ઈરાન પર અમેરિકાના હુમલાનો ડર: ભારત માટે કેમ છે ખતરાની ઘંટડી? જાણો તમારા ખિસ્સા અને દેશની તિજોરી પર શું થશે અસર | Moneycontrol Gujarati
Get App

ઈરાન પર અમેરિકાના હુમલાનો ડર: ભારત માટે કેમ છે ખતરાની ઘંટડી? જાણો તમારા ખિસ્સા અને દેશની તિજોરી પર શું થશે અસર

India Iran Trade: ઈરાનમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનો અને અમેરિકાના સંભવિત હુમલાથી ભારત પર શું અસર થશે? જાણો ચાબહાર પોર્ટ, વ્યાપાર અને ભારતીય અર્થવ્યવસ્થા માટે આ સ્થિતિ કેમ ચિંતાનો વિષય છે. વાંચો વિગતવાર અહેવાલ.

અપડેટેડ 03:16:09 PM Jan 12, 2026 પર
Story continues below Advertisement
ભારત માટે ઈરાન માત્ર એક વેપારી મિત્ર નથી, પરંતુ મધ્ય એશિયા સુધી પહોંચવા માટેનો મુખ્ય દરવાજો છે. ભારતે રશિયા, યુરોપ અને મધ્ય એશિયા સાથે જોડાવા માટે ઈરાનમાં ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં ભારે રોકાણ કર્યું છે.

India Iran Trade: ઈરાનમાં હાલ સ્થિતિ ખૂબ જ તંગ છે. ખરાબ અર્થવ્યવસ્થા અને મોંઘવારીથી કંટાળેલા લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને સરકાર સામે મોરચો માંડ્યો છે. આ બધાની વચ્ચે એક મોટા સમાચાર એ આવી રહ્યા છે કે અમેરિકા ઈરાન પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યું છે. જો આવું થાય, તો તેની સીધી અસર ભારત પર પણ જોવા મળશે. ભારત અને ઈરાન વચ્ચે જૂના અને મજબૂત વ્યાપારી સંબંધો છે, તેથી ત્યાંની અશાંતિ ભારત માટે ચિંતાનો વિષય બની છે.

ઈરાનમાં કેમ ભડકી છે આગ?

ઈરાનમાં છેલ્લા કેટલાક અઠવાડિયાથી સરકાર વિરોધી પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ પ્રદર્શનોની શરૂઆત 28 ડિસેમ્બરના રોજ થઈ હતી, જે હવે આખા દેશમાં ફેલાઈ ગયા છે. રિપોર્ટ્સ મુજબ, આ હિંસક પ્રદર્શનોમાં અત્યાર સુધીમાં 70 થી વધુ લોકોના મોત થયા છે. શરૂઆતમાં લોકો માત્ર ખાવા-પીવાની ચીજોના વધતા ભાવ અને મોંઘવારીથી પરેશાન હતા, પરંતુ હવે આ ગુસ્સો સરકાર વિરોધી નારાઓમાં બદલાઈ ગયો છે.

બીજી તરફ, 'ધ ન્યૂયોર્ક પોસ્ટ' અને 'વોલ સ્ટ્રીટ જર્નલ'ના અહેવાલ મુજબ, ટ્રમ્પ પ્રશાસન ઈરાન પર હુમલો કરવા માટે પ્રાથમિક યોજના બનાવી રહ્યું છે. જેમાં હવાઈ હુમલાઓનો પણ સમાવેશ થાય છે. અમેરિકા ઈરાનના કયા ઠેકાણાઓ પર હુમલો કરશે, તેની પણ ચર્ચા ચાલી રહી છે.

ભારત માટે ઈરાન કેમ છે આટલું મહત્વનું?


ભારત માટે ઈરાન માત્ર એક વેપારી મિત્ર નથી, પરંતુ મધ્ય એશિયા સુધી પહોંચવા માટેનો મુખ્ય દરવાજો છે. ભારતે રશિયા, યુરોપ અને મધ્ય એશિયા સાથે જોડાવા માટે ઈરાનમાં ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં ભારે રોકાણ કર્યું છે.

ચાબહાર પોર્ટ: આ પોર્ટ ભારતના હિતો માટે સૌથી મહત્વનું છે. ચાબહાર બંદર મારફતે ભારત પાકિસ્તાનને બાયપાસ કરીને સીધું અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સાથે વેપાર કરી શકે છે.

