Brahmaputra Underwater Tunnel: હવે બ્રહ્મપુત્રા નદીની નીચે દોડશે ટ્રેન અને ગાડીઓ, દેશની પહેલી 'અંડરવોટર ટનલ'ને મળી લીલી ઝંડી
Brahmaputra Underwater Tunnel: ભારતમાં પહેલીવાર બ્રહ્મપુત્રા નદીની નીચે ટ્રેન અને વાહનો માટે ટનલ બનવા જઈ રહી છે. આસામના ગોહપુર અને નુમાલીગઢ વચ્ચેનું 6 કલાકનું અંતર હવે માત્ર 30 મિનિટમાં કપાશે. જાણો આ 18,600 કરોડના મેગા પ્રોજેક્ટની ખાસિયતો.
આ એક સ્ટ્રેટેજિક પ્રોજેક્ટ છે, તેથી તેનો ખર્ચ પણ રોડ ટ્રાન્સપોર્ટ, રેલવે અને રક્ષા મંત્રાલય (Defense Ministry) સાથે મળીને ઉઠાવશે.
Brahmaputra Underwater Tunnel: ભારતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના ક્ષેત્રે એક ઐતિહાસિક નિર્ણય લેવાયો છે. હવે આસામમાં બ્રહ્મપુત્રા નદીના ઉછળતા મોજાઓની નીચેથી ટ્રેન અને ગાડીઓ પસાર થશે. હા, તમે બરાબર વાંચ્યું! ભારતે પોતાની પહેલી 'અંડરવોટર ટ્વિન-ટ્યુબ ટનલ' (પાણીની નીચે બે સુરંગ) બનાવવા માટે લીલી ઝંડી આપી દીધી છે. આ પ્રોજેક્ટ માત્ર મુસાફરો માટે જ નહીં, પણ દેશની સુરક્ષા માટે પણ ગેમ-ચેન્જર સાબિત થશે.
શું છે આ ટ્વિન-ટ્યુબ ટનલ પ્રોજેક્ટ?
સરળ ભાષામાં સમજીએ તો, બ્રહ્મપુત્રા નદીની નીચે બે મોટી સુરંગ (ટ્યુબ) બનાવવામાં આવશે. આમાંથી એક ટ્યુબમાં રેલવે ટ્રેક હશે જેના પર ટ્રેન દોડશે, જ્યારે બીજી ટ્યુબમાં ગાડીઓ અને અન્ય વાહનોની અવરજવર થશે. આ ટનલ આસામના ગોહપુર અને નુમાલીગઢ શહેરને એકબીજા સાથે જોડશે.
સરકારના એક ખાસ પેનલે આ 15.8 કિલોમીટર લાંબી ટનલના નિર્માણને મંજૂરી આપી દીધી છે. ખાસ વાત એ છે કે આ ટનલ દરિયાની સપાટીથી નહીં, પણ નદીના તળિયાથી પણ 32 મીટર નીચે બનાવવામાં આવશે.
મુસાફરીનો સમય કલાકોમાંથી મિનિટોમાં!
આ ટનલ બનવાથી સામાન્ય લોકોને સૌથી મોટો ફાયદો સમયનો થશે.
અત્યારે ગોહપુરથી નુમાલીગઢ જવા માટે લોકોને લગભગ 6.30 કલાકનો સમય લાગે છે.
આ ટનલ બની ગયા પછી, આ મુસાફરી માત્ર 30 મિનિટમાં પૂરી થઈ જશે.
જે અંતર અત્યારે 240 કિલોમીટરનું છે, તે ઘટીને માત્ર 34 કિલોમીટર રહી જશે.
દેશની સુરક્ષા માટે અત્યંત મહત્વનું પગલું
આ પ્રોજેક્ટ માત્ર વાહનવ્યવહાર માટે જ નથી, પણ આર્મી માટે પણ ખુબ મહત્વનો છે. ભારત ચીન બોર્ડર નજીક હોવાથી, કોઈપણ ઈમરજન્સી કે યુદ્ધ જેવી સ્થિતિમાં સેનાના જવાનો અને તોપ-ગોળા કે અન્ય હથિયારો આ ટનલ મારફતે ખૂબ જ ઝડપથી બોર્ડર સુધી પહોંચાડી શકાશે. આ એક સ્ટ્રેટેજિક પ્રોજેક્ટ છે, તેથી તેનો ખર્ચ પણ રોડ ટ્રાન્સપોર્ટ, રેલવે અને રક્ષા મંત્રાલય (Defense Ministry) સાથે મળીને ઉઠાવશે.
ખર્ચ અને ડિઝાઈનની ખાસિયતો
આ આખા પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 18,600 કરોડ રૂપિયા થવાની શક્યતા છે.
ટનલની કુલ લંબાઈ એપ્રોચ રોડ અને રેલવે ટ્રેક સાથે મળીને 33.7 કિલોમીટર થશે.
ડિઝાઈન મુજબ, ટ્રેન ઈલેક્ટ્રિક હશે અને તેમાં બેલિસ્ટિક ટ્રેકનો ઉપયોગ થશે.
સુરક્ષાના કારણોસર એવી વ્યવસ્થા હશે કે જ્યારે ટ્રેન પસાર થાય ત્યારે બીજી ટ્યુબમાં ટ્રાફિકને કંટ્રોલ કરી શકાય.
પ્રોજેક્ટ ક્યારે પૂરો થશે?
અધિકારીઓના જણાવ્યા અનુસાર, કામ શરૂ થયાના 5 વર્ષની અંદર આ પ્રોજેક્ટ પૂરો કરવાનો લક્ષ્યાંક છે. ટૂંક સમયમાં જ કેન્દ્રીય કેબિનેટ પાસે આ પ્રસ્તાવ મંજૂરી માટે જશે. શક્યતા છે કે આસામમાં વિધાનસભા ચૂંટણી પહેલા આ કામ શરૂ થઈ શકે છે.
આ ટનલ બનવાથી અરુણાચલ પ્રદેશ, મણિપુર અને અન્ય નોર્થ-ઈસ્ટ (ઉત્તર-પૂર્વ) રાજ્યોની કનેક્ટિવિટીમાં મોટો સુધારો આવશે. અગાઉ અહીં માત્ર રોડ ટનલ બનાવવાનું વિચારાયું હતું, પરંતુ હવે રેલવે ટ્રેક ઉમેરવાને કારણે બજેટ વધ્યું છે, પણ સાથે સુવિધા પણ બમણી થઈ છે.