટ: જે ખાતામાં પૂરું KYC થયેલું છે, તેમના માટે એડવાન્સ ક્લેમની લિમિટ 1 લાખ રૂપિયાથી વધારીને સીધી 5 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. એટલે કે બીમારી, લગ્ન કે અન્ય ઈમરજન્સી માટે 5 લાખ રૂપિયા સુધીનો ક્લેમ હવે તરત પ્રોસેસ થઈ જશે.

2. નોકરી બદલવા પર ઓટો-ટ્રાન્સફર: હવે જ્યારે તમે કંપની બદલશો, ત્યારે તમારા આધાર કાર્ડ સાથે લિંક થયેલા PF એકાઉન્ટના પૈસા જૂની કંપનીમાંથી નવી કંપનીના ખાતામાં આપોઆપ ટ્રાન્સફર થઈ જશે.

3. ક્લેમ રિજેક્ટ થવાની શક્યતા ઘટી: નવી સિસ્ટમ ક્લેમ પ્રોસેસ થતાં પહેલાં જ ભૂલો જાતે ચેક કરી લેશે, જેથી નાની ભૂલોના કારણે ફોર્મ રિજેક્ટ થવાનો રેશિયો સાવ ઘટી જશે.

4. ઓનલાઈન ખુલાસો: જો ક્લેમ કરતી વખતે EPFO ના અધિકારીઓને કોઈ શંકા હશે, તો કર્મચારી ઓનલાઈન પોર્ટલ પર જ તેનો ખુલાસો કે જવાબ આપી શકશે. ધક્કા ખાવા નહીં પડે.

5. યુનિફાઇડ પોર્ટલ: હવે એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર તમારું PF બેલેન્સ, ક્લેમનું સ્ટેટસ અને પેન્શનનો આખો રેકોર્ડ આસાનીથી જોવા મળશે.

આ પણ વાંચો-પ્રાઇવેટ નોકરી કરતા લોકો માટે ખુશખબર: નોકરી છૂટી જશે તો સરકાર 3 મહિના સુધી આપશે 50% પગાર, જાણો ક્યાં સુધી લંબાવાઈ આ સ્કીમ

MoneyControl News

MoneyControl News

First Published: Jul 08, 2026 3:40 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.