અમેરિકા 'આર-પાર' ના મૂડમાં: વિદેશ મંત્રી રુબિયોની ઈરાનને ચેતવણી- ઐતિહાસિક ડીલ થશે અથવા તબાહી મચશે
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે. ભારત આવેલા વિદેશ મંત્રી માર્કો રુબિયોની સીધી ચેતવણી: ઐતિહાસિક ડીલ થશે અથવા તબાહી મચશે. જાણો હોર્મુઝ વિવાદની પૂરી વિગત.
ટ ઓફ હોર્મુઝને લઈને વિવાદ અત્યંત વકર્યો છે. રુબિયોએ આક્રમક વલણ અપનાવતા કહ્યું કે આ દરિયાઈ માર્ગ કોઈપણ ટોલ કે ટેક્સ વિના તાત્કાલિક ખોલવો જોઈએ.
અમેરિકા અને ઈરાન વચ્ચેનો ટકરાવ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ગયો છે. અમેરિકા હવે સંપૂર્ણપણે 'આર-પાર' ની લડાઈના મૂડમાં જોવા મળી રહ્યું છે. ભારતની મુલાકાતે આવેલા અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ ઈરાનને કડક શબ્દોમાં ચેતવણી આપી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે, કાં તો ઈરાન સાથે એક ઐતિહાસિક ડીલ થશે અથવા તો મોટી તબાહી સર્જાશે.
એક તરફ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથે મેગા ડીલના દાવા કરી રહ્યા છે, તો બીજી તરફ અમેરિકન સેના ઈરાન પર બોમ્બમારો કરી રહી છે.
થોડા જ દિવસોમાં થઈ શકે છે મોટો ધડાકો
માર્કો રુબિયોએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે ઈરાન સાથે સંભવિત ડીલની વાતચીત હવે અંતિમ અને નિર્ણાયક વળાંક પર છે.ફાઈનલ વિગતો નક્કી કરવામાં હવે બસ 'થોડા જ દિવસો' નો સમય લાગી શકે છે.
રુબિયોએ સ્પષ્ટ કર્યું કે, "કાં તો એકદમ શાનદાર ડીલ થશે, અથવા કોઈ ડીલ નહીં થાય." તેમણે ખુલાસો કર્યો કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિડલ ઈસ્ટના નેતાઓ સાથે એક 'ઐતિહાસિક ફોન કોલ' કર્યો હતો, જેના પછી તમામ દેશો વચ્ચે ડીલના ડ્રાફ્ટ પર મજબૂત સહમતિ બનતી દેખાઈ રહી છે.
હોર્મુઝ જળમાર્ગ પર ઈરાનની દાદાગીરી નહીં ચાલે
સ્ટ્રેટ ઓફ હોર્મુઝને લઈને વિવાદ અત્યંત વકર્યો છે. રુબિયોએ આક્રમક વલણ અપનાવતા કહ્યું કે આ દરિયાઈ માર્ગ કોઈપણ ટોલ કે ટેક્સ વિના તાત્કાલિક ખોલવો જોઈએ. ઈરાન ત્યાં જે ટેક્સ વસૂલવાની કે દાદાગીરી કરવાની કોશિશ કરી રહ્યું છે, તે ગેરકાયદેસર છે અને અમેરિકા તેને જરાય ચલાવી લેશે નહીં. દુનિયાનો કોઈ પણ દેશ આવા આંતરરાષ્ટ્રીય જળમાર્ગ પર ટેક્સ સિસ્ટમ સ્વીકારતો નથી.
ઈરાને શું આપ્યો જવાબ?
અમેરિકાના આ દાવાઓ વચ્ચે ઈરાને સાવચેતી રાખવાની સલાહ આપી છે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બકાઈએ અમેરિકી અધિકારીઓના વારંવાર બદલાતા નિવેદનોની ટીકા કરી છે. બકાઈએ કહ્યું કે, "એ વાત સાચી છે કે અમે ચર્ચાના મોટા હિસ્સા પર નિષ્કર્ષ કાઢી લીધો છે, પરંતુ ડીલ તરત જ થઈ જશે તેવું કહેવું ઉતાવળ ગણાશે. અમેરિકાના વારંવાર બદલાતા વલણને કારણે વાતચીત ગૂંચવાય છે."
શાંતિ મંત્રણા વચ્ચે અમેરિકાના ભીષણ હુમલા
એક તરફ બંધ બારણે વાટાઘાટો ચાલી રહી છે, તો બીજી તરફ મેદાનમાં તણાવ ઓછો થયો નથી. અમેરિકન સેન્ટ્રલ કમાન્ડના રિપોર્ટ અનુસાર, સોમવારે અમેરિકન વાયુસેનાએ દક્ષિણ ઈરાનમાં ભીષણ એરસ્ટ્રાઈક કરી છે.
અમેરિકન સેનાનો દાવો છે કે તેઓએ સેલ્ફ-ડિફેન્સમાં હુમલો કર્યો છે. હોર્મુઝ નજીક દરિયામાં માઈન્સબિછાવવાનું કાવતરું ઘડી રહેલી ઈરાની બોટ અને મિસાઈલ લોન્ચ પેડ્સને અમેરિકાએ નષ્ટ કરી દીધા છે.