તમારા ખિસ્સામાં રહેલી 10 અને 20 રૂપિયાની કાગળની નોટો ટૂંક સમયમાં એક નવા પ્લાસ્ટિક અવતારમાં જોવા મળી શકે છે. કેન્દ્ર સરકારે 10 રૂપિયા અને 20 રૂપિયાના મૂલ્યની પોલિમર બેંક નોટો રજૂ કરવાના ભારતીય રિઝર્વ બેંકના પ્રસ્તાવને 'ફિલ્ડ ટ્રાયલ' માટે લીલી ઝંડી આપી દીધી છે. સાથે જ સરકારે સ્પષ્ટતા પણ કરી છે કે જૂની કાગળની નોટો સંપૂર્ણપણે બંધ કરવાનો કે તેને બદલવાનો હાલ કોઈ જ પ્લાન નથી. આ નવી પોલિમર નોટો જૂની કાગળની નોટોની સાથે જ બજારમાં ચલણમાં રહેશે.

