Gold Investment: શું સોનું હવે માત્ર ઘરેણું નથી રહ્યું? 86% ભારતીયો માને છે આને 'વેલ્થ'નો મોટો હિસ્સો
Gold Investment: શું તમે જાણો છો કે ભારતીયો હવે સોનાને માત્ર શણગાર નહીં પણ મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજાર જેવું મજબૂત રોકાણ માને છે? Deloitteના નવા રિપોર્ટ મુજબ સોનાની ખરીદીમાં આવેલો મોટો બદલાવ અને યુવાનોની પસંદ વિશે અહીં વાંચો.
જ્વેલરી ખરીદવા પાછળ હવે લોકોનો હેતુ બદલાયો છે. લગભગ 56% લોકો જ્વેલરીને ‘ફેશન અને રોકાણ’ એમ બંને હેતુથી ખરીદે છે. જ્યારે 28% ગ્રાહકો એવા છે જે માત્ર ને માત્ર રોકાણના ઈરાદાથી જ સોનું ખરીદે છે.
Gold Investment: ભારતીય ઘરોમાં સોનાનું મહત્વ વર્ષોથી અકબંધ છે, પરંતુ હવે તેના પ્રત્યેનો લોકોનો નજરિયો બદલાઈ રહ્યો છે. પહેલાના સમયમાં સોનું માત્ર લગ્નપ્રસંગો કે તહેવારો પૂરતું સીમિત હતું, પરંતુ હવે તે 'વેલ્થ' એટલે કે સંપત્તિ બનાવવાનું એક મહત્વનું સાધન બની ગયું છે. Deloitte Indiaના તાજેતરના રિપોર્ટમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે 86% ગ્રાહકો સોના અને જ્વેલરીને તેમના વેલ્થ પ્લાનિંગનો મુખ્ય ભાગ માને છે.
સોનું અને શેરબજાર હવે એક સમાન?
રિપોર્ટના આંકડા ખૂબ જ રસપ્રદ છે. જે રીતે લોકો મ્યુચ્યુઅલ ફંડ અને શેરબજાર જેવા માર્કેટ-લિંક્ડ રોકાણો 87% પર ભરોસો કરે છે, તેટલો જ ભરોસો હવે સોના 86% પર પણ જોવા મળી રહ્યો છે. આનો સીધો અર્થ એ છે કે લોકો સોનાને માત્ર ઘરેણાં તરીકે નહીં, પણ એક સુરક્ષિત રોકાણ તરીકે જોઈ રહ્યા છે.
લોકો જ્વેલરી કેમ ખરીદે છે?
જ્વેલરી ખરીદવા પાછળ હવે લોકોનો હેતુ બદલાયો છે. લગભગ 56% લોકો જ્વેલરીને ‘ફેશન અને રોકાણ’ એમ બંને હેતુથી ખરીદે છે. જ્યારે 28% ગ્રાહકો એવા છે જે માત્ર ને માત્ર રોકાણના ઈરાદાથી જ સોનું ખરીદે છે. ખાસ વાત એ છે કે, રોકાણના હેતુથી જ્વેલરી ખરીદવામાં પુરુષો અને 45 વર્ષથી વધુ ઉંમરના લોકો આગળ છે. આ વર્ગ 'કેપિટલ સેફ્ટી' એટલે કે પોતાની મૂડી સુરક્ષિત રહે તેના પર વધુ ધ્યાન આપે છે.
યુવાનો અને બદલાતી ફેશન
આજના યુવાનો એટલે કે Gen Z અને મિલેનિયલ્સ જ્વેલરી માર્કેટને નવો લુક આપી રહ્યા છે. જૂના જમાનાના ભારેખમ ઘરેણાં હવે ઓછાં પસંદ કરવામાં આવે છે. રિપોર્ટ મુજબ, 49% લોકો હળવી અને મિનિમલ ડિઝાઈનની જ્વેલરી પસંદ કરે છે.
માત્ર 15% લોકો જ એવા છે જે ભારે અને પરંપરાગત ઘરેણાં તરફ વળે છે. યુવાનો હવે રોજબરોજની લાઈફમાં પહેરી શકાય તેવી જ્વેલરીને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે.
ચાંદી અને પ્લેટિનમનો વધતો ક્રેઝ
સોના સિવાય અન્ય ધાતુઓમાં પણ લોકોનો રસ વધ્યો છે. ખાસ કરીને Gen Z પેઢીમાં 51% યુવાનો ચાંદીની જ્વેલરી પસંદ કરે છે. 34% લોકો પ્લેટિનમ તરફ વળ્યા છે. આશરે 45% Gen Z અને મિલેનિયલ્સ ચાંદીમાં રોકાણ કરી રહ્યા છે. તેનું કારણ છે ઓછી કિંમત, સરળતાથી ઉપલબ્ધતા અને આધુનિક ડિઝાઈન. જોકે, ચાંદી સોનાનું સ્થાન નથી લઈ રહી, પરંતુ તે એક વધારાના વિકલ્પ તરીકે ઉભરી રહી છે.
લગ્ન સિવાય ક્યારે થાય છે ખરીદી?
પહેલા ભારતમાં 70% સોનાની માંગ માત્ર લગ્નસરા દરમિયાન જ નીકળતી હતી, પરંતુ હવે આ ટ્રેન્ડ બદલાયો છે. હવે લોકો નાની-મોટી ખુશીઓમાં પણ જ્વેલરી ખરીદે છે. 38% મિલેનિયલ્સ જન્મદિવસ અને એનિવર્સરી પર જ્વેલરી લે છે. 32% લોકો ઓફિસ વેર કે ડેઈલી વેર માટે ખરીદી કરે છે. પ્રમોશન કે ગ્રેજ્યુએશન જેવા પ્રસંગોએ અંગૂઠી, ચેન અને ઇયરરિંગ્સ (કાનની બુટ્ટી) જેવી વસ્તુઓ સૌથી વધુ વેચાય છે.
ઓનલાઇન કે ઓફલાઇન? ભરોસો કોના પર?
આટલો ડિજિટલ જમાનો હોવા છતાં, સોનાની ખરીદીમાં આજે પણ ગ્રાહકો દુકાન પર જઈને ખરીદી કરવાનું પસંદ કરે છે. 85% થી વધુ ખરીદી ઓફલાઇન જ થાય છે. આજની યુવા પેઢી (Gen Z) ભલે ઇન્સ્ટાગ્રામ કે સોશિયલ મીડિયા પર ડિઝાઈન સર્ચ કરે, પણ ખરીદી તો જ્વેલરના શોરૂમ પર જઈને જ કરે છે. જ્યારે વડીલો આજે પણ જૂના સંબંધો અને ભલામણો પર વિશ્વાસ રાખીને ખરીદી કરે છે.
આમ, એકંદરે જોઈએ તો સોનું હવે તિજોરીમાં બંધ રાખવાની વસ્તુ નથી રહી, પરંતુ તે ભારતીય પરિવારો માટે આર્થિક સુરક્ષા અને ફેશનનું એક મજબૂત માધ્યમ બની ગયું છે.