Facebook અને Instagram રાત્રે નહીં ચાલે? યુઝર્સ માટે 2 કલાકની લિમિટ સેટ થશે, જાણો Metaની નવી તૈયારી પાછળનું મોટું કારણ
Meta એક મોટો નિર્ણય લેવા જઈ રહ્યું છે. હવે Facebook અને Instagram રાત્રે નહીં ચાલે અને દિવસમાં માત્ર 2 કલાકની લિમિટ સેટ થશે. જાણો આ નવા નિયમ અને 1.15 લાખ કરોડના દંડની સંપૂર્ણ વિગત.
કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોનટાની ઓફિસમાંથી મળેલી માહિતી મુજબ, આ કડક નિયમો માત્ર 18 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ માટે જ લાગુ કરવામાં આવશે. જોકે, Meta આ નિયમો ક્યારથી લાગુ કરશે તે હજુ સ્પષ્ટ નથી.
જો તમને અથવા તમારા ઘરના બાળકોને રાત-દિવસ Facebook અને Instagram સ્ક્રોલ કરવાની આદત છે, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ મહત્વના છે. માર્ક ઝુકરબર્ગની કંપની Meta ટૂંક સમયમાં પોતાના પ્લેટફોર્મ પર કેટલાક મોટા ફેરફારો કરવા જઈ રહી છે. નવી અપડેટ બાદ એવો સમય આવી શકે છે કે જ્યારે રાત્રે આ એપ્સ સંપૂર્ણપણે બંધ થઈ જશે.
ચાલો જાણીએ શું છે આ નવો નિયમ અને કંપની આવો મોટો નિર્ણય કેમ લેવા મજબૂર બની છે.
સોશિયલ મીડિયા વાપરવાની લિમિટ સેટ થશે
મળતી માહિતી મુજબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વાપરવા માટે ટૂંક સમયમાં 2 કલાકની લિમિટ સેટ કરવામાં આવી શકે છે. એટલે કે યુઝર્સ દિવસમાં માત્ર 2 કલાક જ આ પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે. એટલું જ નહીં, રાત્રિના સમયે આ એપ્સને સંપૂર્ણપણે શટડાઉન કરવાની તૈયારી પણ ચાલી રહી છે.
જોકે, કેલિફોર્નિયાના એટર્ની જનરલ રોબ બોનટાની ઓફિસમાંથી મળેલી માહિતી મુજબ, આ કડક નિયમો માત્ર 18 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સ માટે જ લાગુ કરવામાં આવશે. જોકે, Meta આ નિયમો ક્યારથી લાગુ કરશે તે હજુ સ્પષ્ટ નથી.
આખરે આ નિર્ણય કેમ લેવાયો? શું છે સમગ્ર મામલો?
આ નિર્ણય પાછળ અમેરિકાના કેલિફોર્નિયાની કોર્ટનો એક મોટો આદેશ જવાબદાર છે. છેલ્લા બે અઠવાડિયાથી કોર્ટમાં Meta વિરુદ્ધ 28 જેટલા કેસની સુનાવણી ચાલી રહી હતી.
Meta પર ખૂબ જ ગંભીર આરોપ હતો કે કંપની જાણીજોઈને એવા ફીચર્સ બનાવે છે, જેનાથી બાળકોને સોશિયલ મીડિયાની લત લાગી જાય છે. આ એપ્સના કારણે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પડી રહી છે તેવો દાવો પણ કરવામાં આવ્યો હતો.
Meta ને 1.15 લાખ કરોડ રૂપિયાનો તોતિંગ દંડ
ઓકલેન્ડ સ્થિત કોર્ટમાં ચાલી રહેલા આ મુકદ્દમાને ખતમ કરવા માટે Meta એ એક સમજૂતી કરી છે. કંપનીએ કોર્ટમાં એક સંમતિ પત્ર રજૂ કર્યું છે, જેમાં શરત મૂકવામાં આવી છે કે Meta એ 14 બિલિયન અમેરિકી ડોલરનો તોતિંગ દંડ ચૂકવવો પડશે.
આટલો મોટો દંડ ભરવાની સાથે કંપનીએ કોર્ટ દ્વારા બાળકોની સુરક્ષા માટે સૂચવવામાં આવેલા તમામ નિયમો પણ માનવા પડશે. આ શરતો સ્વીકાર્યા બાદ જ કંપની પર ચાલતા અન્ય કેસોમાં રાહત મળશે.
ભારત સરકારે પણ લીધું છે કડક વલણ
માત્ર અમેરિકા જ નહીં, પરંતુ ભારત સરકારે પણ બાળકોની સુરક્ષાને લઈને Meta ને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. ભારતમાં Instagram અને Facebook પર ચાઈલ્ડ એબ્યુઝ અને ચાઈલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટિરિયલને લગતા કન્ટેન્ટ પર સરકારે લાલ આંખ કરી છે.
ભારત સરકારની આ કડકાઈ બાદ Meta હરકતમાં આવ્યું છે. હવે કંપની પોતાના પ્લેટફોર્મ પરથી ગેરકાયદેસર કન્ટેન્ટને ફિલ્ટર કરવા અને તાત્કાલિક હટાવવા માટે વધુ સાવચેતી રાખી રહી છે.