Gujarat UCC Bill: ગુજરાત વિધાનસભામાં પસાર થયેલા યુનિફોર્મ સિવિલ કૉડ (UCC) બિલને આખરે કાયદાકીય મંજૂરી મળી ગઈ છે. રાજ્યપાલની મંજૂરી બાદ હવે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પણ આ બિલ પર પોતાના હસ્તાક્ષર કરી દીધા છે, જેનાથી આ બિલ હવે કાયદો બની ગયું છે. રાજ્ય સરકાર દ્વારા ‘ધી ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ, 2026’ (Gujarat Uniform Civil Code, 2026) નું સત્તાવાર ગેઝેટ પણ પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે. આ ગેઝેટ બહાર પડતાની સાથે જ સમગ્ર રાજ્યમાં UCC નો અમલ શરૂ થઈ જશે. આ નવો કાયદો માત્ર ગુજરાતમાં રહેતા લોકો માટે જ નહીં, પરંતુ રાજ્યની બહાર રહેતા મૂળ ગુજરાતીઓને પણ લાગુ પડશે. આ કાયદાના અમલથી રાજ્યમાં લગ્ન, છૂટાછેડા, વારસાઈ અને લિવ-ઇન રિલેશનશિપને લઈને મોટા ફેરફારો આવવાના છે.
નવા UCC કાયદાની મુખ્ય જોગવાઈઓ અને નિયમો નીચે મુજબ છે:
મહિલાઓને સંપત્તિમાં સમાન અધિકાર
હવેથી ગુજરાતમાં સંપત્તિ અને વારસામાં મહિલાઓને પુરુષો જેટલો જ સમાન હક મળશે. જો કોઈ વ્યક્તિ વસિયતનામું બનાવ્યા વિના મૃત્યુ પામે, તો તેની મિલકતમાં તેના પતિ કે પત્ની, બાળકો અને માતા-પિતાને કાયદાકીય રીતે એકસરખો હિસ્સો મળશે. આ ઉપરાંત, લગ્ન બહાર જન્મેલા, સરોગસીથી થયેલા કે દત્તક લીધેલા બાળકોને પણ સગા બાળકોની જેમ જ સંપત્તિમાં પૂરો અધિકાર મળશે.
આદિવાસી (ST) સમુદાયને કાયદામાંથી મુક્તિ
આ કાયદામાં આદિવાસી સમાજની પરંપરાઓનું ધ્યાન રાખવામાં આવ્યું છે. બંધારણની કલમ 366(25) અને 342 હેઠળ આવતા અનુસૂચિત જનજાતિ (ST) ના લોકોને તેમજ બંધારણના ભાગ-21 હેઠળ રક્ષણ મેળવતા જૂથોને આ નવા કાયદામાંથી સંપૂર્ણ મુક્તિ આપવામાં આવી છે.
લગ્ન અને છૂટાછેડા માટેના નવા નિયમો
ઉંમર: લગ્ન માટે યુવકની ઉંમર 21 વર્ષ અને યુવતીની ઉંમર 18 વર્ષ પૂરી હોવી ફરજિયાત છે.
નોંધણી: લગ્ન થયાના 60 દિવસની અંદર તેનું રજિસ્ટ્રેશન કરાવવું કાયદેસર રીતે ફરજિયાત છે. જો આમ નહીં કરવામાં આવે તો દંડ ભરવો પડશે. તેમજ લગ્નની નોંધણી વિના નોકરી કે સરકારી દસ્તાવેજોમાં તમારું ‘Marital Status’ બદલી શકાશે નહીં.
ધાર્મિક વિધિઓ અકબંધ: આ કાયદાથી કોઈપણ ધર્મની લગ્નવિધિઓ જેમ કે હિન્દુમાં સપ્તપદી, મુસ્લિમમાં નિકાહ, શીખમાં આણંદ કારજ વગેરે પર કોઈ જ પ્રતિબંધ મુકાયો નથી. લોકો પોતાની પરંપરા મુજબ લગ્ન કરી શકશે.
એકપત્નીત્વનો કડક નિયમ: કોઈપણ વ્યક્તિનો જીવનસાથી હયાત હોય ત્યાં સુધી તે બીજા લગ્ન કરી શકશે નહીં.
લિવ-ઇન રિલેશનશિપ પર સરકારની કડક નજર
હવેથી ગુજરાતમાં લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા કે ભવિષ્યમાં રહેવા માંગતા કપલ્સે રજિસ્ટ્રાર ઓફિસમાં જઈને જોઈન્ટ સ્ટેટમેન્ટ આપવું પડશે અને ફરજિયાત નોંધણી કરાવવી પડશે. એટલું જ નહીં, જો બંને વચ્ચે સંબંધ તૂટે તો તેની જાણ પણ રજિસ્ટ્રારને કરવી પડશે.
વિવાદ નિવારણ માટે મધ્યસ્થી
લગ્નજીવન કે છૂટાછેડાના વિવાદોમાં સીધા કોર્ટના ધક્કા ખાવાને બદલે, કોર્ટમાં કેસ દાખલ કરતા પહેલા 'પ્રિ-લિટિગેશન મેડિએશન' એટલે કે મધ્યસ્થીનો વિકલ્પ ફરજિયાતપણે આપવામાં આવ્યો છે, જેથી પરિવારો તૂટતા બચી શકે.
ગુજરાત સરકારનો આ 'UCC 2026' કાયદો સામાજિક સમાનતા તરફનું એક ઐતિહાસિક પગલું મનાઈ રહ્યું છે. ખાસ કરીને મહિલાઓના અધિકારો અને કૌટુંબિક સુરક્ષા માટે આ કાયદો ગેમ-ચેન્જર સાબિત થશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ કાયદાનો હેતુ કોઈની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો નથી, પરંતુ નાગરિકોને એકસમાન કાયદાકીય છત્ર હેઠળ લાવવાનો છે.