સાયબર ક્રિમિનલ્સની હવે ખેર નથી! અમિત શાહનો મોટો એક્શન પ્લાન: 1930 હેલ્પલાઈન અને બેંકોને આપ્યા કડક આદેશ | Moneycontrol Gujarati
Get App

સાયબર ક્રિમિનલ્સની હવે ખેર નથી! અમિત શાહનો મોટો એક્શન પ્લાન: 1930 હેલ્પલાઈન અને બેંકોને આપ્યા કડક આદેશ

સરકાર સાયબર અપરાધોની 'ઈકોસિસ્ટમ' ખતમ કરવા સજ્જ. ગૃહમંત્રી અમિત શાહે CBI અને I4C ને આપ્યા કડક નિર્દેશ. 12 લાખ સિમ કાર્ડ બ્લોક અને હેલ્પલાઈન 1930 ને લઈને મોટી જાહેરાત. વાંચો સંપૂર્ણ અહેવાલ.

અપડેટેડ 06:20:22 PM Feb 10, 2026 પર
Story continues below Advertisement
સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ હેલ્પલાઈન નંબર 1930 ને વધુ અસરકારક બનાવવા પર તેમણે ખાસ ભાર મૂક્યો હતો.

ભારતમાં વધી રહેલા સાયબર અપરાધો પર લગામ કસવા માટે કેન્દ્ર સરકારે હવે કમર કસી લીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાયબર ક્રિમિનલ્સની 'ઈકોસિસ્ટમ' ને જડમૂળથી ખતમ કરવા માટે તમામ સરકારી વિભાગો અને તપાસ એજન્સીઓને એક થઈને કામ કરવા માટે હાંકલ કરી છે. CBI અને I4C દ્વારા આયોજિત એક કોન્ફરન્સમાં તેમણે સાયબર ફ્રોડ રોકવા માટે એક મજબૂત રણનીતિ પર ભાર મૂક્યો હતો.

ડિજિટલ ઈન્ડિયા: ગર્વ સાથે સુરક્ષાનો પડકાર

અમિત શાહે જણાવ્યું હતું કે, છેલ્લા 11 વર્ષોમાં સરકારના પ્રયાસોને કારણે ભારતમાં ઈન્ટરનેટ યુઝર્સની સંખ્યા 100 કરોડને પાર પહોંચી ગઈ છે. એટલું જ નહીં, બ્રોડબેન્ડ યુઝર્સ પણ 100 કરોડથી વધુ છે. વિશ્વમાં થતું દરેક બીજું ડિજિટલ ટ્રાન્ઝેક્શન ભારતમાં થઈ રહ્યું છે. જોકે, આ ડિજિટલ ક્રાંતિની સાથે સુરક્ષા પણ એટલી જ જરૂરી બની ગઈ છે.

તેમણે ચેતવણી ઉચ્ચારતા કહ્યું કે સાયબર સુરક્ષા હવે માત્ર આર્થિક નુકસાન પૂરતી સીમિત નથી, પરંતુ તે દેશની રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાઈ ગઈ છે. દુશ્મનો દ્વારા દેશના મહત્વપૂર્ણ સંસ્થાનોનો ડેટા ચોરી કરવા અને વેચવાના પ્રયાસો થઈ રહ્યા છે, જેને રોકવા માટે આપણે સજાગ રહેવું પડશે.


12 લાખ સિમ કાર્ડ બ્લોક અને કરોડોની રિકવરી

સરકારની કામગીરીના આંકડા રજૂ કરતા ગૃહમંત્રીએ જણાવ્યું કે I4Cએ છેલ્લા કેટલાક વર્ષોમાં જબરદસ્ત કામગીરી કરી છે.

ફરિયાદો અને બચાવ: સાયબર ક્રાઈમ પોર્ટલ દ્વારા ગયા વર્ષે નવેમ્બર સુધીમાં 23.61 લાખ ફરિયાદો મળી હતી. આ ફરિયાદો પર ત્વરિત કાર્યવાહી કરીને 1.8 લાખ કરોડ રૂપિયા બચાવવામાં આવ્યા છે.

કડક કાર્યવાહી: આ ઉપરાંત, 12 લાખ શંકાસ્પદ સિમ કાર્ડ અને 3 લાખ મોબાઈલ ડિવાઈસના IMEI નંબર બ્લોક કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 20,853 અપરાધીઓને પકડવામાં આવ્યા છે.

દર કલાકે 100 લોકો બની રહ્યા છે શિકાર

ચિંતાજનક આંકડા આપતા શાહે કહ્યું કે દેશમાં સરેરાશ દર કલાકે 95 થી 100 લોકો સાયબર ફ્રોડનો શિકાર બની રહ્યા છે. પહેલા હેકિંગ મેન્યુઅલ રીતે થતું હતું, પરંતુ હવે અપરાધીઓ એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંગઠિત રીતે કામ કરી રહ્યા છે. આ પડકારને પહોંચી વળવા માટે આપણે તેમનાથી બે ડગલાં આગળ રહેવું પડશે.

હેલ્પલાઈન 1930 પર તાત્કાલિક રિસપોન્સ જરૂરી

સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ હેલ્પલાઈન નંબર 1930 ને વધુ અસરકારક બનાવવા પર તેમણે ખાસ ભાર મૂક્યો હતો. અમિત શાહે રાજ્ય પોલીસને ટકોર કરતા કહ્યું કે, "જો કોઈ પીડિત 1930 પર કોલ કરે અને ઈમરજન્સીમાં કોલ રિસીવ ન થાય અથવા મોડો રિસીવ થાય, અને ત્યાં સુધીમાં તેના પૈસા ઉપડી જાય, તો સિસ્ટમની ઈમેજ ખરાબ થાય છે." આ માટે કોલ સેન્ટરોમાં વધુ સ્ટાફ અને ઝડપી રિસ્પોન્સ મિકેનિઝમ ઉભું કરવા સૂચના આપવામાં આવી છે.

બેંકો અને સંસ્થાઓએ એક થવું પડશે

અમિત શાહે સ્પષ્ટ કહ્યું કે RBI, NIA, CBI અને બેંકોએ સંકલન સાધીને કામ કરવું પડશે. RBI અને ગૃહમંત્રાલયે મળીને જે 'મ્યુલ એકાઉન્ટ હંટર એપ' બનાવી છે, તેને તમામ સરકારી અને પ્રાઈવેટ બેંકોએ ફરજિયાતપણે અપનાવવી જોઈએ. ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સે પણ I4C સાથે પ્રાથમિકતાના ધોરણે સહકાર આપવો પડશે. ટૂંકમાં, સાયબર અપરાધીઓને પકડવા માટે તમામ લૂપ-હોલ્સ બંધ કરવા સરકાર હવે એક્શન મોડમાં છે.

આ પણ વાંચો-બ્રિટનમાં મોટો રાજકીય ઉલટફેર? કીર સ્ટાર્મરની ખુરશી ખતરામાં, પાકિસ્તાની મૂળના શબાના મહમૂદ બની શકે છે પહેલા મુસ્લિમ PM

MoneyControl News

MoneyControl News

First Published: Feb 10, 2026 6:20 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.