ઉદ્યોગપતિ ગૌતમ અદાણી મંગળવારે મહારાષ્ટ્રના નવા મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. આ બેઠક દક્ષિણ મુંબઈમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાન 'સાગર' ખાતે થઈ હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર આ એક સૌજન્ય કોલ હતો. ગૌતમ અદાણી ફડણવીસના શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહી શક્યા ન હતા તેથી આજે તેમને મળવા ગયા હતા. ફડણવીસે 5 ડિસેમ્બરે મુંબઈના આઝાદ મેદાનમાં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ ભવ્ય સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અનેક કેન્દ્રીય મંત્રીઓ, વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મહાયુતિ ગઠબંધનના હજારો સમર્થકો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં બોલિવૂડ સ્ટાર્સ શાહરૂખ ખાન, સલમાન ખાન, રણબીર કપૂર, માધુરી દીક્ષિત, ક્રિકેટના દિગ્ગજ સચિન તેંડુલકર અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી પણ હાજર રહ્યા હતા.