સાઉદી અરેબિયા પર હૂથીઓનો ભીષણ મિસાઈલ અને ડ્રોન હુમલો, 13 લોકો ઘાયલ, જેદ્દાહ એરપોર્ટ બંધ અને અનેક શહેરોમાં હાઈ એલર્ટ
યમનના હૂથી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયા પર મિસાઈલ અને ડ્રોનથી મોટો હુમલો કર્યો છે. ખમીસ મુશૈતમાં 13 લોકો ઘાયલ થયા છે અને જેદ્દાહ એરપોર્ટ પર ફ્લાઈટ્સ રોકવામાં આવી છે. જાણો લેટેસ્ટ અપડેટ.
તા. હૂથીઓએ સ્પષ્ટ કર્યું છે કે સાઉદી અરેબિયા પરનો આ હાલનો હુમલો એ તેમની એર સ્ટ્રાઇકનો જ સીધો બદલો છે.
યમનના હૂથી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયા પર ફરી એકવાર ભયાનક હુમલો કરી દીધો છે. હૂથીઓએ દક્ષિણ-પશ્ચિમ સાઉદી અરેબિયાના ખમીસ મુશૈત વિસ્તારમાં ડઝનબંધ મિસાઈલો અને ડ્રોન છોડ્યા છે. આ હુમલાનો મુખ્ય ટાર્ગેટ સાઉદીનું એક સૈન્ય એરબેઝ હતું, જેના કારણે સમગ્ર દેશમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.
13 નાગરિકો ઘાયલ, અનેક શહેરોમાં ઇમરજન્સી
પ્રાપ્ત માહિતી અનુસાર, આ અચાનક થયેલા હુમલામાં 13 નાગરિકો ઘાયલ થયા છે. સ્થિતિની ગંભીરતાને જોતા સાઉદી અધિકારીઓએ ખમીસ મુશૈત, આભા, તાઇફ, જેદ્દાહ અને જાઝાન જેવા મહત્વના દક્ષિણી શહેરોમાં તાત્કાલિક ઇમરજન્સી એલર્ટ જાહેર કરી દીધું છે. જોકે, સાઉદી સિવિલ ડિફેન્સે રાહતના સમાચાર આપતા કહ્યું છે કે હાલ પૂરતો ખતરો ટળી ગયો છે અને સ્થિતિ કાબૂમાં છે.
જેદ્દાહ એરપોર્ટ પર ફ્લાઈટ્સ રોકાઈ, વાગ્યા સાયરન
હુમલાની અસર સીધી વાહનવ્યવહાર પર પડી છે. લાલ સમુદ્રના કાંઠે આવેલા યનબૂ અને તાઇફ શહેરોમાં ભયસૂચક સાયરન વાગ્યા હતા. સુરક્ષાના ભાગરૂપે જેદ્દાહ એરપોર્ટ પર તમામ ફ્લાઇટ્સ અસ્થાયી રૂપે રોકી દેવામાં આવી છે. રાજધાની રિયાધમાં આ કટોકટીનો સામનો કરવા માટે ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે.
આ હુમલા પાછળનું કારણ શું છે?
તાજેતરમાં જ સાઉદી અરેબિયાએ યમનમાં એર સ્ટ્રાઇક કરી હતી. આ હુમલામાં યમનના વિમાન હેંગર, રડાર સિસ્ટમ, રનવે અને હથિયારોના ગોડાઉનને નિશાન બનાવવામાં આવ્યા હતા. હૂથીઓએ સ્પષ્ટ કર્યું છે કે સાઉદી અરેબિયા પરનો આ હાલનો હુમલો એ તેમની એર સ્ટ્રાઇકનો જ સીધો બદલો છે.
ક્રૂડ ઓઇલના ભાવ અને સપ્લાય પર મોટો ખતરો
આ હુમલાની સીધી અસર વૈશ્વિક અર્થતંત્ર અને ક્રૂડ ઓઇલ પર પડી રહી છે. લાલ સમુદ્રના પ્રવેશદ્વાર 'પેરીમ દ્વીપ' પર હૂથીઓના કબજાથી સાઉદીની ઓઇલ નિકાસ પર ભારે દબાણ આવ્યું છે.અગાઉના એક હવાઈ હુમલામાં સાઉદીની 'ઈસ્ટ-વેસ્ટ પાઇપલાઇન' ઠપ થઈ ગઈ હતી.નિષ્ણાતોના મતે, જો આ પાઇપલાઇન લાંબો સમય બંધ રહેશે તો દુનિયાભરમાં ઓઇલ સપ્લાયમાં 4 ટકાનો મોટો ઘટાડો થઈ શકે છે. જેના ડરથી અત્યારે જ ક્રૂડ ઓઇલના ભાવમાં 4 ટકાથી વધુનો ઉછાળો આવી ગયો છે.
અમેરિકાનું શું વલણ છે?
આ સમગ્ર મામલે અમેરિકાએ હજુ સુધી સાઉદીને સીધી સૈન્ય મદદ આપવાનો ઇનકાર કર્યો છે. અમેરિકા માત્ર ગુપ્તચરમાહિતી પૂરી પાડી રહ્યું છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે હૂથીઓએ અમેરિકાને આ યુદ્ધથી દૂર રહેવાની ચેતવણી આપી છે. આ તંગદિલી વચ્ચે સાઉદીના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને જેદ્દાહમાં અમેરિકન કમાન્ડર એડમિરલ બ્રેડ કૂપર સાથે મુલાકાત કરી છે અને પ્રાદેશિક સુરક્ષાના મુદ્દે ગંભીર મંત્રણા કરી છે.