Income tax laws: ઇન્કમ ટેક્સ ડિફોલ્ટના કેસમાં હવે જેલની સજાને બદલે દંડ ચૂકવી શકાશે
ઇન્કમ ટેક્સના નિયમોનું પાલન ન કરવાના કેસમાં હવે ટેક્સપેયર્સને જેલની સજાનો સામનો નહીં કરવો પડે. તેના બદલે, નિર્ધારિત દંડ ચૂકવીને કાનૂની કાર્યવાહીથી બચી શકાશે. આ માટે ટેક્સ અધિકારીઓની મંજૂરી જરૂરી રહેશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (સીબીડીટી)એ ટેક્સપેયર્સ માટે નિયમોને સરળ બનાવવાના પગલાં લેતાં આ મહત્ત્વનો નિર્ણય લીધો છે.
Income tax laws: સીબીડીટીએ જણાવ્યું છે કે ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળના તમામ ગુનાઓ હવે "કમ્પાઉન્ડેબલ" ગણાશે. આનો અર્થ એ થયો કે ટેક્સપેયર્સ ચોક્કસ દંડની રકમ ચૂકવીને જેલની સજાથી બચી શકશે. આવા કેસોમાં ટેક્સ અધિકારીઓ દ્વારા નિર્ધારિત દંડની રકમની ચુકવણી કરવી પડશે.
ઇન્કમ ટેક્સના નિયમોમાં અમુક પ્રકારના ડિફોલ્ટ જેવા કે ટેક્સ રિટર્ન ફાઇલ ન કરવું, ટીડીએસ (TDS) જમા ન કરવું, ટેક્સ ચોરી કરવી કે ખાતાઓમાં ગેરરીતિ કરવી જેવા ગુનાઓ માટે જેલની સજાનું જોગવાઈ હતી. જોકે, નાણામંત્રી નિર્મલા સીતારામણે 2024ના બજેટમાં કમ્પાઉન્ડિંગ પ્રક્રિયાને સરળ બનાવવાની જાહેરાત કરી હતી.
ત્યારબાદ, સીબીડીટીએ 17 ઓક્ટોબર, 2024ના રોજ નવી માર્ગદર્શિકા જાહેર કરી હતી. આ માર્ગદર્શિકા મુજબ, કમ્પાઉન્ડિંગ એ એક એવી વ્યવસ્થા છે જે ડિફોલ્ટરને ચોક્કસ દંડ ચૂકવીને કાનૂની કાર્યવાહીથી બચવાનો વિકલ્પ આપે છે. સીબીડીટીએ તાજેતરમાં આ પ્રક્રિયા વિશે વધુ સ્પષ્ટતા કરતું સર્ક્યુલર (નંબર 04/2025) જાહેર કર્યું છે, જેમાં સવાલ-જવાબના માધ્યમથી સમગ્ર પ્રક્રિયા સમજાવવામાં આવી છે.
મુખ્ય ફેરફારો:-
-ઇન્કમ ટેક્સના તમામ પ્રકારના ઉલ્લંઘનોને કમ્પાઉન્ડ કરવાની મંજૂરી આપવામાં આવી છે.
-એક જ અરજીને બદલે એકથી વધુ અરજીઓ દાખલ કરવાની મંજૂરી.
-કમ્પાઉન્ડિંગ અરજી દાખલ કરવાની 36 મહિનાની સમયમર્યાદા દૂર કરવામાં આવી.
-સેક્શન 275એ અને 276બી હેઠળના ગુનાઓને પણ કમ્પાઉન્ડેબલ બનાવવામાં આવ્યા છે.
આ સુવિધા મેળવવા માટે ટેક્સપેયર્સે અરજી ફી ચૂકવવી પડશે. એક અરજી માટે 25,000 રૂપિયા અને એકીકૃત (કન્સોલિડેટેડ) અરજી માટે 50,000 રૂપિયાની ફી નિર્ધારિત કરવામાં આવી છે. આ ફી નોન-રિફંડેબલ છે, પરંતુ તેને અધિકારીઓ દ્વારા નિર્ધારિત અંતિમ કમ્પાઉન્ડિંગ ચાર્જમાં એડજસ્ટ કરી શકાય છે.
ટેક્સપેયર્સને રાહત:-
આ ફેરફારથી વ્યવસાયો અને વ્યક્તિગત ટેક્સપેયર્સને મોટી રાહત મળશે. હવે તેમને કાનૂની કાર્યવાહીનો ભય રહેશે નહીં, જેના કારણે તેઓ ટેક્સ નિયમોનું પાલન કરવા માટે વધુ પ્રોત્સાહિત થશે. આ પગલું સરકારના એવા પ્રયાસોનો ભાગ છે, જેના દ્વારા ટેક્સના નિયમોને ટેક્સપેયર્સ માટે વધુ સરળ અને સુગમ બનાવવાનો હેતુ છે.
આ નવી વ્યવસ્થા ટેક્સપેયર્સને તેમના જૂના ડિફોલ્ટના કેસોનો નિકાલ કરવાની તક આપશે. કાનૂની કાર્યવાહીના ડર વિના તેઓ ટેક્સ નિયમોનું પાલન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે. જોકે, નિષ્ણાતોનું માનવું છે કે ટેક્સપેયર્સે હંમેશાં ટેક્સના નિયમોનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ, જેથી બિનજરૂરી દંડનો સામનો ન કરવો પડે.