Gold Price Prediction: 2025માં સોનાના ભાવમાં 65%નો રેકોર્ડ વધારો થયો છે. શું 2026માં પણ સોનું ચમકશે? ગ્લોબલ ફંડ મેનેજર્સે સોનાની તેજી પાછળના મોટા કારણો અને રોકાણની રણનીતિ જણાવી છે. વાંચો વિગતવાર રિપોર્ટ.
Bloombergના એક રિપોર્ટ મુજબ, દુનિયાભરમાં ટ્રિલિયન ડોલરનું ફંડ મેનેજ કરતા ડઝનેક મની મેનેજર્સ સાથે વાતચીત કરવામાં આવી. મોટાભાગના મેનેજર્સે કહ્યું કે તેઓ સોનામાં નફો બુક કરવાને બદલે તેમનું રોકાણ જાળવી રાખવા માંગે છે.
Gold Price Prediction: સોનાના ભાવમાં 2025ના વર્ષ દરમિયાન જે તેજી જોવા મળી છે, તેવી ઘટના ઇતિહાસમાં ભાગ્યે જ બને છે. રોકાણકારો માટે આ વર્ષ સોનેરી સાબિત થયું છે. જોકે, આટલા મોટા ઉછાળા બાદ સામાન્ય રોકાણકારોના મનમાં એક જ સવાલ છે શું 2026માં પણ સોનું આ જ રફ્તારથી આગળ વધશે કે પછી હવે બ્રેક લાગશે?
આ અંગે દુનિયાના મોટા મની મેનેજર્સ અને ફંડ હાઉસ હજુ પણ સોનાને લઈને પોઝિટિવ છે. તેમનું માનવું છે કે જે કારણોસર સોનું રેકોર્ડ સ્તરે પહોંચ્યું છે, તે કારણો હજુ પણ અકબંધ છે. ચાલો જાણીએ કે 2026 માટે નિષ્ણાતો શું અનુમાન લગાવી રહ્યા છે.
2025માં સોનાએ કેમ તોડ્યા રેકોર્ડ?
વર્ષ 2025 સોના માટે યાદગાર રહ્યું. આ વર્ષે સોનાના ભાવમાં લગભગ 65%નો ઉછાળો આવ્યો, જે છેલ્લા 50 વર્ષમાં તેનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ તેજી પાછળનું મુખ્ય કારણ સેન્ટ્રલ બેંકો દ્વારા કરવામાં આવેલી જંગી ખરીદી અને સામાન્ય તેમજ મોટા રોકાણકારોનો સોના પ્રત્યેનો વિશ્વાસ હતો.
વ્યાજદરમાં ઘટાડો, વૈશ્વિક સ્તરે યુદ્ધ કે તણાવ જેવી સ્થિતિ અને આર્થિક અનિશ્ચિતતા જેવા પરિબળો ભેગા થતા સોનાને જબરદસ્ત સપોર્ટ મળ્યો. પરિણામે, 1980થી ચાલ્યો આવતો મોંઘવારી-સમાયોજિત (Inflation-Adjusted) રેકોર્ડ પણ સોનાએ તોડી નાખ્યો છે.
ફંડ મેનેજર્સનો વિશ્વાસ હજુ પણ અકબંધ
Bloombergના એક રિપોર્ટ મુજબ, દુનિયાભરમાં ટ્રિલિયન ડોલરનું ફંડ મેનેજ કરતા ડઝનેક મની મેનેજર્સ સાથે વાતચીત કરવામાં આવી. મોટાભાગના મેનેજર્સે કહ્યું કે તેઓ સોનામાં નફો બુક કરવાને બદલે તેમનું રોકાણ જાળવી રાખવા માંગે છે.
Fidelity International: પોર્ટફોલિયો મેનેજર ઇયાન સેમસન કહે છે કે 2026માં પણ સોનામાં તેજીની શક્યતા છે. તેમણે ઓક્ટોબરમાં થોડું સોનું વેચ્યું હતું, પરંતુ હવે ફરીથી ખરીદી વધારી દીધી છે. તેમના મતે, સેન્ટ્રલ બેંકોની ખરીદી અને સરકારી ખાધ સોનાના ભાવને ટેકો આપશે.
