CBSE 2027 Board Exams: CBSE અત્યારથી જ શરૂ કરી 2027ની બોર્ડ પરીક્ષાની તૈયારીઓ, શાળાઓ અને વિદ્યાર્થીઓ માટે જાહેર કર્યું મોટું અપડેટ
CBSE એ 2027ની બોર્ડ પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી છે. ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન અને LOC પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. જાણો લેટેસ્ટ અપડેટ.
બોર્ડે શાળાઓને કડક સૂચના આપી છે કે વિદ્યાર્થીઓની અંગત માહિતી અને તેમને ફાળવેલા વિષયોની વિગતો ફોર્મમાં એકદમ ચોકસાઈથી ભરવામાં આવે.
CBSE 2027 Board Exams: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશનએ શૈક્ષણિક સત્ર 2026-27 માટે અત્યારથી જ કમર કસી લીધી છે. જી હા, બોર્ડ ટૂંક સમયમાં 2027 માં લેવાનારી બોર્ડ પરીક્ષાઓ માટેની તૈયારીઓ સત્તાવાર રીતે શરૂ કરવા જઈ રહ્યું છે. આ માટે બોર્ડ દ્વારા તમામ શાળાઓને એલર્ટ કરી દેવામાં આવી છે.
શાળાઓના આચાર્યોને અપાઈ મહત્વની સૂચના
બોર્ડે ગુરુવારે તમામ સંલગ્ન શાળાઓના આચાર્યોને એક મહત્વપૂર્ણ નોટિસ મોકલી છે. જેમાં સ્પષ્ટ જણાવાયું છે કે ધોરણ 9 અને 11 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા અને ધોરણ 10 અને 12 માટે ઉમેદવારોની યાદી જમા કરવાની પ્રક્રિયા ખૂબ જ જલ્દી શરૂ કરવામાં આવશે. બોર્ડે શાળાઓને કડક સૂચના આપી છે કે વિદ્યાર્થીઓની અંગત માહિતી અને તેમને ફાળવેલા વિષયોની વિગતો ફોર્મમાં એકદમ ચોકસાઈથી ભરવામાં આવે.
શાળાઓએ કઈ માહિતી અગાઉથી તૈયાર રાખવી પડશે?
પ્રક્રિયા શરૂ થાય તે પહેલાં શાળાઓને નીચે મુજબની માહિતી અપડેટ અને તૈયાર રાખવા જણાવાયું છે.
એડમિશન રજિસ્ટર મુજબ વિદ્યાર્થીનું પૂરું અને સાચું નામ
જન્મ તારીખ
જેન્ડર
કેટેગરી (જનરલ, SC, ST, OBC વગેરે)
માતા-પિતા કે વાલીનું સાચા સ્પેલિંગ સાથેનું પૂરું નામ
નિયમો મુજબ વિષયવાર (Subject-wise) રજીસ્ટ્રેશન
દરેક વિદ્યાર્થીનો ફોટો અને સહી (નક્કી કરેલા ફોર્મેટમાં)
ભૂતકાળની ભૂલોમાંથી બોધપાઠ લેવા તાકીદ
બોર્ડે શાળાઓને ચેતવણી આપતા અગાઉની પરીક્ષાઓમાં પડેલી મુશ્કેલીઓનો ઉલ્લેખ કર્યો હતો. ભૂતકાળમાં શાળાઓ દ્વારા કેટલીક ગંભીર ભૂલો થઈ હતી, જેમ કે,, ખોટા વિષય અથવા ખોટા સબ્જેક્ટ કોડ દાખલ કરવા. વિદ્યાર્થીઓ કે માતા-પિતાના નામમાં સ્પેલિંગની ભૂલો કરવી. ઘણા વિદ્યાર્થીઓ માટે LOC જમા જ ન કરવું. સમયમર્યાદા વીતી ગયા પછી LOC જમા કરાવવું. આવી ભૂલોને કારણે પાછળથી સુધારા માટે અરજીઓનો ઢગલો થાય છે.