બ્રિક્સ જૂથ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ચર્ચાસ્પદ નિવેદનો વચ્ચે, ભારતે G-20 જૂથની અખંડિતતા જાળવવા પર ભાર મૂક્યો છે. ભારતના આ આહ્વાન સાથે ચીન પણ સંમત થયું છે. વિદેશ મંત્રી એસ જયશંકરે "ધ્રુવીકરણ પામેલી" વૈશ્વિક પરિસ્થિતિ વચ્ચે G-20 જૂથની અખંડિતતા જાળવવા માટે ભારત અને ચીન દ્વારા સંયુક્ત પ્રયાસો પર ભાર મૂક્યો હતો. જયશંકર G-20 દેશોના વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપવા માટે દક્ષિણ આફ્રિકાના બે દિવસના પ્રવાસે જોહાનિસબર્ગમાં છે.