મુંબઈના GSB સેવા મંડળના ગણપતિ માટે 2026 ના ગણેશોત્સવમાં 703.27 કરોડ રૂપિયાનો જંગી વીમો લેવાયો છે. 66 કિલો સોનું અને 335 કિલો ચાંદીથી શણગારાતા આ મહાગણપતિની સંપૂર્ણ માહિતી વાંચો.
વીમાની આ રકમ ગત વર્ષોની સરખામણીમાં ઘણી વધારે હોવાથી લોકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.
Mumbai Ganeshotsav 2026 : મુંબઈનો ગણેશોત્સવ આખી દુનિયામાં પ્રખ્યાત છે. તેમાં પણ મુંબઈના GSB સેવા મંડળના ગણપતિ તેમની ભવ્યતા અને સોના-ચાંદીના અદભુત શણગાર માટે જાણીતા છે. ગણેશોત્સવ 2026 માં આ ગણપતિ ફરી એકવાર સૌથી વધુ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે. આ વખતે મહાગણપતિની મૂર્તિ અને ઉત્સવ સાથે જોડાયેલા કિંમતી સામાન માટે 703.27 કરોડ રૂપિયાનો તોતિંગ વીમો ઉતારવામાં આવ્યો છે. વીમાની આ રકમ ગત વર્ષોની સરખામણીમાં ઘણી વધારે હોવાથી લોકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે.
વીમાની રકમમાં મોટો વધારો કેમ?
મંડળ દ્વારા વર્ષ 2025 માં 474 કરોડ રૂપિયા અને 2024 માં 400 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો હતો. આ વર્ષે વીમાની રકમ વધવા પાછળનું મુખ્ય કારણ સોના અને ચાંદીના બજાર ભાવમાં આવેલો જબરદસ્ત ઉછાળો છે. ગણેશોત્સવ દરમિયાન મહાગણપતિને 66 કિલોથી વધુ સોના અને 335 કિલોથી વધુ ચાંદીના આભૂષણોથી શણગારવામાં આવશે. આ ઘરેણાંઓમાં અનેક કિંમતી રત્નો પણ સામેલ છે. વર્ષોથી શ્રદ્ધાળુઓ અને ભક્તો દ્વારા આ આભૂષણો ભેટમાં આપવામાં આવે છે.
5 દિવસ ચાલશે આ ભવ્ય ઉત્સવ
કિંગ્સ સર્કલ ખાતે આવેલા શ્રી સુકૃતેન્દ્ર નગરમાં મહાગણપતિનો આ 5 દિવસીય ઉત્સવ યોજાશે. આ વર્ષે 14 થી 18 સપ્ટેમ્બર સુધી ગણેશોત્સવ ઉજવવામાં આવશે. ભક્તો આ ગણપતિને મરાઠીમાં ‘નવસાલા પાવણારા વિશ્વાચા રાજા’ (મનોકામનાઓ પૂરી કરનાર વિશ્વના રાજા) તરીકે પણ ઓળખે છે. અહીં દરરોજ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. માત્ર મુંબઈ જ નહીં, પરંતુ દેશ-વિદેશથી લોકો આ મહાગણપતિના દર્શન માટે આવે છે.
માત્ર ભવ્યતા જ નહીં, સમાજ સેવા પણ છે મોટી ઓળખ
GSB સેવા મંડળની સ્થાપના 1951 માં એક ચેરિટેબલ સંસ્થા તરીકે થઈ હતી અને અહીં ગણેશોત્સવની શરૂઆત 1955 થી કરવામાં આવી હતી. આ મંડળ માત્ર ધાર્મિક આયોજન પૂરતું સીમિત નથી, પરંતુ આખું વર્ષ સમાજ સેવાના કામો કરે છે. સંસ્થા દ્વારા મેડિકલ સહાય, શિક્ષણ માટે મદદ, રક્તદાન કેમ્પ, કરિયર માર્ગદર્શન અને જરૂરિયાતમંદોને અંતિમ સંસ્કાર માટે પણ આર્થિક મદદ પૂરી પાડવામાં આવે છે.
200 બેડની હોસ્પિટલ અને 'સંતુષ્ટ અન્નદાન'
મંડળની ભવિષ્યની મોટી યોજનાઓમાં મીરા-ભાઈંદરના વર્સાવે વિસ્તારમાં 200 બેડની મલ્ટી-સ્પેશિયાલિટી ચેરિટેબલ હોસ્પિટલ બનાવવાનો સમાવેશ થાય છે. આનો હેતુ સામાન્ય લોકોને સસ્તા દરે શ્રેષ્ઠ સારવાર આપવાનો છે. આ ઉપરાંત કોરોના મહામારી વખતે શરૂ કરાયેલી ‘સંતુષ્ટ અન્નદાન’ યોજના અંતર્ગત આજે પણ સરકારી હોસ્પિટલો, અનાથાશ્રમો અને આર્થિક રીતે નબળા વિસ્તારોમાં લોકોને તાજું અને પૌષ્ટિક શાકાહારી ભોજન પૂરું પાડવામાં આવે છે.
આ વખતે પર્યાવરણનું પણ રખાયું છે ખાસ ધ્યાન
ગણેશોત્સવ 2026 માં મંડળે પર્યાવરણ બચાવવા માટે પણ મોટો નિર્ણય લીધો છે. 'ગો ગ્રીન' અભિયાન હેઠળ હવેથી કાગળની રસીદના બદલે ડિજિટલ રસીદનો જ ઉપયોગ કરવામાં આવશે. સાથે જ, પ્રદૂષણ અટકાવવા માટે ઇકો-ફ્રેન્ડલી મૂર્તિની જ સ્થાપના કરવામાં આવશે.