BRICS Summit 2026: ભારત આવી રહ્યા છે શી જિનપિંગ અને પુતિન, જાણો દિલ્હીમાં શું છે પીએમ મોદીનો માસ્ટરપ્લાન
12 અને 13 સપ્ટેમ્બરે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે 18મું BRICS Summit 2026 યોજાશે. જેમાં શી જિનપિંગ અને પુતિન ભાગ લેશે. જાણો બે દિવસનો કાર્યક્રમ અને પીએમ મોદીની રણનીતિ.
બ્રિક્સ સંગઠનમાં હવે 11 સભ્ય દેશો છે અને તેની સૌથી મોટી તાકાત 'સર્વસંમતિ' છે. પરંતુ મિડલ ઈસ્ટના સંકટ મુદ્દે ઈરાન અને સંયુક્ત આરબ અમીરાત જેવા સભ્ય દેશોના મંતવ્યો અલગ-અલગ છે.
BRICS Summit 2026 : વૈશ્વિક રાજકારણ અને કૂટનીતિના કેન્દ્રમાં ફરી એકવાર ભારત ચમકવા જઈ રહ્યું છે. આગામી 12 અને 13 સપ્ટેમ્બરના રોજ નવી દિલ્હીના ભવ્ય 'ભારત મંડપમ' ખાતે 18મું બ્રિક્સ શિખર સંમેલન યોજાવા જઈ રહ્યું છે. આ મહામંથનમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસા સહિત દુનિયાના શક્તિશાળી નેતાઓ એક જ મંચ પર એકઠા થશે. પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં યોજાનાર આ સમિટ પર આખી દુનિયાની નજર મંડાયેલી છે.
શી જિનપિંગ અને પુતિનનો ભારત પ્રવાસ કેમ ખાસ છે?
ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની આ ભારત મુલાકાત કૂટનીતિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. લાંબા સમયથી ચાલી રહેલા સરહદી વિવાદ અને તણાવ બાદ બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાની દિશામાં આને એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. સમિટ દરમિયાન પીએમ મોદી અને શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થવાની પૂરી શક્યતા છે.
આ ઉપરાંત પીએમ મોદી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ એક મહત્વની બેઠક કરશે. જેમાં બંને દેશો વચ્ચે વેપાર, ઊર્જા સુરક્ષા અને નવી પેમેન્ટ સિસ્ટમ અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવશે.
ખાદ્ય અને ઊર્જા સુરક્ષા પર રહેશે મુખ્ય ભાર
હાલમાં દુનિયા રશિયા-યુક્રેન યુદ્ધ, મિડલ ઈસ્ટનો તણાવ અને અમેરિકાની ટેરિફ નીતિઓ જેવા આર્થિક દબાણોનો સામનો કરી રહી છે. આ વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે ભારતે બ્રિક્સ 2026 ની થીમ 'Building for Resilience, Innovation, Cooperation and Sustainability' રાખી છે. ભારતનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો રહેશે કે ગમે તેવી વૈશ્વિક કટોકટી વચ્ચે પણ સભ્ય દેશોમાં ખાદ્ય સુરક્ષા, દવાઓ અને ઊર્જાની સપ્લાય ચેન ખોરવાય નહીં.
'ન્યૂ દિલ્હી ડિક્લેરેશન' અને ભારતની કૂટનીતિક કસોટી
બ્રિક્સ સંગઠનમાં હવે 11 સભ્ય દેશો છે અને તેની સૌથી મોટી તાકાત 'સર્વસંમતિ' છે. પરંતુ મિડલ ઈસ્ટના સંકટ મુદ્દે ઈરાન અને સંયુક્ત આરબ અમીરાત જેવા સભ્ય દેશોના મંતવ્યો અલગ-અલગ છે. આ સ્થિતિમાં તમામ દેશોને એકમત કરીને સંયુક્ત 'ન્યૂ દિલ્હી ડિક્લેરેશન'બહાર પાડવું એ ભારત માટે એક મોટી કૂટનીતિક કસોટી બની રહેશે.
જાણો બે દિવસનો સંપૂર્ણ કાર્યક્રમ
12 સપ્ટેમ્બર: બપોરે 2:35 વાગ્યે બ્રિક્સ દેશોના નેતાઓની બંધબારણે બેઠક થશે. ત્યારબાદ તમામ નેતાઓ 'ભારત ઈનોવેટ્સ એક્ઝિબિશન' ની મુલાકાત લેશે. સત્તાવાર ફેમિલી ફોટો સેશન અને સંયુક્ત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાશે. સાંજે પીએમ મોદી દ્વારા તમામ ખાસ મહેમાનો માટે ભવ્ય 'ગાલા ડિનર' નું આયોજન કરવામાં આવ્યું છે.
13 સપ્ટેમ્બર: સવારે 10:50 વાગ્યે સમિટનું ઓપન સેશન શરૂ થશે. વિવિધ વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કર્યા બાદ તમામ દેશોની સર્વસંમતિથી 'ન્યૂ દિલ્હી ડિક્લેરેશન' જારી કરવામાં આવશે અને ત્યારબાદ સંમેલનનું વિધિવત સમાપન થશે.