તિબેટ-નેપાળ બોર્ડર પર પૂરનો કહેર, ઈશા ફાઉન્ડેશનના 80 શ્રદ્ધાળુઓ ગુમ, ભાવુક થઈ સદ્ગુરુ બોલ્યા- 'અમને પણ ત્યાં જવા દો' | Moneycontrol Gujarati
Get App

તિબેટ-નેપાળ બોર્ડર પર પૂરનો કહેર, ઈશા ફાઉન્ડેશનના 80 શ્રદ્ધાળુઓ ગુમ, ભાવુક થઈ સદ્ગુરુ બોલ્યા- 'અમને પણ ત્યાં જવા દો'

તિબેટ-નેપાળ બોર્ડર પર આવેલા ભયાનક પૂરમાં કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલા ઈશા ફાઉન્ડેશનના 80 શ્રદ્ધાળુઓ ગુમ છે. આ દુર્ઘટના અંગે વાત કરતા સદ્ગુરુ ભાવુક થયા. જાણો સંપૂર્ણ વિગત.

અપડેટેડ 02:05:53 PM Aug 27, 2026 પર
Story continues below Advertisement
આ દુર્ઘટના વિશે વાત કરતા આધ્યાત્મિક ગુરુ અને ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદ્ગુરુ જાગ્ગી વાસુદેવ અત્યંત ભાવુક થઈ ગયા હતા.

કૈલાસ માનસરોવર યાત્રાએ ગયેલા શ્રદ્ધાળુઓ માટે એક અત્યંત દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તિબેટ અને નેપાળની બોર્ડર પર અચાનક આવેલા ભયાનક પૂરને કારણે ભારે તારાજી સર્જાઈ છે. આ પૂરમાં 130 થી વધુ ભારતીય શ્રદ્ધાળુઓ ગુમ થયા હોવાના અહેવાલ છે. આ દરમિયાન તમિલનાડુના કોઈમ્બતુર સ્થિત ઈશા ફાઉન્ડેશને દાવો કર્યો છે કે, તેમના સંગઠન સાથે જોડાયેલા 80 સભ્યો (77 તીર્થયાત્રીઓ અને 3 સ્વયંસેવકો) ઈમિગ્રેશન સેન્ટર પરથી ગુમ થઈ ગયા છે.

આ દુર્ઘટના વિશે વાત કરતા આધ્યાત્મિક ગુરુ અને ઈશા ફાઉન્ડેશનના સ્થાપક સદ્ગુરુ જાગ્ગી વાસુદેવ અત્યંત ભાવુક થઈ ગયા હતા.

સદ્ગુરુએ X પર વીડિયો શેર કરી શું કહ્યું?

સદ્ગુરુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું કે, સ્થિતિ ખૂબ જ ગંભીર છે અને નુકસાનનો સાચો આંકડો મેળવવો હાલ મુશ્કેલ છે. તેમણે કહ્યું કે તેઓ પોતે ઘટનાસ્થળે પહોંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. રસ્તાઓ અને પુલ તૂટી ગયા છે તેમજ ફોન અને ટેલિકોમ્યુનિકેશન સેવાઓ સાવ બંધ છે.

સદ્ગુરુએ કહ્યું કે, "અમે ભારતીય, ચીની અને અમેરિકી દૂતાવાસો દ્વારા ત્યાં પહોંચવાની પરવાનગી લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેથી અમે બચાવ કામગીરીમાં મદદ કરી શકીએ. અમને પણ ત્યાં જવા દો."


ગુમ થયેલા 80 લોકોના ગ્રુપની વિગત

સદ્ગુરુએ માહિતી આપતા જણાવ્યું કે આ 'S3' ગ્રુપ હતું. આ ગ્રુપમાં કુલ 80 લોકો સામેલ હતા, જેમાં 34 પુરુષો અને 46 મહિલાઓ હતી. 22 અમેરિકા, 12 કેનેડા, 11 ઓસ્ટ્રેલિયા, 9 યુનાઇટેડ કિંગડમ, 4 જર્મની, 3 ફ્રાન્સ, 3 નેપાળ, 2 નેધરલેન્ડ, 2 ન્યુઝીલેન્ડ, 2 સિંગાપોર અને 2 સ્પેન..આ ઉપરાંત ફિનલેન્ડ, હંગેરી, ઈઝરાયેલ, લિથુઆનિયા, ફિલિપાઈન્સ, પોર્ટુગલ, રશિયા અને સાઉથ આફ્રિકાના 1-1 વ્યક્તિનો સમાવેશ થાય છે.

માત્ર 9 મિનિટમાં બધુ તબાહ થઈ ગયું

સદ્ગુરુએ ટાઈમલાઈન આપતા જણાવ્યું કે, બુધવારે સવારે 9:05 વાગ્યે ગ્રુપ લીડરે મેસેજ કર્યો હતો કે તેઓ ઈમિગ્રેશન સેન્ટર પહોંચી ગયા છે. બધું જ સામાન્ય હતું. પરંતુ બરાબર 9:14 વાગ્યે અચાનક આ ભયાનક પૂર આવ્યું. ત્યારબાદ કોઈનો સંપર્ક થઈ શક્યો નથી. નેપાળના લોકલ નંબર પણ બંધ થઈ ગયા છે. પૂર એટલું ભયંકર હતું કે ઈમારતો અને શહેરનો એક મોટો હિસ્સો પાણીમાં ગરકાવ થઈ ગયો.

આપત્તિનું કારણ: ભૂકંપ કે ગ્લેશિયર?

શરૂઆતમાં એવા અહેવાલો હતા કે પૂર પહેલા ભૂકંપ આવ્યો હતો. પરંતુ ન્યૂઝ એજન્સી IANSના રિપોર્ટ મુજબ, વૈજ્ઞાનિક વિશ્લેષણ દર્શાવે છે કે હિમાલય વિસ્તારમાં બરફ અને ખડકો ધસી પડવાને કારણે અથવા ગ્લેશિયર ફાટવાને કારણે નદીમાં અચાનક કાટમાળ અને પાણી ધસી આવ્યા, જેનાથી આ ફ્લેશ ફ્લડ આવ્યું. આંતરરાષ્ટ્રીય રિપોર્ટ અનુસાર અત્યાર સુધીમાં 160 થી વધુ લોકોના મોત થયા છે અને સેંકડો લોકો હજુ લાપતા છે.

પરિવારો ચિંતિત, બચાવ કામગીરી માટે બેઠક

આ મુશ્કેલ સમયમાં લાપતા લોકોના પરિવારો ખૂબ ચિંતિત છે. તમામ સંબંધિત દેશોના દૂતાવાસોને જાણ કરી દેવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ANIના અહેવાલ મુજબ, તમિલનાડુના મુખ્યમંત્રી સી. જોસેફ વિજય નેપાળમાં ફસાયેલા તમિલ લોકોને બચાવવા માટે રાજ્ય સચિવાલયમાં મંત્રીઓ અને અધિકારીઓ સાથે ઈમરજન્સી બેઠક યોજવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો- નેપાળમાં જળપ્રલય: વિનાશક પૂરમાં 160થી વધુના મોત, 130 ભારતીયો સહિત 750 લાપતા, હેલ્પલાઇન નંબર જાહેર

MoneyControl News

MoneyControl News

First Published: Aug 27, 2026 2:03 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.