ભાજપના સાંસદ બાંસુરી સ્વરાજએ કોંગ્રેસ પર નેશનલ હેરાલ્ડ કેસને લઈને રાજકીય હુમલો તેજ કર્યો છે. મંગળવારે તેઓ ‘એક રાષ્ટ્ર, એક ચૂંટણી’ અંગેની સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ની બેઠકમાં ‘નેશનલ હેરાલ્ડની લૂંટ’ લખેલી કાળા રંગનું બેગ લઈને પહોંચ્યા, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું. આ બેગ દ્વારા તેમણે કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ચાર્જશીટના આધારે નાણાકીય ગેરરીતિનો આરોપ મૂક્યો. બાંસુરીએ કહ્યું કે, કોંગ્રેસે સેવાના નામે જાહેર સંસ્થાઓનો ઉપયોગ વ્યક્તિગત સંપત્તિ વધારવા માટે કર્યો. કોંગ્રેસે આ આરોપોને રાજકીય બદલાની કાર્યવાહી ગણાવી નકાર્યા છે.