INSTC કોરિડોર: ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC) ભારતની વ્યાપાર રણનીતિનો મુખ્ય ભાગ છે. આ એક એવું નેટવર્ક છે જે ઈરાન મારફતે ભારતને રશિયા અને યુરોપ સાથે જોડે છે. તેનાથી દરિયાઈ રસ્તાનો લાંબો અને મોંઘો ખર્ચ બચે છે.

ભારતની મોટી તૈયારીઓ પર પાણી ફરી વળશે?

ભારત ઈરાનમાં પોતાના પ્રોજેક્ટ્સને ઝડપથી આગળ વધારી રહ્યું છે, પરંતુ યુદ્ધ જેવી સ્થિતિ આ કામોને અટકાવી શકે છે. હાલમાં ચાબહાર પોર્ટની ક્ષમતા 1,00,000 TEUs થી વધારીને 5,00,000 TEUs કરવાનું કામ ચાલી રહ્યું છે. બંદરને ઈરાનના રેલવે નેટવર્ક સાથે જોડવા માટે ચાબહાર અને જાહેદાન વચ્ચે 700 કિલોમીટર લાંબી રેલવે લાઈન બિછાવવાનું કામ પણ ચાલુ છે. આ પ્રોજેક્ટ્સ વર્ષ 2026 ના મધ્ય સુધીમાં પૂરા થવાની આશા છે, પરંતુ જો સ્થિતિ બગડે તો તેમાં વિલંબ થઈ શકે છે.

ભારત-ઈરાન વેપારના આંકડા શું કહે છે?

બંને દેશો વચ્ચેનો વેપાર ખૂબ જ મજબૂત સ્થિતિમાં છે. વાણિજ્ય વિભાગના આંકડા મુજબ નાણાકીય વર્ષ 2024-25 માં બંને દેશો વચ્ચેનો કુલ વેપાર લગભગ 1.68 બિલિયન ડોલર સુધી પહોંચી ગયો છે. ભારતે ઈરાનને 1.24 બિલિયન ડોલરનો સામાન વેચ્યો છે. સામે ભારતે ઈરાનથી 0.44 બિલિયન ડોલરનો સામાન ખરીદ્યો છે. આમ, ભારત હાલમાં 0.80 બિલિયન ડોલરના ફાયદામાં છે.

શું છે લેવડ-દેવડ?

ભારત શું વેચે છે: ચોખા, ચા, ખાંડ, દવાઓ, મશીનરી અને કૃત્રિમ ઘરેણાં.

ભારત શું ખરીદે છે: ડ્રાય ફ્રુટ્સ (સૂકો મેવો), કેમિકલ્સ અને કાચનો સામાન.

ભારત પર શું અસર થશે?

ઈરાનમાં ચાલી રહેલા તોફાનો અને અમેરિકાના સંભવિત હુમલાની અસર ભારત માટે ગંભીર હોઈ શકે છે. જો ઈરાનમાં અસ્થિરતા વધે અથવા યુદ્ધ થાય, તો ભારતના ચાબહાર અને INSTC જેવા ડ્રીમ પ્રોજેક્ટ્સ અટકી શકે છે. આ પ્રોજેક્ટ્સમાં ભારતનું મોટું રોકાણ છે. આ ઉપરાંત, બંને દેશો વચ્ચેનો વેપાર ખોરવાઈ શકે છે, જેનાથી ભારતની નિકાસ પર અસર થશે અને લોજિસ્ટિક્સ મોંઘું થઈ શકે છે. ટૂંકમાં, ઈરાનની આગની જ્વાળાઓ ભારતીય અર્થવ્યવસ્થાને પણ દઝાડશે તે નક્કી છે.

આ પણ વાંચો-અમેરિકાના ઝટકા બાદ ભારતે યુરોપમાં જમાવ્યો પગદંડો: સ્પેન અને જર્મનીમાં નિકાસમાં રેકોર્ડબ્રેક વધારો, જાણો શું કહે છે આંકડા

MoneyControl News

MoneyControl News

First Published: Jan 12, 2026 3:16 PM

પહેલા મનીકંટ્રોલ ગુજરાતી પર ગુજરાતીમાં સ્ટોક માર્કેટ,  Stock Tips,  સમાચારપર્સનલ ફાઇનાન્સ  અને બિઝનેસ  સંબંધિત સમાચાર વાંચો. દૈનિક બજાર અપડેટ્સ માટે Moneycontrol App  ડાઉનલોડ કરો.