બિહાર એક સમયે ઉદ્યોગો માટે ઓછું અનુકુળ માનવામાં આવતું હતું. જોકે, હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આજે, રાજ્ય તેના વિશાળ સંસાધનો અને પ્રગતિશીલ નીતિ સાથે અદાણી ગ્રૂપથી માંડીને કોકા-કોલા સુધીની કંપનીઓ તરફથી વિશાળ રોકાણ આકર્ષી રહ્યું છે. બિહારના ઉદ્યોગ અને પ્રવાસન પ્રધાન નીતિશ મિશ્રા બિહારને CEO-શૈલીના અભિગમ સાથે એવા રાજ્યમાં ફેરવી રહ્યા છે જે પૂર્વ ભારતમાં રોકાણકારો માટે પ્રવેશદ્વાર બની શકે. મિશ્રા કહે છે કે બિહારની ઔદ્યોગિક ક્ષમતાઓ અંગેનો પૂર્વગ્રહ ધીમે ધીમે દૂર થઈ રહ્યો છે. તાજેતરમાં અદાણી ગ્રુપે રાજ્યમાં રુપિયા 8,700 કરોડના રોકાણની જાહેરાત કરી છે. અંબુજા સિમેન્ટ્સ રુપિયા 1,200 કરોડનું યુનિટ સ્થાપી રહી છે અને કોકા-કોલા તેની બોટલિંગ ક્ષમતાને વિસ્તારી રહી છે.

