નેપાળની તબાહી બાદ હવે સિક્કિમ પર ભયંકર પૂરનો ખતરો? જાણો શું છે GLOF અને તે કેમ છે આટલું ખતરનાક
નેપાળમાં 1200 લોકોનો ભોગ લેનાર પૂર બાદ હવે સિક્કિમના ગ્લેશિયર તળાવો પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે. જાણો શું છે GLOF અને સરકાર તેનાથી બચવા શું તૈયારી કરી રહી છે.
સિક્કિમ પહેલા પણ GLOF ની ભયાનકતા જોઈ ચૂક્યું છે. ઓક્ટોબર 2023 માં સિક્કિમના દક્ષિણ લ્હોનક તળાવનો બંધ તૂટી ગયો હતો, જેને કારણે તિસ્તા નદીમાં વિનાશક પૂર આવ્યું હતું.
26 ઓગસ્ટે નેપાળમાં આવેલા ભયાનક પૂરમાં 1200 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો હજુ પણ લાપતા છે. આ કુદરતી આફતે માત્ર નેપાળને જ નહીં, પરંતુ આખા હિમાલય ક્ષેત્રને હચમચાવી દીધું છે. આ ઘટનાએ એક એવી કુદરતી સમસ્યા તરફ ઈશારો કર્યો છે જે ગમે ત્યારે મોટું સ્વરૂપ લઈ શકે છે. હવે સૌથી મોટો સવાલ એ ઉઠી રહ્યો છે કે, શું આવો જ મોટો ખતરો ભારતના સિક્કિમ રાજ્ય પર પણ મંડરાઈ રહ્યો છે?
સિક્કિમમાં આશરે 400 જેટલા નાના-મોટા ગ્લેશિયર તળાવો (બરફથી બનેલા તળાવો) આવેલા છે. આ ખતરાને જોતા પૂર્વોત્તર રાજ્ય સિક્કિમને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે અને ટેકનિકલ દેખરેખ વધારી દેવામાં આવી છે.
ગ્લેશિયર તળાવો કેમ ખતરનાક છે અને શું છે GLOF?
જ્યારે ગ્લેશિયર પીગળે છે, ત્યારે તેનું પાણી કુદરતી ખીણોમાં જમા થવા લાગે છે. આ તળાવો બરફ, માટી અને પથ્થરોના બનેલા કુદરતી બંધના સહારે ટકેલા હોય છે. ખરો ખતરો ત્યારે ઉભો થાય છે જ્યારે ભૂકંપ, ભૂસ્ખલન કે બરફ ધસી પડવાને કારણે આ તળાવ પર દબાણ આવે અને તેનો કાચો બંધ તૂટી જાય.
બંધ તૂટતા જ લાખો લિટર પાણી અત્યંત સ્પીડમાં નીચે તરફ ધસી આવે છે. વિજ્ઞાનની ભાષામાં આને ગ્લેશિયર લેક આઉટબર્સ્ટ ફ્લડ કહેવામાં આવે છે. આ પૂર પોતાની સાથે વિશાળ પથ્થરો, કાદવ અને ઝાડ-પાન ખેંચી લાવે છે, જે નેપાળની જેમ મોટી તબાહી સર્જે છે. સિક્કિમના રાહત કમિશનર રિંજિંગ છેવાંગના જણાવ્યા અનુસાર, નેપાળની આ ઘટના સિક્કિમમાં 2023 માં આવેલી આફત સાથે બિલકુલ મળતી આવે છે.
સિક્કિમે 2023 માં ભોગવી છે આવી જ તબાહી
સિક્કિમ પહેલા પણ GLOF ની ભયાનકતા જોઈ ચૂક્યું છે. ઓક્ટોબર 2023 માં સિક્કિમના દક્ષિણ લ્હોનક તળાવનો બંધ તૂટી ગયો હતો, જેને કારણે તિસ્તા નદીમાં વિનાશક પૂર આવ્યું હતું. આ દુર્ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા અને રસ્તા, પુલ અને ડેમ જેવા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તબાહ થઈ ગયા હતા. દક્ષિણ લ્હોનકમાં ગ્લેશિયરનો એક મોટો હિસ્સો તળાવમાં પડ્યો હતો, જેનાથી આ પૂર આવ્યું હતું.
કેટલા તળાવો પર છે સૌથી મોટો ખતરો?
નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના લેટેસ્ટ ડેટા મુજબ,,, સિક્કિમમાં 40 ગ્લેશિયર તળાવો હાઈ-રિસ્ક કેટેગરીમાં છે. આમાંથી 16 તળાવો અત્યંત સંવેદનશીલ છે (જેમાંથી 13 ઉત્તર સિક્કિમમાં અને 3 પશ્ચિમ સિક્કિમમાં છે). આ સંવેદનશીલ તળાવો લગભગ 17000 ફૂટની ઉંચાઈ પર આવેલા છે. હાલ નિષ્ણાતો દ્વારા આ તળાવોની ઊંડાઈ અને તેના બંધની મજબૂતીની તપાસ કરવામાં આવી રહી છે.
ટેકનોલોજી અને સેન્સરથી કેવી રીતે રખાઈ રહી છે નજર?
સિક્કિમ સરકાર હવે માત્ર સમયાંતરે ચેકિંગ કરવાને બદલે 24 કલાક સતત દેખરેખ પર ભાર આપી રહી છે. મોટાભાગના તળાવોમાં સેન્સર લગાવવામાં આવ્યા છે, જેથી પાણીનું સ્તર વધે તો તરત જ સિગ્નલ મળે. જૂન મહિનામાં સિક્કિમને C-DAC દ્વારા બનાવેલી સ્વદેશી સિસ્ટમ મળી છે. આ સિસ્ટમ સેટેલાઇટની મદદથી પાણીના લેવલનો ડેટા સીધો મોનિટરિંગ સેન્ટરને મોકલે છે. જોકે ટેકનોલોજી ગ્લેશિયર તૂટતો રોકી શકતી નથી, પરંતુ લોકોને સમયસર એલર્ટ આપીને સુરક્ષિત જગ્યાએ પહોંચાડવામાં ચોક્કસ મદદ કરી શકે છે.
જોખમ ઘટાડવા સરકાર ઉઠાવી રહી છે આ મોટા કદમ
ભવિષ્યના ખતરાને ટાળવા માટે સરકાર ઘણી યોજનાઓ પર કામ કરી રહી છે.
શાકો ચૂ તળાવ: અહીં સોલાર પંપ લગાવીને તળાવનું પાણી 20 થી 40 મીટર સુધી ઓછું કરવાનું પ્લાનિંગ છે, જેથી 80 લાખ ઘન મીટર પાણીનો ભરાવો ઘટાડી શકાય.
ગુરુડોંગમાર તળાવ: આ પવિત્ર તળાવને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના તેના પાણીના પ્રવાહને કંટ્રોલ કરવા માટે એક ખાસ સુરક્ષા દીવાલ બનાવવામાં આવશે.
આ ઉપરાંત, હવામાનની સચોટ અને ઝડપી માહિતી માટે ડોપ્લર વેધર રડાર લગાવવાની તૈયારીઓ પણ ચાલી રહી છે.