આ મહાન પુસ્તકમાં કુલ 1330 ટૂંકા દોહાનો અદભુત સંગ્રહ છે. આ દોહાઓમાં જીવનના અલગ-અલગ પાસાઓ જેવા કે નૈતિકતા, સારું શાસન, પ્રેમ, ધન અને આધ્યાત્મિકતા વિશે જ્ઞાન આપવામાં આવ્યું છે.
PM Modi Gift to Putin: ભારતમાં આયોજિત 18મા બ્રિક્સ શિખર સંમેલનમાં ભાગ લેવા આવેલા રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની મુલાકાતમાં ભારતીય સંસ્કૃતિની એક અનોખી ઝલક જોવા મળી છે. બંને નેતાઓ વચ્ચેની દ્વિપક્ષીય બેઠક દરમિયાન પીએમ મોદીએ રાષ્ટ્રપતિ પુતિનને તમિલ સાહિત્યના મહાન ગ્રંથ તિરુક્કુરલનો ખાસ તૈયાર કરાયેલો રશિયન અનુવાદ ભેટમાં આપ્યો હતો. આ ભેટ બાદ આખી દુનિયામાં ભારત અને રશિયાના સાંસ્કૃતિક સંબંધોની સાથે સાથે આ મહાન તમિલ ગ્રંથ અને તેના રચયિતા સંત તિરુવલ્લુવર વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે.
શું છે તિરુક્કુરલ ગ્રંથ?
'તિરુક્કુરલ' એ તમિલ સાહિત્યની સૌથી મહાન અને પ્રભાવશાળી રચના માનવામાં આવે છે. તમિલ ભાષામાં તેનો અર્થ 'પવિત્ર દોહા' અથવા ટૂંકમાં 'કુરલ' થાય છે. આ ગ્રંથની તમિલ સંસ્કૃતિ, જીવનશૈલી અને ફિલસૂફી પર ખૂબ જ ઊંડી અસર છે.
#WATCH | Delhi: Prime Minister Narendra Modi and Russian President Vladimir Putin hold a bilateral meeting on the sidelines of BRICS Summit 2026. (Video Source: DD News) pic.twitter.com/KhlCIatMI2
આ મહાન પુસ્તકમાં કુલ 1330 ટૂંકા દોહાનો અદભુત સંગ્રહ છે. આ દોહાઓમાં જીવનના અલગ-અલગ પાસાઓ જેવા કે નૈતિકતા, સારું શાસન, પ્રેમ, ધન અને આધ્યાત્મિકતા વિશે જ્ઞાન આપવામાં આવ્યું છે. આ દોહા એટલા સચોટ અને કાવ્યાત્મક રીતે લખાયા છે કે તેને સરળતાથી યાદ રાખી શકાય છે અને રોજિંદા જીવનમાં ઉતારી શકાય છે.
3 મુખ્ય ભાગોમાં વહેંચાયેલો છે આ ગ્રંથ
તિરુક્કુરલને મુખ્યત્વે 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે.
અરામ (Aram - ધર્મ/સદ્ગુણ): આ વિભાગમાં ધર્મ, સત્ય, દયા અને કૃતજ્ઞતા જેવા માનવીય મૂલ્યો વિશે વાત કરવામાં આવી છે. તે કોઈપણ પરિસ્થિતિમાં નૈતિકતા સાથે જીવન જીવવાનો સંદેશ આપે છે.
પોરુલ (Porul - અર્થ/શાસન): આ ભાગમાં વહીવટ, અર્થતંત્ર, ધનનું સંચાલન અને મિત્રતા વિશે પ્રેક્ટિકલ જ્ઞાન આપવામાં આવ્યું છે. તેમાં સારા શાસન અને સારી સંગતના મહત્વ પર ભાર મૂકવામાં આવ્યો છે.
ઈન્બમ (Inbam - કામ/પ્રેમ): આ છેલ્લો વિભાગ માનવીય લાગણીઓ, પ્રેમ અને પારિવારિક જીવનની સુંદરતા વિશે ઊંડાણપૂર્વક સમજાવે છે.
કોણ હતા સંત તિરુવલ્લુવર?
સંત તિરુવલ્લુવરને તમિલ સંસ્કૃતિ અને ઇતિહાસના સૌથી આદરણીય સાહિત્યિક વ્યક્તિઓમાંના એક માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેઓ ઈસા પૂર્વે 2 જી સદીથી લઈને 5 મી સદી વચ્ચે (જેને તમિલ સાહિત્યનો સુવર્ણ કાળ કહેવાય છે) થઈ ગયા. તેમનો જન્મ ચેન્નઈના માયલાપુરમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. સંત તિરુવલ્લુવર માત્ર એક કવિ જ ન હતા, પરંતુ એક મહાન ફિલસૂફ અને સંત પણ હતા. તેમનો આ ગ્રંથ આજે પણ દુનિયાભરના લોકોને સાચું જીવન જીવવાનો રસ્તો બતાવે છે.