World Economic Forum (WEF)ની પાંચ દિવસીય વાર્ષિક બેઠક સફળ રહી છે. આ સમયગાળા દરમિયાન, ભારત વૈશ્વિક ઉદ્યોગસાહસિકો પાસેથી રુપિયા 20 લાખ કરોડથી વધુના રોકાણ પ્રતિબદ્ધતાઓ મેળવવામાં સફળ રહ્યું, જેમાં એકલા મહારાષ્ટ્રનો હિસ્સો લગભગ 80 ટકા હતો. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ બેઠકમાં અત્યાર સુધીના સૌથી મોટા ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું હતું, જેમાં પાંચ કેન્દ્રીય મંત્રીઓ અને ત્રણ રાજ્યોના મુખ્યમંત્રીઓનો સમાવેશ થતો હતો. વૈષ્ણવે કહ્યું કે વિશ્વાસ અને પ્રતિભા એ વિશ્વને ભારત તરફ આકર્ષિત કરતા સૌથી મોટા પરિબળો છે. દાવોસ બેઠકમાં પ્રથમ વખત, બધા રાજ્ય અને કેન્દ્ર સરકારના વિભાગોએ બે ભારતીય પેવેલિયનમાં જગ્યા શેર કરી. આ ઉપરાંત, પહેલીવાર રાજ્ય અને કેન્દ્રના મંત્રીઓએ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી.