ઉત્તર અને મધ્ય ભારતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ! IMD એ યુપી, એમપી અને વિદર્ભમાં હીટવેવનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. જાણો તમારા રાજ્યના હવામાનની લેટેસ્ટ માહિતી.
પૂર્વ મધ્ય પ્રદેશ અને વિદર્ભના વિસ્તારોમાં 25 મે સુધી અતિશય ભારે લૂ ફૂંકાવાની શક્યતા છે. ત્યારબાદ 26 અને 27 મેના રોજ પણ પૂર્વ મધ્ય પ્રદેશના અલગ-અલગ ભાગોમાં લૂ ની સ્થિતિ યથાવત રહેશે.
IMD Heat Wave Alert: ઉત્તર અને મધ્ય ભારત સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં અત્યારે આકાશમાંથી જાણે આગ વરસી રહી છે. કાળઝાળ ગરમી અને ચામડી દઝાડતી લૂ ના કારણે લોકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા દેશના ઘણા રાજ્યો માટે હીટવેવની નવી અને ગંભીર ચેતવણી જાહેર કરવામાં આવી છે.
હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને વિદર્ભના વિસ્તારો માટે ભયંકર લૂ ને લઈને 'રેડ એલર્ટ' જારી કર્યું છે. જો તમે પણ આગામી દિવસોમાં ઘરની બહાર મુસાફરીનું પ્લાનિંગ કરી રહ્યા છો, તો હવામાનની આ લેટેસ્ટ અપડેટ ખાસ જાણી લો.
આ 3 રાજ્યોમાં રેડ એલર્ટ, વરસશે સૌથી વધુ આગ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને વિદર્ભમાં ગરમી તેના તમામ રેકોર્ડ તોડવાની તૈયારીમાં છે.
ઉત્તર પ્રદેશ: પૂર્વ યુપીના કેટલાક ભાગોમાં 27 મે સુધી ભયંકર લૂ નો પ્રકોપ રહેશે. જ્યારે પશ્ચિમ યુપીમાં પણ 27 મે સુધી સતત આકરી લૂ લોકોને પરેશાન કરશે.
મધ્ય પ્રદેશ અને વિદર્ભ: પૂર્વ મધ્ય પ્રદેશ અને વિદર્ભના વિસ્તારોમાં 25 મે સુધી અતિશય ભારે લૂ ફૂંકાવાની શક્યતા છે. ત્યારબાદ 26 અને 27 મેના રોજ પણ પૂર્વ મધ્ય પ્રદેશના અલગ-અલગ ભાગોમાં લૂ ની સ્થિતિ યથાવત રહેશે.
દિલ્હી, હરિયાણા અને ચંદીગઢમાં ઓરેન્જ એલર્ટ
દિલ્હી-NCR, હરિયાણા અને ચંદીગઢના લોકો માટે પણ ગરમીથી કોઈ રાહત નથી. IMD ના જણાવ્યા અનુસાર, આ વિસ્તારો માટે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. અહીં 27 મે સુધી સતત આકરી ગરમી અને હીટવેવનો સામનો કરવો પડશે.
અન્ય કયા રાજ્યોમાં જોવા મળશે હીટવેવનો કહેર?
રેડ અને ઓરેન્જ એલર્ટ સિવાય દેશના બીજા ઘણા રાજ્યોમાં સૂર્યનો મિજાજ અત્યંત આકરો રહેવાનો છે.
પંજાબ અને રાજસ્થાન: પંજાબમાં 27 મે સુધી લૂ ચાલશે. પૂર્વ રાજસ્થાનમાં 27 મે સુધી અને પશ્ચિમ રાજસ્થાનમાં 24 મે સુધી લૂ ચાલશે. જોકે, 25 થી 27 મે વચ્ચે રાજસ્થાનમાં ગરમીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળશે. હિમાચલ અને ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં પણ ગરમ પવનો ફૂંકાશે.
બિહાર, ઝારખંડ અને છત્તીસગઢ: બિહાર અને તેલંગાણામાં 24 મે સુધી ગરમીનો સિતમ ચાલુ રહેશે. ઝારખંડમાં 22 અને 23 મેના રોજ લૂ ની અસર દેખાશે, જ્યારે છત્તીસગઢમાં પણ ભારે ગરમી રહેશે.
ઓડિશા અને દક્ષિણ ભારત: આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારો અને ઓડિશામાં 25 મે સુધી હીટવેવનું એલર્ટ છે. તમિલનાડુ અને પુડુચેરીમાં પણ કાળઝાળ ગરમી જોવા મળશે.
ડબલ એટેક: દિવસે લૂ અને રાત્રે 'વૉર્મ નાઈટ'
આ વખતે માત્ર દિવસે જ નહીં, રાત્રે પણ ગરમી લોકોની ઊંઘ હરામ કરશે. દિલ્હી, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને વિદર્ભમાં રાતનું તાપમાન સામાન્ય કરતા ઘણું વધુ રહેશે. આ ઉપરાંત, ઓડિશામાં 25 મે સુધી અને બિહાર-યુપીમાં રાત્રિના સમયે પણ ભારે ઉકળાટ અને ગરમ હવાઓનો સામનો કરવો પડશે.
બંગાળ અને ઓડિશામાં ભેજવાળી ગરમીથી હાલત ખરાબ
એક તરફ મેદાની વિસ્તારોમાં સૂકી ગરમ હવા છે, તો બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળી ગરમી (ઉકળાટ) લોકોનો પરસેવો છોડાવી રહી છે. પશ્ચિમ બંગાળમાં 26 મે સુધી ભારે ઉકળાટ રહેશે. જ્યારે ઓડિશામાં 27 મે સુધી અને તમિલનાડુ-પુડુચેરીમાં 23 થી 27 મે દરમિયાન હવામાં ભેજને કારણે અસહ્ય ચિપચિપી ગરમીનો અનુભવ થશે.