Budget 2025: સામાન્ય બજેટની તૈયારી શરૂ થઈ ગઈ છે. ઉદ્યોગ સંસ્થાઓ અને ઉદ્યોગ નિષ્ણાતો નાણામંત્રીને વિવિધ સૂચનો આપી રહ્યા છે. જેમાં આવકવેરામાં રાહત, ઈંધણ પર ટેક્સ ઘટાડવાના સૂચન સહિતની અનેક માંગણીઓનો સમાવેશ થાય છે. કન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)એ નાણાકીય વર્ષ 2025-26 માટેના સામાન્ય બજેટ માટેના સૂચનોમાં ઈંધણ પરની આબકારી જકાત ઘટાડવાનું સૂચન કર્યું છે. ઇન્ડસ્ટ્રી બોડીએ જણાવ્યું હતું કે આ છૂટછાટ વપરાશ વધારવા માટે આપવી જોઈએ, ખાસ કરીને નીચા આવકના સ્તરે, કારણ કે ઇંધણની કિંમતો ફુગાવામાં નોંધપાત્ર વધારો કરે છે. સીઆઈઆઈએ જણાવ્યું હતું કે બજેટમાં વાર્ષિક રૂ. 20 લાખ સુધીની વ્યક્તિગત આવક માટે આવકવેરામાં રાહત આપવા અંગે પણ વિચારણા કરવામાં આવી છે. ઇન્ડસ્ટ્રી બોડીનું કહેવું છે કે ઇન્કમ ટેક્સ ઘટાડવાથી લોકોના હાથમાં પૈસા બચશે, જે માર્કેટમાં માંગ વધારવામાં મદદ કરશે. તેનાથી સરકારની આવકમાં પણ વધારો થશે.