ગુજરાતમાં 68 લાખ મતદારોના નામ ગાયબ! વિવાદ વધતાં ચૂંટણી પંચે શરૂ કર્યું ડેમેજ કંટ્રોલ, જાણો ક્યારે યોજાશે ખાસ કેમ્પ
Election Commission damage control: ગુજરાતમાં SIR પ્રક્રિયા દરમિયાન 68 લાખ મતદારોના નામ રદ થતા મોટો વિવાદ સર્જાયો છે. વિરોધને પગલે ચૂંટણી પંચે ઓક્ટોબર અને નવેમ્બરમાં નામો ફરી ઉમેરવા ખાસ કેમ્પનું આયોજન કર્યું છે. જાણો સંપૂર્ણ વિગત.
Election Commission damage control: ગુજરાતમાં તાજેતરમાં મતદાર યાદીને લઈને એક મોટો રાજકીય અને સામાજિક વિવાદ ઊભો થયો છે. ડિસેમ્બર 2025 માં સ્પેશ્યલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા દરમિયાન રાજ્યના 68 લાખથી વધુ મતદારોના નામ યાદીમાંથી અચાનક ગાયબ થઈ ગયા છે. અનેક કિસ્સાઓમાં મતદારોની જાણ બહાર જ બારોબાર ફોર્મ-7 ભરીને તેમના નામ રદ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ચૂંટણી પંચનું ડેમેજ કંટ્રોલ શરૂ
બેવડાં, ગેરહાજર, સ્થળાંતરિત અને મૃત્યુ પામેલા લોકોના નામ હટાવવાના નામે જે રીતે આડેધડ કાતર ફરી છે, તેનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે. અન્ય રાજ્યોમાં પણ આ મુદ્દે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના રાજીનામાની માંગ સાથે આંદોલનો શરૂ થયા છે. આ વધતા જતા વિરોધવંટોળ અને ત્રણ ચૂંટણી કમિશનરો વચ્ચેના કથિત મતભેદ બાદ, આખરે સરકાર અને ચૂંટણી પંચ સફાળા જાગ્યા છે. વિવાદને ઠંડો પાડવા માટે પંચે 'મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ' નામે ડેમેજ કંટ્રોલની કવાયત શરૂ કરી છે.
રદ થયેલા નામો ફરી ઉમેરવા માટે ખાસ કેમ્પનું આયોજન
જે લાયક મતદારોના નામ ભૂલથી કે જાણ બહાર કપાઈ ગયા છે, તેમને ફરીથી યાદીમાં દાખલ કરવા અને નવા મતદારોને જોડવા માટે કેન્દ્રીય ચૂંટણી પંચે ખાસ તારીખો જાહેર કરી છે.
આ કેમ્પની મહત્વની વિગતો નીચે મુજબ છે:
કઈ તારીખોએ યોજાશે કેમ્પ? 11 ઓક્ટોબર, 18 ઓક્ટોબર, 25 ઓક્ટોબર અને 1 નવેમ્બર (આ ચાર રવિવારે).
સમય: સવારે 10 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી.
સ્થળ: રાજ્યના તમામ મતદાન મથકો (બૂથ) પર.
કોણ હાજર રહેશે? બૂથ લેવલ ઓફિસર (BLO) અને અન્ય નિયુક્ત અધિકારીઓ ત્યાં હાજર રહીને દાવા-વાંધાની અરજીઓ સ્વીકારશે.
ગુજરાતમાં SIRનું આંકડાકીય ગણિત
ચૂંટણી પંચના સત્તાવાર આંકડાઓ અને ડેટા પર નજર કરીએ તો મતદારોના ઘટાડાનું ચિત્ર એકદમ સ્પષ્ટ થાય છે:
* SIR પહેલાં ગુજરાતમાં કુલ મતદારો: 5,08,43,436
* ડ્રાફ્ટ તબક્કે થયેલો ઘટાડો: 73,73,327
* ડ્રાફ્ટ બાદ નવા ઉમેરાયેલા નામ: 9,56,121
* ડ્રાફ્ટ બાદ ફરીથી રદ થયેલા નામ: 3,95,555
* અંતિમ ફાઇનલ મતદાર યાદી: 4,40,30,725
* પહેલાં કરતા થયેલો કુલ ઘટાડો: 68,12,711
આ ઉપરાંત અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા મહાનગરો અને જિલ્લાઓમાં પણ જૂના મતદારોની સંખ્યામાં મોટો ફેરફાર નોંધાયો છે, જેનાથી સમગ્ર ચૂંટણી તંત્રની કામગીરી સામે સવાલો ઉભા થયા છે.
જો તમે ગુજરાતના જાગૃત નાગરિક અને મતદાર છો, તો આ વિશેષ ઝુંબેશનો લાભ લેવો અત્યંત જરૂરી છે. ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલી તારીખો પર તમારા નજીકના મતદાન મથકે જઈને તમારું અને તમારા પરિવારનું નામ મતદાર યાદીમાં છે કે નહીં તેની ખાતરી ચોક્કસ કરી લેવી જોઈએ, જેથી મતદાનના દિવસે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.