પશ્ચિમ બંગાળ: ચૂંટણી પંચ સામે મમતા બેનર્જી સુપ્રીમ કોર્ટ પહોંચ્યા, SIR પ્રક્રિયાને લઈને ભાજપ પર કર્યા પ્રહાર
Mamata Banerjee Supreme Court: પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ મતદાર યાદીની SIR પ્રક્રિયા સામે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે. તેમણે ભાજપ પર હારના ડરે એજન્સીઓના ઉપયોગનો આરોપ લગાવ્યો છે. જાણો શું છે સમગ્ર મામલો.
Mamata Banerjee Supreme Court: પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ મતદાર યાદીની SIR પ્રક્રિયા સામે સુપ્રીમ કોર્ટમાં ધા નાખી છે.
Mamata Banerjee Supreme Court: પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધી ગયો છે. રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ હવે સીધું સુપ્રીમ કોર્ટનું દ્વાર ખખડાવ્યું છે. મમતા બેનર્જીએ રાજ્યમાં ચાલી રહેલી મતદાર યાદીઓની ખાસ ચકાસણી એટલે કે ‘સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન' (SIR) પ્રક્રિયાને પડકારી છે. તેમણે આ મુદ્દે ચૂંટણી પંચ અને રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી સામે અરજી દાખલ કરી છે.
સુપ્રીમ કોર્ટમાં સુનાવણીની શક્યતા
મહત્વની વાત એ છે કે SIR પ્રક્રિયાને લઈને તૃણમૂલ કોંગ્રેસ (TMC) પહેલેથી જ એક્શનમાં છે. પાર્ટીના સાંસદ ડોલા સેન અને ડેરેક ઓબ્રાયન દ્વારા અગાઉ જ સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જે અત્યારે પેન્ડિંગ છે. હવે મુખ્યમંત્રીએ પોતે આ મામલે ઝંપલાવ્યું છે. એવી શક્યતા છે કે આ મામલે આગામી 4 ફેબ્રુઆરીના રોજ સુનાવણી થઈ શકે છે.
દિલ્હીમાં ચૂંટણી કમિશનર સાથે મુલાકાત
મમતા બેનર્જી સોમવારે દિલ્હીમાં છે. તેઓ પોતાની પાર્ટીના નેતાઓના એક પ્રતિનિધિમંડળ સાથે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારને મળવાના છે. રવિવારે દિલ્હી રવાના થતા પહેલા કોલકાતા એરપોર્ટ પર તેમણે મીડિયા સાથે વાતચીત કરી હતી અને ભારતીય જનતા પાર્ટી (BJP) પર આકરા પ્રહારો કર્યા હતા.
"ભાજપને હારનો ડર છે"
મમતા બેનર્જીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, "ભાજપ સારી રીતે જાણે છે કે તેઓ બંગાળમાં હારવાના છે. બસ એટલા માટે જ તેઓ SIR નો સહારો લઈ રહ્યા છે." તેમણે ભાજપને પડકાર ફેંકતા કહ્યું કે, "જો તેમનામાં હિંમત હોય તો એજન્સીઓ અને ચૂંટણી પંચનો ઉપયોગ કરવાને બદલે રાજકીય અને લોકશાહી ઢબે ચૂંટણી લડીને બતાવે." મમતા બેનર્જીએ એમ પણ ઉમેર્યું કે બીજા રાજ્યોમાં પણ આવી જ પદ્ધતિઓ અપનાવીને ચૂંટણી પરિણામોને અસર પહોંચાડવામાં આવી છે.
એક સામાન્ય નાગરિક તરીકે કોર્ટમાં રજૂઆત
આશરે એક મહિના પહેલા જ મમતા બેનર્જીએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ લોકોના લોકશાહી અધિકારોના રક્ષણ માટે સુપ્રીમ કોર્ટ જશે. દક્ષિણ 24 પરગણાના ગંગાસાગર મેળામાં તેમણે કહ્યું હતું કે, "હું એક વકીલ હોવા છતાં, વકીલ તરીકે નહીં પણ એક સામાન્ય નાગરિક તરીકે કોર્ટમાં જઈશ."
તેમણે કહ્યું કે તેઓ કોર્ટ પાસે પોતાની વાત રજૂ કરવાની પરવાનગી માંગશે. તેમનો ઉદ્દેશ્ય એ છે કે જમીની સ્તરે જે હકીકત છે અને લોકોને જે રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે, તે કોર્ટ સામે લાવી શકાય. મમતા બેનર્જીએ મક્કમતાથી કહ્યું કે ભાજપ ગમે તેટલા પ્રયત્નો કરી લે, તેમને સફળતા નહીં મળે.