ત્રીજા તબક્કામાં ટ્રેક મેન્ટેનર તેમજ P. Way સ્ટાફની સમસ્યાઓ પર વાત થઈ અને અંતમાં રેલવેના અલગ-અલગ વિભાગોના ટેકનિશિયનોને લગતા પ્રશ્નો પેનલ સામે મૂકવામાં આવ્યા હતા.
8th Pay Commission: 8મા પગાર પંચને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે હવે રેલવે કર્મચારીઓએ પોતાની માંગણીઓ ફરી એકવાર સરકાર સમક્ષ મજબૂતીથી મૂકી છે. 'ઓલ ઈન્ડિયા રેલવેમેન્સ ફેડરેશન' એ મુંબઈમાં પગાર પંચની પેનલ સાથે બેઠક યોજ્યા બાદ આ સંદર્ભે એક સત્તાવાર પત્ર મોકલ્યો છે. આ પત્રમાં રેલવે કર્મચારીઓ માટે ઊંચા પે સ્કેલ (વધુ પગાર) અને જોખમી કામ બદલ 'રિસ્ક અલાઉન્સ'આપવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત લોકો પાયલટ, ટ્રેક મેન્ટેનર અને ટેકનિશિયન સાથે જોડાયેલા મહત્વના મુદ્દાઓ પણ ઉઠાવવામાં આવ્યા છે.
8મા પગાર પંચ સાથેની બેઠકમાં શું ચર્ચા થઈ?
AIRF ના જણાવ્યા અનુસાર, પેનલ સાથેની બેઠકમાં તબક્કાવાર રીતે કર્મચારીઓના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. સૌથી પહેલા લઘુત્તમ વેતન અને રેલવેને લગતા સામાન્ય ભથ્થાઓ પર ચર્ચા થઈ હતી. ત્યારબાદ બીજા તબક્કામાં લોકો પાયલટ અને ટ્રાફિક રનિંગ સ્ટાફના મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા. ત્રીજા તબક્કામાં ટ્રેક મેન્ટેનર તેમજ P. Way સ્ટાફની સમસ્યાઓ પર વાત થઈ અને અંતમાં રેલવેના અલગ-અલગ વિભાગોના ટેકનિશિયનોને લગતા પ્રશ્નો પેનલ સામે મૂકવામાં આવ્યા હતા.
ફેડરેશને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે ભારતીય રેલવેની સરખામણી કેન્દ્ર સરકારના અન્ય કોઈ વિભાગ સાથે થઈ શકે નહીં. રેલવે આખું વર્ષ 24 કલાક અવિરતપણે કામ કરે છે. રેલવે કર્મચારીઓએ દરેક પ્રકારની ઋતુ અને કઠિન ભૌગોલિક પરિસ્થિતિઓમાં પોતાની ફરજ બજાવવી પડે છે. કુદરતી આફત, યુદ્ધ જેવી સ્થિતિ કે મહામારીના કપરા કાળમાં પણ રેલવે કર્મચારીઓ દેશની સેવામાં ખડેપગે રહે છે.
વધુ પે સ્કેલ અને આ 4 વિશેષ ભથ્થાની માંગ
AIRF એ દલીલ કરી છે કે રેલવેના કર્મચારીઓ રોલિંગ સ્ટોક, સિગ્નલિંગ અને ટ્રેક જેવા અતિ મહત્વના સંસાધનોનું સંચાલન અને જાળવણી કરે છે. રેલવેમાં ઝડપથી થઈ રહેલા આધુનિકીકરણને કારણે તેમના કામમાં ટેકનિકલ જવાબદારીઓ ખૂબ જ વધી ગઈ છે, તેથી તેમને વધુ સારો પે સ્કેલ મળવો જોઈએ.
ચાલુ ફરજ દરમિયાન થતા અકસ્માતો, ગંભીર ઈજાઓ અને કર્મચારીઓના મૃત્યુના કિસ્સાઓનો હવાલો આપીને ફેડરેશને નીચે મુજબના 4 વિશેષ ભથ્થાઓની માંગ કરી છે:
રિસ્ક એન્ડ હાર્ડશિપ અલાઉન્સ
હઝાર્ડસ ડ્યુટી અલાઉન્સ
હિલ અલાઉન્સ
ડ્રેસ અલાઉન્સ
ટ્રેક મેન્ટેનર અને ટેકનિશિયનો માટે પ્રમોશન અને ભથ્થાની માંગ
ફેડરેશને માંગણી કરી છે કે ટ્રેક મેન્ટેનરને રેલવેના અન્ય એન્જિનિયરિંગ વિભાગોના ટેકનિશિયનની સમકક્ષ દરજ્જો આપવામાં આવે. આ ઉપરાંત ટ્રેક મેન્ટેનર, પેટ્રોલમેન, કી-મેન અને ગેટમેન માટે વિશેષ ભથ્થાઓ આપવાની રજૂઆત કરવામાં આવી છે.
સાથે જ ટેકનિશિયનોના પે સ્કેલમાં સુધારો કરવા અને વચ્ચેના કેટલાક પે સ્કેલને એકબીજામાં મર્જ કરવાની પણ માંગ કરવામાં આવી છે. જો આ પે સ્કેલ મર્જ કરવામાં આવે તો કર્મચારીઓને પ્રમોશન મળવાની તકો ઘણી સુધરી શકે છે. આ ઉપરાંત, જોખમી ડ્યુટી કરતા આ કર્મચારીઓને પૂરતું રિસ્ક અલાઉન્સ અને ડ્રેસ અલાઉન્સ આપવા પર પણ ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.