India Bangladesh Relations: ભારતે બાંગ્લાદેશને 'નોન-ફેમિલી સ્ટેશન' જાહેર કરી દીધું છે. સુરક્ષાના કારણોસર ભારતીય અધિકારીઓના પરિવારોને તાત્કાલિક પરત બોલાવી લેવાયા છે. શું પડોશી દેશમાં કોઈ મોટું રાજકીય તોફાન આવવાનું છે? જાણો વિગતવાર અહેવાલ.
રિપોર્ટ્સ મુજબ, ભારતીય અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી હતી કે તેમના પરિવારજનોએ 8 જાન્યુઆરી સુધીમાં ભારત પરત ફરી જવું. જે અધિકારીઓના બાળકો ત્યાં સ્કૂલમાં ભણતા હતા, તેમને 7 દિવસ ની વધારાની છૂટ આપવામાં આવી હતી.
India Bangladesh Relations: ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં હાલ જે તણાવ ચાલી રહ્યો છે તે કોઈનાથી છૂપો નથી. પડોશી દેશમાં ચાલી રહેલી રાજકીય ઉથલપાથલ વચ્ચે ભારતે એક મોટો અને ચોંકાવનારો નિર્ણય લીધો છે. ભારતે હવે બાંગ્લાદેશને 'નોન-ફેમિલી સ્ટેશન' (Non-Family Station) જાહેર કરી દીધું છે. આ નિર્ણયનો સીધો અર્થ એ છે કે બાંગ્લાદેશમાં ફરજ બજાવતા ભારતીય રાજદ્વારીઓ (Diplomats) અને અધિકારીઓ હવે તેમના પરિવાર એટલે કે પત્ની અને બાળકોને ત્યાં સાથે રાખી શકશે નહીં.
ભારતે કેમ લીધો આવો કડક નિર્ણય?
સૂત્રોના જણાવ્યા અનુસાર, બાંગ્લાદેશમાં આગામી દિવસોમાં કોઈ મોટા રાજકીય ફેરફારો થવાની શક્યતા છે. આ જ બાબતને ધ્યાનમાં રાખીને ભારતે સાવચેતીના ભાગરૂપે આ પગલું ભર્યું છે. બાંગ્લાદેશમાં ચૂંટણી હવે ગણતરીના દિવસો જ દૂર છે. એવું માનવામાં આવે છે કે ત્યાંની વચગાળાની સરકારના વડા મોહમ્મદ યુનુસે ચૂંટણી ટાળવા અને ભારત વિરોધી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવાના પ્રયાસો કર્યા હતા, જેથી ચીન અને પાકિસ્તાન સાથેના સંબંધો મજબૂત થઈ શકે. જોકે, તેમના આ પ્રયાસો સફળ રહ્યા નથી, પરંતુ ભારતે સુરક્ષાને લઈને કોઈ જોખમ લેવા માંગતું નથી.
બાંગ્લાદેશ હવે આ દેશોની યાદીમાં સામેલ
તમને જાણીને નવાઈ લાગશે કે અત્યાર સુધી ભારત સરકાર દ્વારા માત્ર અતિ સંવેદનશીલ અને અશાંત દેશો માટે જ 'નોન-ફેમિલી સ્ટેશન' નો નિયમ લાગુ કરવામાં આવતો હતો. આ લિસ્ટમાં પહેલાં માત્ર ઈરાક, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને દક્ષિણ સુદાન જેવા દેશોનો સમાવેશ થતો હતો. હવે બાંગ્લાદેશની સ્થિતિને જોતા તેને પણ આ લિસ્ટમાં મૂકી દેવામાં આવ્યું છે.
પરિવારોને પરત ફરવા માટે ડેડલાઈન અપાઈ
રિપોર્ટ્સ મુજબ, ભારતીય અધિકારીઓને કડક સૂચના આપવામાં આવી હતી કે તેમના પરિવારજનોએ 8 જાન્યુઆરી સુધીમાં ભારત પરત ફરી જવું. જે અધિકારીઓના બાળકો ત્યાં સ્કૂલમાં ભણતા હતા, તેમને 7 દિવસ ની વધારાની છૂટ આપવામાં આવી હતી. આ આદેશનું પાલન કરતા, 15 જાન્યુઆરી સુધીમાં ઢાકા અને અન્ય શહેરોમાં પોસ્ટ કરાયેલા મોટાભાગના ભારતીય રાજદ્વારીઓના પરિવારો ભારત પાછા આવી ગયા છે.
ખુફિયા રિપોર્ટ્સના આધારે લેવાયો નિર્ણય
જોકે, ભારતીય વિદેશ મંત્રાલયે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. પરંતુ જાણકારોનું માનવું છે કે આ નિર્ણય મજબૂત ગુપ્તચર અહેવાલો અને ગ્રાઉન્ડ લેવલના સુરક્ષા આકલનને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ભારતના આ અગમચેતીભર્યા પગલાંની અત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ જોરશોરથી ચર્ચા થઈ રહી છે.