કેન્દ્ર સરકારની મોટી ભેટ: સામાજિક સહાય યોજના માટે 53428 કરોડ મંજૂર, હવે 40 ટકા વિકલાંગતા પર પણ મળશે પેન્શન | Moneycontrol Gujarati
Get App

કેન્દ્ર સરકારની મોટી ભેટ: સામાજિક સહાય યોજના માટે 53428 કરોડ મંજૂર, હવે 40 ટકા વિકલાંગતા પર પણ મળશે પેન્શન

મોદી સરકારે સામાજિક સહાય અને પેન્શન યોજનાઓ માટે 53428 કરોડ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે. દિવ્યાંગ પેન્શન માટેની મર્યાદા 80% થી ઘટાડીને 40% કરવામાં આવી છે. જાણો લેટેસ્ટ અપડેટ.

અપડેટેડ 05:22:50 PM Oct 14, 2026 પર
Story continues below Advertisement
સરકારના આ નિર્ણયથી દેશના તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લગભગ 3.20 કરોડ જેટલા લાભાર્થીઓને સીધો ફાયદો થશે.

Cabinet decision: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં દેશના ગરીબ, વૃદ્ધ, વિધવા અને દિવ્યાંગ નાગરિકો માટે એક બહુ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમને આગામી પાંચ વર્ષ એટલે કે 2026-27 થી લઈને 2030-31 સુધી ચાલુ રાખવાની સત્તાવાર મંજૂરી આપી દીધી છે. આ માટે 53428 કરોડ રૂપિયાનું જંગી બજેટ ફાળવવામાં આવ્યું છે.

આ સાથે જ સરકારે પેન્શન યોજનાઓના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે અને યોજનાઓના જૂના નામ બદલીને નવા નામ રાખ્યા છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ નિર્ણયની માહિતી આપતા જણાવ્યું હતું કે આ દુનિયાનું સૌથી મોટું સોશિયલ સિક્યોરિટી નેટ છે, જેને હવે 2031 સુધી લંબાવી દેવામાં આવ્યું છે.

દિવ્યાંગ પેન્શનના નિયમોમાં મોટો ફેરફાર

આ નવા નિર્ણયમાં સૌથી મોટી રાહત દિવ્યાંગોને આપવામાં આવી છે. જાણો શું થયા છે ફેરફાર

પાત્રતા મર્યાદા ઘટી: પહેલા દિવ્યાંગ પેન્શન મેળવવા માટે 80 ટકા વિકલાંગતા હોવી જરૂરી હતી. પરંતુ હવે આ મર્યાદા અડધી કરીને માત્ર 40 ટકા કરી દેવામાં આવી છે. એટલે કે 40 ટકા વિકલાંગતા ધરાવતા લોકો પણ હવે પેન્શન માટે હકદાર બનશે.


ઉંમરનો બાધ દૂર: પેન્શન મેળવવા માટેની ન્યૂનતમ ઉંમરની શરત હટાવી લેવામાં આવી છે. આનો અર્થ એ કે જન્મથી જ વિકલાંગ બાળકો પણ આ સહાય માટે પાત્ર ગણાશે.

સહાયની રકમ: 0 થી 79 વર્ષની ઉંમરના લાભાર્થીઓને દર મહિને 375 રૂપિયા મળશે, જ્યારે 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોને દર મહિને 625 રૂપિયાની આર્થિક મદદ અપાશે.

નોંધનીય છે કે, વૃદ્ધાવસ્થા પેન્શન, વિધવા પેન્શન અને પારિવારિક લાભ યોજનાઓના નિયમોમાં કોઈ જ ફેરફાર કરવામાં આવ્યો નથી. તે રાબેતા મુજબ ચાલુ જ રહેશે.

યોજનાઓના નામ બદલાયા: જાણો નવા નામ

કેબિનેટની બેઠકમાં જૂની યોજનાઓના નામમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે.

'NSAP' હવે 'પ્રધાનમંત્રી સામાજિક સહાય યોજના' તરીકે ઓળખાશે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધાવસ્થા પેન્શન યોજનાનું નવું નામ 'પ્રધાનમંત્રી વૃદ્ધાવસ્થા પેન્શન યોજના' રાખવામાં આવ્યું છે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના હવે 'પ્રધાનમંત્રી વિધવા પેન્શન યોજના' બની ગઈ છે. ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિકલાંગ પેન્શન યોજનાનું નામ બદલીને 'પ્રધાનમંત્રી દિવ્યાંગજન પેન્શન યોજના' કરવામાં આવ્યું છે. રાષ્ટ્રીય પરિવાર લાભ યોજના હવે 'પ્રધાનમંત્રી પરિવાર લાભ યોજના' તરીકે ઓળખાશે.

3.20 કરોડ લોકોને મળશે સીધો ફાયદો

સરકારના આ નિર્ણયથી દેશના તમામ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના લગભગ 3.20 કરોડ જેટલા લાભાર્થીઓને સીધો ફાયદો થશે. વિકલાંગ પેન્શન યોજનાના નવા નિયમો અને તેની વિસ્તૃત ગાઈડલાઈન આગામી 3 મહિનાની અંદર જાહેર કરીને લાગુ કરવામાં આવશે.

આ પણ વાંચો-IDBI Bankના રિસ્ટ્રક્ચરિંગને કેબિનેટની મંજૂરી: Fairfax 52000 કરોડમાં ખરીદશે સરકાર અને LIC નો હિસ્સો, શેરમાં આવ્યો મોટો ઉછાળો

MoneyControl News

MoneyControl News

First Published: Oct 14, 2026 5:22 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચાર, પર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.