India-China trade relations: ભારત અને ચીન વચ્ચે સરહદી તણાવમાં થોડો ઘટાડો થયા પછી, કેન્દ્ર સરકાર હવે બંને દેશો વચ્ચેના વેપાર સંબંધોને મજબૂત બનાવવાનું વિચારી રહી છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર ટેરિફ ઘટાડવા માટે દબાણ લાવવામાં આવી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને, નીતિ નિર્માતાઓ આ સમયને ભારત અને ચીન વચ્ચે આર્થિક સંબંધોને મજબૂત બનાવવાનો યોગ્ય સમય માને છે. એક અહેવાલ મુજબ, તેમનું માનવું છે કે ચીન સાથે વેપાર સંબંધોને સામાન્ય બનાવવાથી અમેરિકાને સ્પષ્ટ મેસેજ મળશે અને ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા દબાણનો સામનો કરવામાં તે ખૂબ મદદ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત સરકારના વિવિધ વિભાગો વચ્ચે ચીન સાથે વેપાર અને રોકાણ પર લાદવામાં આવેલા કેટલાક નિયંત્રણોમાં છૂટછાટ આપવા માટે ચર્ચા ચાલી રહી છે. 2020માં ગાલવાન વેલીમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે થયેલી અથડામણ બાદ આ પ્રતિબંધો લાદવામાં આવ્યા હતા.