રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ જણાવ્યું છે કે ભારતનું મીડિયા અને મનોરંજન ઉદ્યોગ આગામી દાયકામાં ત્રણ ગણાથી વધુ ગ્રોથ પામીને 100 અબજ ડોલરનો બનવાની ક્ષમતા ધરાવે છે. આ ગ્રોથ લાખો નોકરીઓનું સર્જન કરશે અને વિવિધ સેક્ટર્સ પર તેની વ્યાપક અસર પડશે. ‘વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ એન્ડ એન્ટરટેઈનમેન્ટ સમિટ’ (WAVES 2025)ના ઉદ્ઘાટન સત્રમાં બોલતાં અંબાણીએ કહ્યું કે, હાલમાં ભારતનું મીડિયા અને મનોરંજન ઉદ્યોગ 28 અબજ ડોલરનો છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ભારતની સ્ટોરી કહેવાની પરંપરા અને ડિજિટલ ટેક્નોલોજીનું સંયોજન દેશ માટે અનોખું છે, જે આર્થિક અને વ્યૂહાત્મક તકો ઊભી કરે છે.