Get App

ટ્રમ્પની શાંતિ મંત્રણા નિષ્ફળ? 45 દિવસમાં જ યુદ્ધવિરામ ભંગ, થાઈલેન્ડે કંબોડિયા પર F-16થી કર્યા હવાઈ હુમલા

Thailand Cambodia conflict: થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સરહદી વિવાદ ફરી વકર્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરાવાયેલા યુદ્ધવિરામના માત્ર 45 દિવસમાં જ થાઈલેન્ડે F-16 ફાઈટર જેટથી કંબોડિયા પર હવાઈ હુમલા કર્યા છે. જાણો શું છે સમગ્ર મામલો અને બંને દેશોના એકબીજા પર ગંભીર આરોપ.

MoneyControl Newsઅપડેટેડ Dec 08, 2025 પર 10:34 AM
ટ્રમ્પની શાંતિ મંત્રણા નિષ્ફળ? 45 દિવસમાં જ યુદ્ધવિરામ ભંગ, થાઈલેન્ડે કંબોડિયા પર F-16થી કર્યા હવાઈ હુમલાટ્રમ્પની શાંતિ મંત્રણા નિષ્ફળ? 45 દિવસમાં જ યુદ્ધવિરામ ભંગ, થાઈલેન્ડે કંબોડિયા પર F-16થી કર્યા હવાઈ હુમલા
થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો સરહદી વિવાદ ફરી વકર્યો છે.

Thailand Cambodia conflict: દક્ષિણ- એશિયામાં ફરી એકવાર તણાવનો માહોલ સર્જાયો છે. થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલો દાયકાઓ જૂનો સરહદી વિવાદ ફરી હિંસક બન્યો છે. આશ્ચર્યની વાત એ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થીથી થયેલા શાંતિ કરારના માત્ર 45 દિવસમાં જ થાઈલેન્ડે કંબોડિયા પર હવાઈ હુમલા કર્યા છે, જેના કારણે શાંતિના તમામ પ્રયાસો પર પાણી ફરી વળ્યું છે.

કેવી રીતે થઈ યુદ્ધની શરૂઆત?

આ ઘટનાક્રમની શરૂઆત ત્યારે થઈ જ્યારે થાઈલેન્ડે F-16 ફાઈટર જેટનો ઉપયોગ કરીને કંબોડિયાની સરહદી ચોકીઓ પર હુમલો કર્યો. થાઈ સેનાના પ્રવક્તા મેજર જનરલ વિન્થાઇ સુવારીએ જણાવ્યું કે કંબોડિયા તરફથી થઈ રહેલી ઉશ્કેરણીજનક કાર્યવાહી અને રાષ્ટ્રીય સુરક્ષા સામેના ખતરાને જોતાં આ પગલું ભરવું જરૂરી હતું. તેમના દાવા મુજબ, સોમવારે સવારે 5:05 વાગ્યે કંબોડિયાના સૈનિકોએ થાઈલેન્ડના ઉબોન રાચથાની પ્રાંતમાં ગોળીબાર શરૂ કર્યો હતો. આ હુમલામાં થાઈલેન્ડનો 1 સૈનિક શહીદ થયો અને અન્ય 4 ઘાયલ થયા. થાઈલેન્ડનો આરોપ છે કે કંબોડિયા સરહદ પર ભારે હથિયારો તૈનાત કરી રહ્યું હતું, જેના જવાબમાં એરફોર્સની મદદ લેવી પડી.

આ પગલાને 'ક્રૂર અને અમાનવીય' ગણાવ્યું

બીજી તરફ, કંબોડિયાએ થાઈલેન્ડના આ પગલાને 'ક્રૂર અને અમાનવીય' ગણાવ્યું છે. કંબોડિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે થાઈલેન્ડ દ્વારા થયેલો હુમલો શાંતિ કરારનું ગંભીર ઉલ્લંઘન છે. કંબોડિયાના સેના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ મેલી સોચિયાટા મુજબ, 8 ડિસેમ્બરે સવારે 5:04 વાગ્યે થાઈ સેનાએ કોઈપણ ઉશ્કેરણી વિના પ્રીહ વિહાર મંદિર સહિતના વિસ્તારો પર હુમલો કર્યો. કંબોડિયાએ દાવો કર્યો કે તેમણે મહત્તમ સંયમ દાખવ્યો અને જવાબમાં ગોળીબાર કર્યો નથી, કારણ કે તેઓ શાંતિપૂર્ણ ઉકેલ માટે પ્રતિબદ્ધ છે.

જુલાઈ મહિનામાં 5 દિવસનું ભીષણ યુદ્ધ

આ સરહદી વિવાદ આ વર્ષે જુલાઈ મહિનામાં 5 દિવસના ભીષણ યુદ્ધમાં પરિણમ્યો હતો. ત્યાર પછી અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને મલેશિયાના વડાપ્રધાન અનવર ઈબ્રાહિમે બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપિત કરવા માટે મધ્યસ્થી કરી હતી. 26 જુલાઈ, 2025ના રોજ ટ્રમ્પની દખલ બાદ 28 જુલાઈ, 2025થી યુદ્ધવિરામ લાગુ થયો હતો. 26 ઓક્ટોબર, 2025ના રોજ કુઆલાલંપુરમાં ટ્રમ્પની હાજરીમાં આ અંગે ઔપચારિક કરાર પર હસ્તાક્ષર પણ થયા હતા. જોકે, આ શાંતિ કરાર બે મહિના પણ ટકી શક્યો નહીં અને સરહદ પર ફરીથી યુદ્ધના વાદળો ઘેરાયા છે. હાલ બંને દેશો એકબીજા પર યુદ્ધવિરામ તોડવાનો આરોપ લગાવી રહ્યા છે, જેના કારણે સમગ્ર ક્ષેત્રમાં અસ્થિરતાનો ભય વધી ગયો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો