જે સાંસદો નિવૃત્ત થઈ રહ્યા છે તેમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને બી.એલ. વર્માનો સમાવેશ થાય છે. આ બંને નેતાઓને મંત્રીપદ પર ટકી રહેવા માટે ફરીથી ચૂંટાવું ફરજિયાત છે.
Dhanraj Nathwani, Parimal Nathwani: ઉત્તર પ્રદેશમાં આગામી રાજ્યસભા અને વિધાન પરિષદની ચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો તેજ થઈ ગયો છે. સમાજવાદી પાર્ટી (SP) એ રાજ્યસભા માટે પોતાના બે ઉમેદવારોના નામની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. પાર્ટીએ પ્રોફેસર રામગોપાલ યાદવ અને ગુજરાતના જાણીતા યુવા ઉદ્યોગપતિ ધનરાજ પરિમલ નાથવાણીને મેદાનમાં ઉતાર્યા છે.
સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવની હાજરીમાં બંને ઉમેદવાઓએ 30 સપ્ટેમ્બરના રોજ પોતાનું ઉમેદવારી પત્ર પણ દાખલ કરી દીધું છે. આ નામોમાં સૌથી વધુ ચર્ચા ધનરાજ નાથવાણીની થઈ રહી છે. તો ચાલો જાણીએ કોણ છે ધનરાજ નાથવાણી અને શું છે યુપીમાં જીતનું રાજકીય ગણિત.
કોણ છે ધનરાજ પરિમલ નાથવાણી?
ધનરાજ નાથવાણી વર્તમાન રાજ્યસભા સાંસદ પરિમલ નાથવાણીના પુત્ર છે. તેમના પિતા પરિમલ નાથવાણી તાજેતરમાં જ જૂન મહિનામાં ભારતીય જનતા પાર્ટી (BJP) ના સમર્થનથી રાજ્યસભાના સાંસદ બન્યા છે. ધનરાજ નાથવાણી ઉદ્યોગ જગતની સાથે સાથે ગુજરાતના રમતગમત અને ધાર્મિક ક્ષેત્રે બહુ મોટું નામ ધરાવે છે:
ક્રિકેટ અને ફૂટબોલ: તેઓ ગુજરાત ક્રિકેટ એસોસિએશન (GCA) ના પ્રમુખ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બાદ તેમને સર્વસંમતિથી આ મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. આ ઉપરાંત તેઓ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રેસિડેન્ટ તરીકે પણ રમતોને પ્રોત્સાહન આપી રહ્યા છે.
ધાર્મિક પ્રવૃત્તિ: તેઓ પ્રખ્યાત દ્વારકાધીશ મંદિર વહીવટી સમિતિ (દ્વારકા દેવસ્થાન સમિતિ) ના વાઈસ-પ્રેસિડેન્ટ તરીકે સેવા આપે છે.
કલા અને સંસ્કૃતિ: ભગવાન શ્રીકૃષ્ણના જીવન પર આધારિત અત્યંત પ્રખ્યાત મેગા-મ્યુઝિકલ શો 'રાજાધિરાજ: લવ. લાઈફ. લીલા' નું તેમણે સફળ નિર્દેશન અને નિર્માણ કર્યું છે.
શિક્ષણ અને અંગત રસ
ધનરાજે લંડનની પ્રતિષ્ઠિત 'રીજન્ટ બિઝનેસ સ્કૂલ' માંથી ઈન્ટરનેશનલ બિઝનેસમાં બેચલર ડિગ્રી મેળવી છે. તેમને પર્યાવરણ અને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફીનો ખૂબ જ શોખ છે. ખાસ કરીને ગુજરાતના ગીરના સિંહો અને અન્ય વન્યજીવોના સંરક્ષણ માટે ચલાવવામાં આવતા અભિયાનોમાં તેઓ હંમેશા આગળ પડતો ભાગ લે છે.
શા માટે યોજાઈ રહી છે રાજ્યસભા ચૂંટણી?
ઉત્તર પ્રદેશમાંથી ખાલી થતી 10 રાજ્યસભા સીટો માટે આ ચૂંટણી યોજાઈ રહી છે. જેમાંથી 9 સભ્યોનો કાર્યકાળ 25 નવેમ્બરે પૂરો થઈ રહ્યો છે. જ્યારે 10 મી સીટ પૂર્વ નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માએ રાજીનામું આપતા ખાલી પડી છે. દિનેશ શર્માને આંદામાન અને નિકોબાર ટાપુઓના ઉપરાજ્યપાલ બનાવવામાં આવતા 11 સપ્ટેમ્બરથી આ સીટ ખાલી છે.
જે સાંસદો નિવૃત્ત થઈ રહ્યા છે તેમાં કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને બી.એલ. વર્માનો સમાવેશ થાય છે. આ બંને નેતાઓને મંત્રીપદ પર ટકી રહેવા માટે ફરીથી ચૂંટાવું ફરજિયાત છે. આ સિવાય BJP ના અરુણ સિંહ, ગીતા શાક્ય, નીરજ શેખર, બ્રિજલાલ, સીમા દ્વિવેદી, SP ના રામગોપાલ યાદવ અને BSP ના રામજી ગૌતમ નિવૃત્ત થઈ રહ્યા છે.
ચૂંટણીનો કાર્યક્રમ:
નોટિફિકેશન જારી: 29 સપ્ટેમ્બર
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ: 6 ઓક્ટોબર
મતદાન અને મતગણતરીની તારીખ: 16 ઓક્ટોબર રાજ્યસભાની 10 સીટો માટે અને 23 ઓક્ટોબર વિધાન પરિષદની 11 સીટો માટે.
યુપી વિધાનસભાનું સંખ્યાબળ અને જીતનું ગણિત
હાલમાં 403 સભ્યોની યુપી વિધાનસભામાં ધારાસભ્યોના આંકડા પર નજર કરીએ તો BJP ગઠબંધન ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે.
BJP ગઠબંધન (NDA): આગરાની ફતેહાબાદ સીટથી BJP ધારાસભ્યના નિધન બાદ હવે વિધાનસભામાં BJP ગઠબંધનના કુલ 288 ધારાસભ્યો છે. જેમાં BJP ના 255, અપના દળ (સોનેલાલ) ના 13, RLD ના 9, સુભાસપાના 6 અને નિષાદ પાર્ટીના 5 ધારાસભ્યો સામેલ છે. આ આંકડાના આધારે બીજેપી ગઠબંધન આસાનીથી 8 સીટો જીતી શકે તેમ છે.
સમાજવાદી પાર્ટી ગઠબંધન (I.N.D.I.A): SP અને કોંગ્રેસ પાસે મળીને કુલ 103 ધારાસભ્યો છે, જેમાં એકલા SP ના 101 ધારાસભ્યો છે. આ સંખ્યાબળ સાથે SP કોંગ્રેસના ટેકાથી 2 સીટો પોતાના નામે કરી શકે તેવી સ્થિતિમાં છે.
આ ઉપરાંત ગૃહમાં જનસત્તા દળ (લોકતાંત્રિક) ના 2 અને 3 અપક્ષ ધારાસભ્યો પણ છે. આ ત્રણ અપક્ષ ધારાસભ્યો જેમાં યુપી સરકારના મંત્રી મનોજ કુમાર પાંડેય પણ સામેલ છે. અગાઉ SP ની ટિકિટ પર જીત્યા હતા, પરંતુ હાલમાં તેઓ પાર્ટીથી અંતર જાળવી રહ્યા છે. ચૂંટણી પહેલા બંને છાવણીઓમાં પોતાના ઉમેદવારોને જીતાડવા માટે રાજકીય ગતિવિધિઓ અને લોબિંગ તેજ થઈ ગયું છે.