છેલ્લા દસ વર્ષમાં દેશની અર્થવ્યવસ્થા ઝડપથી આગળ વધી છે અને તેની સાથે દેશમાં અમીરોની સંખ્યા પણ ઝડપથી વધી છે. હેનલી પ્રાઈવેટ વેલ્થ માઈગ્રેશન રિપોર્ટ અનુસાર, ભારતમાં 2013 થી 2023 વચ્ચે કરોડપતિઓની સંખ્યામાં 85 ટકાનો વધારો થયો છે. મિલિયોનેર એટલે કે જેની નેટવર્થ 10 લાખ ડોલર એટલે કે રૂપિયા 8,35,76,500 કે તેથી વધુ છે. આંકડાઓ અનુસાર, 2013થી 2023 વચ્ચે ત્રણ દેશોમાં કરોડપતિઓની સંખ્યામાં ભારત કરતાં ઝડપથી વધારો થયો છે. જેમાં વિયેતનામ, ચીન અને મોરેશિયસનો સમાવેશ થાય છે. જોકે વિયેતનામ અને મોરેશિયસની વસ્તી ભારત કરતા ઘણી ઓછી છે. વિયેતનામની વસ્તી 9.82 કરોડ છે અને મોરેશિયસની વસ્તી માત્ર 12.6 લાખ છે.

