કાર માલિકો માટે મોટા સમાચાર! સરકાર 2029થી લાગુ કરશે BS-7 સ્ટાન્ડર્ડ, 3 તબક્કામાં બદલાશે વાહનોના નિયમો
BS-7 emission norms: ભારત સરકાર 1 એપ્રિલ 2029થી વાહનો માટે નવા BS-7 એમિશન સ્ટાન્ડર્ડ લાગુ કરવા જઈ રહી છે. 3 તબક્કામાં લાગુ થનાર આ નિયમોથી પેટ્રોલ, ડીઝલ અને EV પર શું અસર પડશે? જાણો સંપૂર્ણ માહિતી.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ અંગે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, 1989 માં સુધારો કરવા માટે એક ડ્રાફ્ટ (નિયમોનો મુસદ્દો) બહાર પાડ્યો છે અને લોકો પાસેથી 30 દિવસમાં સૂચનો માંગ્યા છે.
BS-7 emission norms: ભારતમાં પ્રદૂષણને કંટ્રોલ કરવા માટે સરકાર વાહનોના નિયમોમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. સરકારે પેસેન્જર કાર માટે 1 એપ્રિલ, 2029 થી નવા એમિશન સ્ટાન્ડર્ડ ભારત સ્ટેજ-7 (BS-7) લાગુ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નવા નિયમો માત્ર ધુમાડાને જ નહીં, પરંતુ ગાડીની બેટરી અને ટાયર ઘસાવાથી થતા પ્રદૂષણને પણ કંટ્રોલ કરશે.
માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયે આ અંગે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ, 1989 માં સુધારો કરવા માટે એક ડ્રાફ્ટ બહાર પાડ્યો છે અને લોકો પાસેથી 30 દિવસમાં સૂચનો માંગ્યા છે. આ નિયમો મુખ્યત્વે કાર સહિત M1 કેટેગરીના વાહનો પર લાગુ થશે.
3 અલગ-અલગ તબક્કામાં લાગુ થશે BS-7 નિયમો
સરકારની યોજના છે કે BS-7 સ્ટાન્ડર્ડને એકસાથે લાગુ કરવાને બદલે અલગ-અલગ કેટેગરી માટે 3 તબક્કામાં લાગુ કરવામાં આવે. આ તબક્કાઓ એપ્રિલ 2029, એપ્રિલ 2031 અને એપ્રિલ 2035 થી શરૂ થશે. પ્રથમ તબક્કો શરૂ થાય તે પહેલાં જ ઓટોમોબાઈલ કંપનીઓને તૈયારી કરવા માટે લગભગ અઢી વર્ષનો સમય આપવામાં આવશે.
કયા તબક્કામાં શું બદલાશે?
પ્રથમ તબક્કો (એપ્રિલ 2029): આ તબક્કામાં વાહનના સાયલેન્સરથી નીકળતા ધુમાડાની લિમિટ વધુ કડક કરાશે. સાથે જ ઇંધણનો વપરાશ, વીજળીનો વપરાશ અને બેટરીની આવરદા (ટિકાઉ ક્ષમતા) ના નિયમો લાગુ થશે.
બીજો તબક્કો (એપ્રિલ 2031): ગાડીની બ્રેક મારવાથી જે રજકણો હવામાં ભળે છે અને ટાયર ઘસાવાથી જે પ્રદૂષણ થાય છે, તેના પર લિમિટ નક્કી કરવામાં આવશે.
ત્રીજો તબક્કો (એપ્રિલ 2035): આ તબક્કાથી અલગ-અલગ પ્રકારના તમામ વાહનો માટે બ્રેકના રજકણોના ઉત્સર્જનની એક સમાન લિમિટ લાગુ કરી દેવાશે.
ઇલેક્ટ્રિક વાહનોની બેટરી માટે આવ્યા કડક નિયમો
નવા ડ્રાફ્ટમાં ઇલેક્ટ્રિક અને પ્લગ-ઇન હાઇબ્રિડ વાહનોની બેટરી માટે પણ લાઈફ નક્કી કરવામાં આવી છે. નવી ગાઈડલાઈન મુજબ, વાહન 5 વર્ષ જૂનું થાય અથવા 1 લાખ કિલોમીટર ચાલે, ત્યાં સુધીમાં તેની બેટરીની ક્ષમતા ઓછામાં ઓછી 75 ટકા જળવાઈ રહેવી જોઈએ. જ્યારે 8 વર્ષ અથવા 1.6 લાખ કિલોમીટર પછી પણ બેટરીની ક્ષમતા 67 ટકા જેટલી હોવી ફરજિયાત બનશે.
ગ્રાહકોને મળશે પર્યાવરણ વાહન પાસપોર્ટ
આ નવા પ્રસ્તાવમાં એક ખૂબ જ રસપ્રદ બાબત સામેલ છે. હવે ગ્રાહકોને વાહન ખરીદતી વખતે પર્યાવરણ વાહન પાસપોર્ટ આપવામાં આવશે. આ પાસપોર્ટમાં ગાડી કેટલું પ્રદૂષણ કરે છે, ઇંધણ કેટલું વાપરે છે અને બેટરીની સ્થિતિ કેવી છે તેની પૂરી માહિતી હશે. આનાથી રસ્તા પર ચાલતી વખતે ગાડીના ઉત્સર્જન પર પણ નજર રાખી શકાશે.
પેટ્રોલ-ડીઝલ ગાડીઓ માટે ખાસ વ્યવસ્થા
નવા નિયમોમાં પેટ્રોલ અને ડીઝલ વાહનો માટે જિયોફેન્સિંગ ટેકનોલોજી સાથે BS-7-G કેટેગરીની મંજૂરીનો પણ પ્રસ્તાવ છે. આ ઉપરાંત, જો કોઈ ગાડીમાં E20 (20 ટકાથી વધુ ઇથેનોલ) વાળું પેટ્રોલ વાપરવાની સુવિધા હશે, તો ઓટોમોબાઈલ કંપનીઓએ ગાડી પર તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો પડશે.
BS-6 ક્યારથી લાગુ છે?
તમને જણાવી દઈએ કે ભારતમાં પ્રદૂષણ ઘટાડવા માટે સરકારે BS-4 પછી સીધા BS-6 નિયમો અપનાવ્યા હતા. દેશમાં 1 એપ્રિલ 2020થી BS-6 સ્ટાન્ડર્ડ્સ લાગુ છે. હવે 2029થી દેશ પ્રદૂષણ મુક્ત વાહનોની દિશામાં વધુ એક મોટું પગલું ભરવા જઈ રહ્યો છે.