RBI New FD Rules: બેંકોની મનમાનીનો અંત! હવે 3 કરોડની FD પર તમામ ગ્રાહકોને મળશે એક સમાન વ્યાજ, જાણો ક્યારથી લાગુ થશે નવો નિયમ
RBI New FD Rules: RBI એ 3 કરોડથી વધુની FD (બલ્ક ડિપોઝીટ) માટે નવા નિયમો જાહેર કર્યા છે. 1 ઓક્ટોબર 2026થી બેંકોની મનમાની ખતમ થશે અને તમામ ગ્રાહકોને સમાન વ્યાજ મળશે. જાણો સંપૂર્ણ વિગત.
RBI એ 3 કરોડથી વધુની FD (બલ્ક ડિપોઝીટ) માટે નવા નિયમો જાહેર કર્યા છે.
RBI New FD Rules: ભારતીય રિઝર્વ બેંક એ બેંકોમાં થતી ફિક્સડ ડિપોઝીટના નિયમોમાં એક બહુ મોટો ફેરફાર કર્યો છે. ખાસ કરીને મોટી રકમ જમા કરાવતા ગ્રાહકો સાથે બેંકો જે અંદરખાને વ્યાજ દરોમાં રમત કરતી હતી, તેના પર હવે કાયમી બ્રેક વાગવા જઈ રહી છે. બેંકોની મનમાની ખતમ કરવા માટે RBIએ 30 જુલાઈ 2026ના રોજ 'રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (કોમર્શિયલ બેંક્સ - ઈન્ટરેસ્ટ રેટ ઓન ડિપોઝીટ્સ) સેકન્ડ એમેન્ડમેન્ટ ડિરેક્શન્સ, 2026' બહાર પાડ્યો છે. આ નવા નિયમો 1 ઓક્ટોબર 2026 થી આખા દેશમાં કડકાઈથી લાગુ થઈ જશે.
શું હોય છે બલ્ક ડિપોઝીટ?
સૌથી પહેલા તો એ સમજી લઈએ કે બલ્ક ડિપોઝીટ કોને કહેવાય. બેંકિંગની સરળ ભાષામાં સમજીએ તો, 3 કરોડ રૂપિયા કે તેથી વધુની કોઈપણ એક જ FD (સિંગલ એફડી) ને 'બલ્ક ડિપોઝીટ' કહેવામાં આવે છે. સામાન્ય રીતે આવી મોટી રકમ મોટી-મોટી કંપનીઓ, ટ્રસ્ટ, કરોડોનું ટર્નઓવર ધરાવતા બિઝનેસમેન કે ખૂબ અમીર લોકો જ બેંકોમાં જમા કરાવતા હોય છે.
અત્યાર સુધી બેંકોમાં એવો ટ્રેન્ડ હતો કે આટલી મોટી રકમ મેળવવાની લાલચમાં બેંકના અધિકારીઓ આ મોટા ગ્રાહકો સાથે ટેબલ નીચેથી વ્યાજ દરોનું સેટિંગ કરતા હતા. એટલે કે, એક જ દિવસે અને એક સરખા સમયગાળા માટે જમા થયેલા નાણાં પર એક ગ્રાહકને વધારે વ્યાજ મળતું હતું, જ્યારે બીજા ગ્રાહકને ઓછું વ્યાજ આપવામાં આવતું હતું.
હવે બેંકોએ વ્યાજ દર જાહેર કરવા પડશે
RBI એ આ છુપી રીતે થતી સોદાબાજીને સંપૂર્ણપણે ખતમ કરવાનો પ્લાન તૈયાર કરી લીધો છે. નવા નિયમ મુજબ 1 ઓક્ટોબર 2026 થી દેશની તમામ કોમર્શિયલ બેંકોએ દરરોજ સવારે 10 વાગ્યા સુધીમાં પોતાની ઓફિશિયલ વેબસાઈટ પર બલ્ક ડિપોઝીટના વ્યાજ દરો ફરજિયાતપણે લાઈવ બતાવવા પડશે. બેંકોને આ કામ માટે વધુમાં વધુ 10 મિનિટની છૂટ મળશે. એટલે કે સવારે 10:10 વાગ્યા પછી કોઈપણ સંજોગોમાં વ્યાજ દરો છુપાવી શકાશે નહીં. RBIની સ્પષ્ટ ચેતવણી છે કે વેબસાઈટ પર જે વ્યાજ દર દેખાશે, બેંકોએ ગ્રાહકોને બરાબર તે જ વ્યાજ ચૂકવવું પડશે. બેંક પોતાની મરજીથી કોઈ પણ ગ્રાહકને 1 પૈસો પણ વધારે કે ઓછો આપી શકશે નહીં.
તમામ ગ્રાહકો માટે એક સમાન નિયમ
આ નવા આદેશનો સીધો અર્થ એ છે કે જો બે અલગ-અલગ ગ્રાહકો એક જ તારીખે અને એક સરખી રકમની FD કરાવે છે, તો બેંક તેમની સાથે ભેદભાવ કરી શકશે નહીં. બંનેને એક સરખું જ વ્યાજ મળશે. બેંકની દરેક બ્રાન્ચમાં આ નિયમ સમાન રહેશે.
કઈ બેંકો પર લાગુ થશે આ નિયમ?
ખાસ વાત એ છે કે RBI નો આ આદેશ માત્ર મોટી સરકારી કે પ્રાઈવેટ કોમર્શિયલ બેંકો પૂરતો સીમિત નથી. આ નવો નિયમ સ્મોલ ફાઈનાન્સ બેંક, ક્ષેત્રીય ગ્રામીણ બેંક (RRBs), પેમેન્ટ બેંક, લોકલ એરિયા બેંક અને અર્બન કો-ઓપરેટિવ બેંકો પર પણ એકસાથે લાગુ કરવામાં આવ્યો છે.
ટૂંકમાં કહીએ તો, RBI નું આ પગલું બેંકિંગ સિસ્ટમમાં પારદર્શિતા લાવશે અને ગ્રાહકોના હિતોનું રક્ષણ કરશે. હવે મોટી રકમની FD પર વ્યાજ દરોને લઈને કોઈ કન્ફ્યુઝન કે ગેરરીતિ રહેશે નહીં.