ICICI Bankના ગ્રાહકો સાવધાન! 1 ડિસેમ્બરથી સેવિંગ્સ એકાઉન્ટના ચાર્જમાં થશે મોટો ફેરફાર, જાણો તમારા ખિસ્સા પર શું પડશે અસર
જો તમારું ખાતું ICICI બેંકમાં છે, તો આ સમાચાર તમારા માટે છે. 1 ડિસેમ્બર 2026 થી સેવિંગ્સ એકાઉન્ટમાં રોકડ જમા, ઉપાડ અને ECS બાઉન્સના ચાર્જ વધવા જઈ રહ્યા છે. જાણો સંપૂર્ણ વિગત.
ICICI બેંક ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ અને નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસના ડેબિટ રિટર્નની પેનલ્ટીમાં પણ ફેરફાર કરી રહી છે.
ICICI Bank new charges: જો તમારું સેવિંગ્સ એકાઉન્ટ ICICI બેંકમાં છે, તો તમારે આ સમાચાર ખાસ વાંચવા જોઈએ. બેંક ટૂંક સમયમાં કેટલાક સેવિંગ્સ એકાઉન્ટના સર્વિસ ચાર્જમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. આ નવા ચાર્જ 1 ડિસેમ્બર 2026 થી લાગુ કરવામાં આવશે. જો તમે વારંવાર બેંકની બ્રાન્ચમાં જઈને રોકડ જમા કરાવો છો કે ઉપાડો છો, અથવા તમારા ખાતામાંથી ઓટોમેટિક પેમેન્ટ કે EMI કપાતી હોય, તો તમારે આ નવું ફી સ્ટ્રક્ચર જાણી લેવું ખૂબ જ જરૂરી છે.
રોકડ જમા કરવા અને ઉપાડવા પર વધશે ચાર્જ
1 ડિસેમ્બરથી, માસિક લિમિટ પૂરી થયા પછી બ્રાન્ચ અથવા કેશ રિસાયકલર મશીનમાં રોકડ જમા કરવા પર ચાર્જમાં વધારો થશે. અત્યાર સુધી 1000 રૂપિયા પર 3.50 રૂપિયા ચાર્જ લાગતો હતો, જે હવે વધીને 4 રૂપિયા થઈ જશે. ખાસ વાત એ છે કે, આ જ નિયમ બ્રાન્ચમાંથી રોકડ ઉપાડવા પર પણ લાગુ પડશે. જોકે, ગ્રાહકોને દર મહિને 3 રોકડ ટ્રાન્ઝેક્શન બિલકુલ ફ્રી મળશે.
લિમિટ કરતા વધુ ટ્રાન્ઝેક્શન પર 150 રૂપિયાનો ઝટકો
જો તમે એક મહિનામાં 3 વખતથી વધુ રોકડ વ્યવહાર કરશો, તો વધારાના દરેક ટ્રાન્ઝેક્શન પર 150 રૂપિયાનો સીધો ચાર્જ ચૂકવવો પડશે. નવા નિયમોનું ગણિત આ મુજબ છે.
દર મહિને 1 લાખ રૂપિયા સુધીના રોકડ વ્યવહાર પર કોઈ વેલ્યુ આધારિત ચાર્જ લાગશે નહીં. પરંતુ જો તમે 1 લાખ રૂપિયાની લિમિટ પાર કરી દેશો, તો દર 1000 રૂપિયા પર 4 રૂપિયા અથવા 150 રૂપિયા (બંનેમાંથી જે રકમ વધુ હશે તે) ચાર્જ તરીકે વસૂલવામાં આવશે. રાહતની વાત એ છે કે, જો તમે તમારી માસિક ફ્રી લિમિટની અંદર જ વ્યવહાર પૂરા કરશો, તો તમારે કોઈ જ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.
ECS અને NACH ના બાઉન્સ ચાર્જમાં પણ ફેરફાર
ICICI બેંક ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ સર્વિસ અને નેશનલ ઓટોમેટેડ ક્લિયરિંગ હાઉસના ડેબિટ રિટર્નની પેનલ્ટીમાં પણ ફેરફાર કરી રહી છે. જો તમારા ખાતામાં પૂરતું બેલેન્સ ન હોવાને કારણે તમારું કોઈ પેમેન્ટ ફેલ થશે, તો બેંક મોટો દંડ ફટકારશે.
પ્રથમ વખત પેમેન્ટ રિટર્ન થશે તો સીધો 500 રૂપિયાનો ચાર્જ લાગશે.
બીજા અને ત્રીજા રિટર્ન પર દરેક વખતે 550 રૂપિયાની પેનલ્ટી લગાવવામાં આવશે.