આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે ટેરિફનો આ ખતરો ગંભીર છે અને ભારતે હવે રશિયન તેલ અંગે સ્પષ્ટ નિર્ણય લેવો પડશે.
અમેરિકા અને ભારત વચ્ચેના વ્યાપારી સંબંધોમાં ફરી એકવાર તણાવ જોવા મળી રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ઓઈલ ખરીદવાને લઈને ભારત સામે નારાજગી વ્યક્ત કરી છે. ટ્રમ્પે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે, તો અમેરિકા ભારત પર ટેરિફ વધારી શકે છે. જો આવું થાય, તો ભારતના એક્સપોર્ટ સેક્ટરને મોટો ફટકો પડી શકે છે.
ટ્રમ્પની નારાજગી અને ટેરિફનું ગણિત
રવિવારે એક નિવેદનમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાણે છે કે ભારત રશિયા પાસેથી તેલ ખરીદી રહ્યું છે તેનાથી હું નારાજ છું. ટ્રમ્પે સંકેત આપ્યો છે કે અમેરિકા ટૂંક સમયમાં ભારત પર ટેરિફ વધારી શકે છે.
હાલની સ્થિતિ સમજવી ખૂબ જરૂરી છે. અત્યારે અમેરિકા ભારત પર 50% ટેરિફ લગાવી રહ્યું છે. આ 50% માંથી 25% તો સામાન્ય ટેરિફ છે, પરંતુ બાકીનો 25% વધારાનો ટેરિફ રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ દંડ તરીકે વસૂલવામાં આવી રહ્યો છે. જો અમેરિકા હવે આ ટેક્સમાં વધુ વધારો કરે છે, તો ભારતીય નિકાસકારો માટે અમેરિકામાં વેપાર કરવો મુશ્કેલ બની જશે.
ચીન સામે ચૂપ, ભારત પર દબાણ?
આર્થિક નિષ્ણાતોનું માનવું છે કે ટેરિફનો આ ખતરો ગંભીર છે અને ભારતે હવે રશિયન તેલ અંગે સ્પષ્ટ નિર્ણય લેવો પડશે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના ફાઉન્ડર અજય શ્રીવાસ્તવે એક મહત્ત્વની વાત કરી છે. તેમણે કહ્યું કે, ચીન રશિયન ક્રૂડ ઓઈલનું સૌથી મોટું ખરીદદાર છે, છતાં અમેરિકા પરિણામોના ડરથી ચીન સામે કોઈ કડક પગલાં નથી લેતું. તેનાથી વિપરીત, ભારત પાસે ચીન જેવી કોઈ વ્યૂહાત્મક પકડ નથી, તેથી અમેરિકા ભારત પર દબાણ બનાવી રહ્યું છે.
GTRI ના ડેટા મુજબ, મે થી નવેમ્બર 2025 વચ્ચે અમેરિકામાં થતા ભારતીય એક્સપોર્ટમાં પહેલાથી જ 20.7% નો ઘટાડો નોંધાયો છે. જો ટેરિફ હજુ વધશે તો આ ઘટાડો વધુ તેજ બની શકે છે.
ભારતે અમેરિકા પાસેથી પણ ખરીદી વધારી, છતાં અમેરિકાનું દુર્લક્ષ
એક રસપ્રદ વાત એ છે કે, ભારતે અમેરિકાને ખુશ રાખવા માટે ત્યાંથી કાચા તેલ અને પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આયાત બમણી કરી દીધી છે. આમ છતાં, અમેરિકા આ વાતને નજરઅંદાજ કરી રહ્યું છે અને માત્ર રશિયા સાથેના વેપાર પર ધ્યાન આપી રહ્યું છે.
નુકસાનની સાથે નવી તકો પણ!
ભારતીય નિકાસકારોની સંસ્થા FIEO એટલે ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોર્ટ ઓર્ગેનાઈઝેશનએ પણ ચિંતા વ્યક્ત કરી છે. FIEOના ડાયરેક્ટર જનરલ અજય સહાયે કહ્યું કે, હાલના 50% ટેરિફ ઉપર જો બીજો કોઈ વધારો થશે, તો પરંપરાગત ક્ષેત્રોના એક્સપોર્ટ પર માઠી અસર થશે.
જોકે, તેમણે સિક્કાની બીજી બાજુ પણ બતાવી. તેમણે કહ્યું કે આ દબાણ લાંબા ગાળે ભારત માટે ફાયદાકારક પણ બની શકે છે. જ્યારે અમેરિકા જેવા મોટા માર્કેટમાં મુશ્કેલી પડે, ત્યારે ભારતીય વેપારીઓ નવા દેશો અને નવા બજારો શોધવા મજબૂર બનશે. આનાથી ભવિષ્યમાં કોઈ એક દેશ પરની નિર્ભરતા ઘટશે અને જોખમ ઓછું થશે.