ગુજરાતથી બિહાર જવા માટે વધુ એક શાનદાર ટ્રેન, 26 ઓગસ્ટથી દોડશે અમદાવાદ-ભાગલપુર અમૃત ભારત એક્સપ્રેસ
ગુજરાતથી બિહાર જતા મુસાફરો માટે ખુશખબર! અમદાવાદ અને ભાગલપુર વચ્ચે નવી અમૃત ભારત એક્સપ્રેસ શરૂ થવા જઈ રહી છે. જાણો આ ટ્રેનનો સંપૂર્ણ રૂટ, સ્ટોપેજ અને ટાઈમ ટેબલ.
નવા ટાઈમ ટેબલ મુજબ, અમદાવાદથી આ ટ્રેન 26 ઓગસ્ટ 2026 થી દર બુધવારે અને ભાગલપુરથી 28 ઓગસ્ટ 2026 થી દર શુક્રવારે દોડાવવામાં આવશે.
ગુજરાત અને બિહાર વચ્ચે મુસાફરી કરતા લોકો માટે રેલવે વિભાગે એક ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. ભારતીય રેલવે દ્વારા ગુજરાતના મોટા આર્થિક કેન્દ્ર 'અમદાવાદ' અને બિહારની સિલ્ક સિટી 'ભાગલપુર' વચ્ચે એક નવી 'અમૃત ભારત એક્સપ્રેસ' ટ્રેન શરૂ કરવામાં આવી રહી છે. ઈસ્ટર્ન રેલવેના જણાવ્યા અનુસાર, આ નવી ટ્રેનથી તહેવારો અને સામાન્ય દિવસોમાં મુસાફરોની વધતી જતી ભીડને પહોંચી વળવામાં મોટી મદદ મળશે.
સ્પેશિયલ ટ્રેન હવે બની ગઈ કાયમી
અગાઉ જે ક્લોન સ્પેશિયલ ટ્રેન (નંબર 09447/09448) અમદાવાદ અને પટના વચ્ચે ચાલતી હતી, તેને હવે રેગ્યુલર કરીને કાયમી ધોરણે 19423/19424 અમદાવાદ-ભાગલપુર સાપ્તાહિક અમૃત ભારત એક્સપ્રેસ તરીકે ચલાવવાનો નિર્ણય લેવાયો છે.
ક્યારથી શરૂ થશે આ ટ્રેન?
નવા ટાઈમ ટેબલ મુજબ, અમદાવાદથી આ ટ્રેન 26 ઓગસ્ટ 2026 થી દર બુધવારે અને ભાગલપુરથી 28 ઓગસ્ટ 2026 થી દર શુક્રવારે દોડાવવામાં આવશે.
મુસાફરીનો સમય, સ્પીડ અને કોચની વિગતો
આ ટ્રેન અમદાવાદથી ભાગલપુર વચ્ચેની આખી મુસાફરી પૂરી કરતા અંદાજે 36 કલાક અને 10 મિનિટનો સમય લેશે. ટ્રેન ટ્રેક પર 110 થી 130 કિમી પ્રતિ કલાકની શાનદાર સ્પીડે દોડશે. આ ગાડીમાં કુલ 22 કોચ લગાવવામાં આવશે. જેમાં સામાન્ય માણસો માટે 11 જનરલ (અનરિઝર્વ્ડ) કોચ, 8 સ્લીપર ક્લાસ, 2 LSLRD અને ખાણીપીણીની સુવિધા માટે 1 પેન્ટ્રી કારનો સમાવેશ થાય છે.
પરત ફરવા માટે આ ટ્રેન 28 ઓગસ્ટ 2026 થી દર શુક્રવારે સાંજે 4:45 વાગ્યે ભાગલપુરથી ઉપડશે. ત્યારબાદ 17:03 વાગ્યે સુલતાનગંજ, 18:13 એ અભયપુર, 19:15 એ કિયુલ, 19:56 એ મોકામા, 20:30 એ બખ્તિયારપુર અને 21:58 વાગ્યે પટના પહોંચશે. રાત્રે 22:21 એ દાનાપુર, 22:53 એ આરા અને 23:41 વાગ્યે બક્સર ઊભી રહેશે. શનિવારે વહેલી સવારે 02:53 વાગ્યે DDU પહોંચશે અને અન્ય સ્ટેશનો પર રોકાણ કરતા કરતા રવિવારે વહેલી સવારે 05:25 વાગ્યે અમદાવાદ આવી પહોંચશે.
કયા કયા મોટા સ્ટેશનો પર ઊભી રહેશે?
આ ટ્રેન રસ્તામાં ઘણા મહત્વના સ્ટેશનોને કવર કરશે. જેમાં ગુજરાતના આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ ઉપરાંત રતલામ, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, ગંગાપુર સિટી, હિંડૌન સિટી, બયાના, આગ્રા, ટૂંડલા, કાનપુર, પ્રયાગરાજ જેવા સ્ટેશનો સામેલ છે.