આ નવરાત્રીમાં કુલ 11,23,086 વાહનોનું વેચાણ થયું છે. તેનો સીધો અર્થ એ છે કે નવરાત્રીના 10 દિવસોમાં રોજ સરેરાશ 1.12 લાખ વાહનો લોકોએ ખરીદ્યા છે.
FADA retail data: ભારતમાં નવરાત્રીનો તહેવાર એટલે નવી વસ્તુઓ ખરીદવાનો સૌથી શુભ સમય. આ વર્ષે પણ વાહન બજારમાં ગ્રાહકોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન (FADA) દ્વારા જાહેર કરવામાં આવેલા લેટેસ્ટ ડેટા મુજબ, નવરાત્રીના 10 દિવસના તહેવાર દરમિયાન વાહનોનું રિટેલ વેચાણ 11 લાખનો આંકડો પાર કરી ગયું છે. સૌથી ચોંકાવનારી અને સારી વાત એ છે કે લોકો હવે પેટ્રોલ-ડીઝલ છોડીને ઇલેક્ટ્રિક વાહનો (EV) તરફ ઝડપથી વળી રહ્યા છે.
દરરોજ 1 લાખથી વધુ વાહનો વેચાયા
ફાડાના રિપોર્ટ અનુસાર, આ નવરાત્રીમાં કુલ 11,23,086 વાહનોનું વેચાણ થયું છે. તેનો સીધો અર્થ એ છે કે નવરાત્રીના 10 દિવસોમાં રોજ સરેરાશ 1.12 લાખ વાહનો લોકોએ ખરીદ્યા છે. ગયા વર્ષે નવરાત્રી 11 દિવસની હતી જેમાં 12.01 લાખ વાહનો વેચાયા હતા. તેની સરખામણીમાં આ વર્ષે એકંદર વેચાણમાં 6.52 ટકાનો સામાન્ય ઘટાડો નોંધાયો છે, જેનું મુખ્ય કારણ તહેવારનો એક દિવસ ઓછો હોવાનું માનવામાં આવે છે.
આ તહેવારમાં ઇલેક્ટ્રિક વાહનોનો જાદુ છવાયો છે. ગયા વર્ષે 92,628 ઈ-વાહનો વેચાયા હતા, જેની સામે આ વર્ષે 1,17,437 ઇલેક્ટ્રિક વાહનો વેચાયા છે. એટલે કે EV સેગમેન્ટમાં 26.78 ટકાનો જંગી ઉછાળો આવ્યો છે. ઇલેક્ટ્રિક ટુ-વ્હીલરના વેચાણમાં 33.40 ટકા અને ઇલેક્ટ્રિક પેસેન્જર વાહનોના (કાર) વેચાણમાં 26 ટકાનો વધારો નોંધાયો છે.
કયા સેગમેન્ટમાં કેવું રહ્યું વેચાણ?
આ નવરાત્રીએ ટુ-વ્હીલર અને કારના વેચાણમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ ખેતી અને વેપારના વાહનોમાં વધારો થયો છે:
પેસેન્જર વાહનોના વેચાણમાં 21 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે, પરંતુ ફાડાના સૂત્રો સ્પષ્ટ કરે છે કે આનો અર્થ એ નથી કે માર્કેટમાં માંગ ઘટી ગઈ છે. ગયા વર્ષે સરકારે GST માં કાપ મૂક્યો હતો, જેના કારણે લોકોએ મોટા પાયે કારની ખરીદી કરી હતી અને વેચાણે વિક્રમ સર્જ્યો હતો. વાહનોની કિંમતો વધવા છતાં ગ્રાહકોનો ખરીદી પ્રત્યેનો મૂડ હજુ પણ ખૂબ જ પોઝિટિવ છે, જે આવનારા તહેવારોમાં ઓટોમોબાઈલ સેક્ટર માટે સારા સંકેત છે.