હવામાન વિભાગે બંગાળની ખાડીમાં સર્જાયેલા નવા ડિપ્રેશનને કારણે ગુજરાત, મધ્યપ્રદેશ અને ઓડિશા સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. જાણો લેટેસ્ટ હવામાન અપડેટ.
આ સિસ્ટમ આગામી 24 કલાકમાં વધુ મજબૂત બનીને પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે. જેના કારણે પવનની ગતિ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
IMD Rain Alert: દેશના અનેક રાજ્યોમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે. ઉત્તર-પશ્ચિમ અને તેને અડીને આવેલા મધ્ય-પશ્ચિમ બંગાળની ખાડી તેમજ દક્ષિણ ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના દરિયાકાંઠે સર્જાયેલું લો-પ્રેશર હવે વધુ સક્રિય બન્યું છે. હવામાન વિભાગએ 11 સપ્ટેમ્બરના રોજ લેટેસ્ટ એલર્ટ જાહેર કરીને દેશના અનેક રાજ્યોમાં આગામી થોડા દિવસો સુધી ભારેથી અતિ ભારે વરસાદ, વાવાઝોડા અને વીજળી પડવાની ગંભીર ચેતવણી આપી છે.
આ સિસ્ટમ આગામી 24 કલાકમાં વધુ મજબૂત બનીને પશ્ચિમ-ઉત્તર-પશ્ચિમ દિશામાં આગળ વધશે. જેના કારણે પવનની ગતિ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
છેલ્લા 24 કલાકમાં ક્યાં કેવો વરસાદ રહ્યો?
IMD ના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં પૂર્વ મધ્યપ્રદેશ, ઓડિશા, બિહાર અને છત્તીસગઢના કેટલાક વિસ્તારોમાં 12 થી 20 સેમી જેટલો અત્યંત ભારે વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉત્તર પ્રદેશ, પશ્ચિમ મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં પણ 7 થી 11 સેમી વરસાદ પડ્યો છે.
પશ્ચિમ ભારત: ગુજરાત અને મહારાષ્ટ્ર માટે મોટું એલર્ટ
પશ્ચિમ ભારતના રાજ્યોમાં 12 સપ્ટેમ્બરથી વરસાદનું જોર વધશે.
ગુજરાત: ગુજરાતના વિવિધ વિસ્તારોમાં 13 અને 14 સપ્ટેમ્બરે ભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં 14 સપ્ટેમ્બરે મૂશળધાર વરસાદ પડી શકે છે.
મહારાષ્ટ્ર: કોંકણ અને ગોવામાં 11 થી 17 સપ્ટેમ્બર સુધી સતત વરસાદ પડશે. મધ્ય મહારાષ્ટ્રમાં 13 સપ્ટેમ્બરે અને મરાઠવાડામાં 12 તથા 13 સપ્ટેમ્બરે 60 કિમીની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની શક્યતા છે.
મધ્ય ભારત: MP અને છત્તીસગઢમાં મૂશળધાર વરસાદ
મધ્યપ્રદેશ, વિદર્ભ અને છત્તીસગઢમાં 11 થી 15 સપ્ટેમ્બર વચ્ચે મેઘરાજા ધબધબાટી બોલાવશે. છત્તીસગઢમાં 11 અને 12 સપ્ટેમ્બરે અતિ ભારે વરસાદનું અનુમાન છે. જ્યારે પશ્ચિમ મધ્યપ્રદેશમાં 13 અને 14 સપ્ટેમ્બરે ભારેથી અતિ ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. વિદર્ભમાં પણ 11-12 સપ્ટેમ્બરે 40 થી 60 કિમીની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે.
ઉત્તર અને પૂર્વ ભારતની સ્થિતિ
ઉત્તર-પશ્ચિમ ભારત: ઉત્તરાખંડમાં 11 થી 14 સપ્ટેમ્બર અને પંજાબ, હરિયાણા, દિલ્હી તથા પૂર્વ રાજસ્થાનમાં 13 અને 14 સપ્ટેમ્બરે ભારે વરસાદ નોંધાઈ શકે છે.
પૂર્વ ભારત: ઓડિશામાં 11 સપ્ટેમ્બરે 60 કિમીની ઝડપે તોફાની પવન સાથે ભારે વરસાદનું એલર્ટ છે. પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને સિક્કિમમાં પણ આગામી બે-ત્રણ દિવસ ભારે વરસાદ પડી શકે છે. આસામ અને મેઘાલયમાં પણ મૂશળધાર વરસાદની આગાહી છે.
દક્ષિણ ભારત: આંધ્રપ્રદેશમાં તોફાનનો ખતરો
દક્ષિણ ભારતમાં ખાસ કરીને દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ અને યનમમાં 11 અને 12 સપ્ટેમ્બરે 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનો ખતરો છે. તેલંગાણા અને તમિલનાડુમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી છે. જોકે, કેરળમાં વાતાવરણ ગરમ અને ભેજવાળું રહેશે.
માછીમારો માટે ખાસ 'રેડ એલર્ટ'
દરિયામાં ઉછળતા ઊંચા મોજા અને તોફાની પવનોને કારણે IMD એ માછીમારો માટે કડક ચેતવણી જાહેર કરી છે. ગુજરાતના દરિયાકાંઠે અને અરબી સમુદ્રમાં 13 થી 16 સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવા સખત સૂચના આપવામાં આવી છે. પશ્ચિમ બંગાળ, બાંગ્લાદેશ, ઓડિશા અને ઉત્તર આંધ્રપ્રદેશના કાંઠે 11 અને 12 સપ્ટેમ્બરે દરિયાની સ્થિતિ ખૂબ જ ખરાબ રહેશે, તેથી માછીમારોને ઊંડા દરિયામાં ન જવાની સલાહ છે.