કરન્સી પર ઘટતો ભરોસો, સોનાની મજબૂતી
હાલમાં દુનિયાના વિકસિત દેશોની કરન્સી પર રોકાણકારોનો ભરોસો ડગી રહ્યો છે, જેનો સીધો ફાયદો સોનાને મળી રહ્યો છે. વધતું સરકારી દેવું અને સેન્ટ્રલ બેંકોની સ્વતંત્રતા પર ઉઠતા સવાલો સોનાને સેફ હેવન બનાવે છે.
Morgan Stanley: ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર માઈક વિલ્સન જણાવે છે કે સોનું હવે એન્ટી-ફિયાટ કરન્સી બની ગયું છે. તેઓ રોકાણકારોને પોર્ટફોલિયોમાં 20% રિયલ એસેટ્સ જેમાં સોનું સામેલ છે તે રાખવાની સલાહ આપે છે. તેમના મતે, વૈશ્વિક સ્તરે નાણાકીય શિસ્તનો અભાવ સોના માટે સૌથી મોટો સપોર્ટ છે.
2026 માટે શું છે રણનીતિ?
ફંડ હાઉસે 2026 માટે પણ પોતાની તૈયારીઓ કરી લીધી છે
DWS Group: કોમોડિટી હેડ ડારવેઈ કુંગ કહે છે કે તેમની ફર્મે સોનામાં સામાન્ય કરતા વધુ હિસ્સેદારી રાખી છે અને 2026 સુધી તેને જાળવી રાખશે. તેમને આશા છે કે ભલે ધીમી ગતિએ, પણ સોનું આગળ વધશે.
UBS Asset Management: માસ્સીમિલિયાનો કાસ્ટેલી જણાવે છે કે હવે પેન્શન અને ઈન્સ્યોરન્સ ફંડ્સ પણ સોનામાં રસ લઈ રહ્યા છે. કેટલાક ફંડ્સે તો પહેલીવાર પોતાના પોર્ટફોલિયોના 5% સોનામાં રોક્યા છે.
ઇતિહાસ અને ભવિષ્યની તકો
ઇતિહાસ ચેતવણી આપે છે કે મોટી તેજી પછી સોનામાં લાંબી મંદી આવી શકે છે. દાખલા તરીકે, 2011માં રેકોર્ડ બનાવ્યા બાદ સોનાને ફરી તે સ્તરે પહોંચતા 9 વર્ષ લાગ્યા હતા. જોકે, આ વખતે સ્થિતિ થોડી અલગ છે. Goldman Sachsના ડેટા મુજબ, અમેરિકામાં હજુ પણ લોકોના પોર્ટફોલિયોમાં ગોલ્ડ ETFનો હિસ્સો માત્ર 0.17% છે. જો આ હિસ્સો માત્ર 0.01% પણ વધે, તો સોનાના ભાવમાં સીધો 1.4% નો ઉછાળો આવી શકે છે. એટલે કે હજુ ખરીદી માટે મોટો અવકાશ બાકી છે.
સેન્ટ્રલ બેંકોની ભૂમિકા
સોનાની તેજીમાં સૌથી મોટો હાથ દુનિયાભરની સેન્ટ્રલ બેંકોનો છે. Goldman Sachsનું અનુમાન છે કે 2026માં સેન્ટ્રલ બેંકો દર મહિને સરેરાશ 80 ટન સોનું ખરીદી શકે છે. 2022માં રશિયા પર લાગેલા પ્રતિબંધો અને તેના વિદેશી ભંડોળ ફ્રીઝ થયા બાદ, અન્ય દેશોએ પણ ડૉલરને બદલે સોનું જમા કરવાનું શરૂ કર્યું છે. ખાસ કરીને ચીનની સોનાની ખરીદી બજારને મોટો ટેકો આપી રહી છે.
કેવી રહેશે 2026ની ચાલ?
Pictet Asset Managementના નિષ્ણાત શૈનિયલ રામજી માને છે કે 2026માં સોનું ઉપર જશે ખરું, પરંતુ તેની ઝડપ 2025 જેવી તીવ્ર નહીં હોય. બજાર હવે વધુ સંતુલિત અને સ્થિર ગતિએ આગળ વધશે. સેન્ટ્રલ બેંકોની સતત ખરીદીને કારણે સોનામાં રોકાણ સુરક્ષિત માનવામાં આવી રહ્યું છે.
ડિસ્ક્લેમર: આ આર્ટિકલ માત્ર માહિતી માટે છે. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા નાણાકીય સલાહકાર અથવા સર્ટિફાઈડ એક્સપર્ટની સલાહ અચૂક લેવી. બજારના જોખમોને આધીન રોકાણ કરવું.