આ ઐતિહાસિક ઇનિંગ્સ સાથે તેણે એક-બે નહીં, પરંતુ અડધો ડઝનથી વધુ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે અને હવે તે દુનિયાની નંબર-1 મહિલા બેટર બની ગઈ છે.
Smriti Mandhana: ભારતીય મહિલા ક્રિકેટ ટીમની સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાએ મેદાન પર એવું તોફાન મચાવ્યું છે કે આખી દુનિયા જોતી રહી ગઈ. મહિલા ટી20 એશિયા કપ 2026 માં હોંગકોંગ સામે રમાયેલી મેચમાં મંધાનાએ માત્ર 64 બોલમાં 124 રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી છે. આ ઐતિહાસિક ઇનિંગ્સ સાથે તેણે એક-બે નહીં, પરંતુ અડધો ડઝનથી વધુ વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે અને હવે તે દુનિયાની નંબર-1 મહિલા બેટર બની ગઈ છે.
ચાલો જાણીએ સ્મૃતિ મંધાનાએ કયા કયા મસમોટા રેકોર્ડ તોડ્યા છે, જે જાણીને દરેક ભારતીયને ગર્વ થશે.
મિતાલી રાજનો મહારેકોર્ડ તૂટ્યો
આ શાનદાર 124 રનની ઇનિંગ્સ દરમિયાન સ્મૃતિ મંધાનાએ ભારતની જ દિગ્ગજ ખેલાડી અને પૂર્વ કેપ્ટન મિતાલી રાજનો સૌથી મોટો રેકોર્ડ તોડી નાખ્યો છે. મિતાલીના નામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 10,868 રન હતા. પરંતુ હવે મંધાના 10,880 રન સાથે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનારી વિશ્વની પ્રથમ બેટર બની ગઈ છે.
Well deserved, @mandhana_smriti ! I’ve watched you grow from a young player into one of the finest batters India has produced. To see you go past my record and become the highest run-scorer in international cricket is a moment I’m genuinely proud of. Here’s to many more runs and…
મહિલા ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારવાના મામલે પણ મંધાના ટોચ પર પહોંચી ગઈ છે. હોંગકોંગ સામેની સદી તેની કારકિર્દીની 18મી ઇન્ટરનેશનલ સદી હતી. આ સાથે તેણે ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગ (17 સદી) અને દક્ષિણ આફ્રિકાની લૌરા વોલ્વાર્ડ્ટ (17 સદી) ને પાછળ છોડી દીધા છે.
ભારત માટે નવો રેકોર્ડ: 124 રનનો આ સ્કોર મહિલા ટી20 ઇન્ટરનેશનલમાં કોઈપણ ભારતીય બેટર દ્વારા બનાવાયેલો સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે. રસપ્રદ વાત એ છે કે, તેણે પોતાનો જ જૂનો રેકોર્ડ તોડ્યો છે, જે તેણે 2025 માં ઇંગ્લેન્ડ સામે 112 રન બનાવીને નોંધાવ્યો હતો.
એશિયા કપનો ઇતિહાસ: મહિલા ટી20 એશિયા કપના ઇતિહાસમાં પણ આ સૌથી મોટો સ્કોર છે. અગાઉ આ રેકોર્ડ શ્રીલંકાની ચમારી અટાપટ્ટુ અણનમ 119 રન સાથે નામે હતો. એશિયા કપમાં આ માત્ર બીજી જ સદી છે.
છગ્ગાઓનો વરસાદ અને નવા સીમાચિહ્નો
હોંગકોંગ સામે મંધાનાએ 7 ગગનચુંબી છગ્ગા ફટકાર્યા હતા. હવે તેના નામે ટી20 ઇન્ટરનેશનલમાં કુલ 95 સિક્સર થઈ ગઈ છે. તે ભારતીય મહિલા ખેલાડીઓમાં સૌથી વધુ છગ્ગા મારનારી બેટર બની ગઈ છે, જ્યારે વિશ્વ સ્તરે તે ચોથા ક્રમે પહોંચી છે. (એક ઇનિંગ્સમાં સૌથી વધુ 8 છગ્ગા મારવાનો ભારતીય રેકોર્ડ હરમનપ્રીત કૌરના નામે છે). આ ઉપરાંત, મંધાના ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બે સદી ફટકારનારી ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની છે. આ સાથે જ ત્રણેય ફોર્મેટમાં 93 વખત 50 પ્લસ સ્કોર કરીને તેણે મિતાલી રાજના વર્લ્ડ રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે.
એકલા હાથે બનાવી દીધી 64% રન!
આ મેચમાં ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 193 રનનો જંગી સ્કોર ઉભો કર્યો હતો, જે એશિયા કપના ઇતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર છે. નવાઈની વાત એ છે કે ટીમના કુલ સ્કોરમાંથી 64.25% રન (124 રન) તો માત્ર સ્મૃતિએ જ બનાવ્યા હતા! ભારત માટે આ બીજું સૌથી મોટું વ્યક્તિગત યોગદાન છે. બીજા છેડે શેફાલી વર્માએ 28 રન બનાવ્યા હતા. આખી ટીમમાં અન્ય કોઈ ખેલાડી 30 રન સુધી પણ પહોંચી શક્યો ન હતો. આ મેચમાં ભારતે કુલ 9 છગ્ગા માર્યા હતા (7 મંધાના અને 2 શેફાલી), જે ભારત માટે ટી20માં એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સરનો સંયુક્ત રેકોર્ડ છે.
સ્મૃતિ મંધાનાની આ ઇનિંગ્સ માત્ર આંકડાઓની દૃષ્ટિએ જ નહીં, પરંતુ ભારતીય મહિલા ક્રિકેટના વર્ચસ્વને દર્શાવવા માટે પણ ઐતિહાસિક બની રહેશે. તેના આ શાનદાર ફોર્મને જોતા આગામી સમયમાં હજુ પણ ઘણા નવા રેકોર્ડ્સ બનવાની પૂરી શક્યતા છે.