સવાલ એ થાય કે શું યટ્રિયમ ફક્ત ચીનમાં જ મળે છે? તો જવાબ છે, ના. આ દુર્લભ ધાતુ અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં પણ મળી આવે છે. પરંતુ અસલી તાકાત તેને કાઢવામાં નહીં, પરંતુ તેને રિફાઈન (શુદ્ધ) કરવામાં છે. રેર અર્થ તત્વોને રિફાઈન કરવાની પ્રક્રિયા ખૂબ જટિલ અને પર્યાવરણ માટે નુકસાનકારક હોય છે. ચીને આ ક્ષમતા વિકસાવવા માટે દાયકાઓનો સમય અને સંસાધનો લગાવ્યા છે. આજે દુનિયાના મોટાભાગના દેશો પાસે આટલી મોટી માત્રામાં તેને પ્રોસેસ કરવાની ટેકનોલોજી કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર નથી. આ જ કારણ છે કે કાચો માલ હોવા છતાં અમેરિકા જેવા દેશો ચીન પર નિર્ભર છે. આમ, ચીને રેર અર્થની સપ્લાય ચેઇનને એક એવા વ્યૂહાત્મક હથિયાર તરીકે વિકસાવી છે, જેનો ઉપયોગ કરીને તે અમેરિકાને પણ ઘૂંટણિયે લાવી શકે છે.