નેપાળમાં જળપ્રલય: વિનાશક પૂરમાં 160થી વધુના મોત, 130 ભારતીયો સહિત 750 લાપતા, હેલ્પલાઇન નંબર જાહેર | Moneycontrol Gujarati
Get App

નેપાળમાં જળપ્રલય: વિનાશક પૂરમાં 160થી વધુના મોત, 130 ભારતીયો સહિત 750 લાપતા, હેલ્પલાઇન નંબર જાહેર

નેપાળમાં આવેલા ભયંકર પૂરમાં 160 થી વધુ લોકોના મોત થયા છે અને 130 ભારતીયો સહિત 750 થી વધુ લોકો લાપતા છે. ફસાયેલા લોકો માટે સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે.

અપડેટેડ 10:31:08 AM Aug 27, 2026 પર
Story continues below Advertisement
આ દુર્ઘટના ભારત માટે પણ અત્યંત ચિંતાજનક છે, કારણ કે પૂરમાં 130 થી વધુ ભારતીયો લાપતા થયા છે. લાપતા થયેલા લોકોમાં મોટાભાગના લોકો કૈલાસ માનસરોવરની યાત્રા પર ગયેલા શ્રદ્ધાળુઓ છે.

Nepal flash flood : નેપાળમાં અચાનક આવેલા વિનાશક પૂરને કારણે ચારેબાજુ ભારે તારાજી સર્જાઈ છે. પૂરના ધસમસતા પ્રવાહમાં અનેક લોકો તણાઈ ગયા છે અને મોટા પાયે રાહત તેમજ બચાવ કામગીરી ચાલી રહી છે. આ કુદરતી આફતમાં માનસરોવર યાત્રાએ ગયેલા ઘણા ભારતીયો પણ ફસાયા છે, જેના માટે સરકારે ખાસ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે.

પૂરનું કારણ અને ભયંકર તારાજી

નેપાળમાં આવેલા આ પૂરમાં અત્યાર સુધીમાં 160 જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે અને 750 થી વધુ લોકો હજુ પણ લાપતા છે. નેપાળના વિદેશ મંત્રી શિશિર ખનલે સંસદમાં માહિતી આપતા જણાવ્યું કે, તિબેટ વિસ્તારમાં સ્થાનિક સમય મુજબ સવારે 8:37 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના માત્ર 3 જ મિનિટ બાદ પૂરના સમાચાર મળ્યા. આ પરથી અંદાજ છે કે ભૂકંપના આંચકાને લીધે ગ્લેશિયર ફાટવાથી આ જળપ્રલય આવ્યો છે. પૂરના પાણી ભોટે કોશી નદીમાંથી ફરી વળ્યા હતા, જેણે તિબેટ સરહદે આવેલા રસુવા અને ધાડિંગ જિલ્લામાં સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે. નેપાળ-તિબેટ બોર્ડર પર આવેલી લહેંડે નદીમાં પથ્થરો ખસવાને કારણે રસુવા જિલ્લાના તિમુરે શહેરમાં ત્રિશુલી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું હતું. આ પૂરે અનેક ગામો, કસબાઓ, મહત્વના પુલ અને 12 જેટલા હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સને નષ્ટ કરી દીધા છે.

130 થી વધુ ભારતીયો લાપતા

આ દુર્ઘટના ભારત માટે પણ અત્યંત ચિંતાજનક છે, કારણ કે પૂરમાં 130 થી વધુ ભારતીયો લાપતા થયા છે.લાપતા થયેલા લોકોમાં મોટાભાગના લોકો કૈલાસ માનસરોવરની યાત્રા પર ગયેલા શ્રદ્ધાળુઓ છે. સમ્રાટ ટુર્સ એન્ડ ટ્રાવેલ એજન્સીના જણાવ્યા અનુસાર, તેમના મારફતે ગયેલા ઓછામાં ઓછા 59 ભારતીય યાત્રાળુઓ લાપતા છે. પરિસ્થિતિની ગંભીરતા જોઈને કાઠમંડુમાં આવેલા ભારતીય દૂતાવાસે હેલ્પલાઇન નંબર શરૂ કર્યા છે. આ ઉપરાંત ગુજરાત, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને કેરળ જેવા રાજ્યોએ પણ ફસાયેલા લોકોના પરિજનો માટે પોતપોતાની હેલ્પલાઇન શરૂ કરી છે.


ચીન સરહદે પણ નુકસાન

આ પૂરની અસર માત્ર નેપાળ પૂરતી સીમિત નથી. ચીનની સરકારી ન્યૂઝ ચેનલ CGTN ના રિપોર્ટ મુજબ, ચીન તરફની બોર્ડર પર 3 લોકોના મોત થયા છે અને 265 લોકો લાપતા છે. નેપાળ પોલીસે સોશિયલ મીડિયા પર જણાવ્યું છે કે દેશમાં 157 લોકોના મોત થયા છે, જ્યારે નેપાળ સરકારના આંકડા મુજબ આશરે 500 લોકો લાપતા છે.

આ પણ વાંચો-IMD Weather Alert: યુપી-બિહાર સહિત 15 રાજ્યોમાં આજે તોફાની વરસાદનું એલર્ટ, 40 kmphની ઝડપે ફૂંકાશે પવન

નેપાળમાં હાલ સ્થિતિ ખૂબ જ નાજુક છે. બચાવકર્મીઓ રાત-દિવસ એક કરીને કાટમાળ અને કાદવમાંથી લોકોને શોધી રહ્યા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પૂરના પાણી ગણતરીની સેકન્ડોમાં આખું શહેર કેવી રીતે તબાહ કરી દે છે. લાપતા ભારતીયોને સુરક્ષિત રીતે પરત લાવવા માટે બંને દેશોની સરકારો સતત સંપર્કમાં છે.

MoneyControl News

MoneyControl News

First Published: Aug 27, 2026 10:31 AM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.