Get App

મોરબી સિરામિક ઉદ્યોગ પર યુદ્ધનું સંકટ: 100 ફેક્ટરીઓ બંધ, 5000 બેરોજગાર, જાણો શું છે સમગ્ર મામલો

Morbi ceramic industry: ઈરાન-ઈઝરાયલ યુદ્ધની માઠી અસર મોરબીના સિરામિક અને પેપરમિલ ઉદ્યોગ પર પડી છે. ગેસ કટોકટી અને એક્સપોર્ટ અટકતા 100 એકમો બંધ અને 5000 લોકો બેરોજગાર થયા છે. જાણો વિગત.

MoneyControl Newsઅપડેટેડ Mar 07, 2026 પર 11:58 AM
મોરબી સિરામિક ઉદ્યોગ પર યુદ્ધનું સંકટ: 100 ફેક્ટરીઓ બંધ, 5000 બેરોજગાર, જાણો શું છે સમગ્ર મામલોમોરબી સિરામિક ઉદ્યોગ પર યુદ્ધનું સંકટ: 100 ફેક્ટરીઓ બંધ, 5000 બેરોજગાર, જાણો શું છે સમગ્ર મામલો
Morbi ceramic industry: મિડલ ઈસ્ટમાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અને ગંભીર અસર ગુજરાતના મોરબી પર જોવા મળી રહી છે.

Morbi ceramic industry: મિડલ ઈસ્ટમાં ઈરાન, ઈઝરાયલ અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સીધી અને ગંભીર અસર ગુજરાતના મોરબી પર જોવા મળી રહી છે. વિશ્વના બીજા સૌથી મોટા સિરામિક હબ તરીકે ઓળખાતા મોરબીના ઉદ્યોગો પર અત્યારે કાળા વાદળો ઘેરાયા છે. દરિયાઈ માર્ગો બંધ થવાને કારણે અને ગેસની અછત સર્જાતા સિરામિકની સાથે પેપરમિલ ઉદ્યોગ પણ ભારે મુશ્કેલીમાં મુકાયો છે.

સિરામિક ઉદ્યોગમાં ગેસ અને એક્સપોર્ટની મોટી કટોકટી

ગલ્ફ દેશોમાં તણાવને કારણે ‘સ્ટ્રેટ ઓફ હોર્મુસ' માર્ગ પર જહાજોની અવરજવર પર પ્રતિબંધ લાગી ગયો છે. આ કારણથી મોરબીમાં ગેસની ભયંકર અછત ઉભી થઈ છે. સિરામિક એસોસીએશનના પ્રમુખ મનોજ એરવાડિયાએ જણાવ્યું છે કે અત્યાર સુધીમાં 100 જેટલા સિરામિક યુનિટોને તાળા વાગી ગયા છે. ફેક્ટરીઓ બંધ થવાથી 5000 જેટલા શ્રમિકોએ પોતાની રોજગારી ગુમાવી છે. હાલમાં ગુજરાત ગેસ કંપની તરફથી ઉદ્યોગોને માત્ર 50% જ ગેસનો પુરવઠો મળી રહ્યો છે. જો આગામી 10 દિવસમાં પરિસ્થિતિ નહીં સુધરે, તો મોરબીના તમામ 1100 સિરામિક એકમો બંધ કરવાની ફરજ પડી શકે છે. જો આવું થશે તો આ ઉદ્યોગ સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે જોડાયેલા 10 લાખ લોકોની રોજીરોટી છીનવાઈ જશે.

પેપરમિલ ઉદ્યોગની હાલત પણ કફોડી

માત્ર સિરામિક જ નહીં, મોરબીનો પેપરમિલ ઉદ્યોગ પણ હવે ઠપ્પ થવાના આરે આવી ગયો છે. પેપરમિલ ઉદ્યોગ માટે અત્યારે ખૂબ કપરા દિવસો ચાલી રહ્યા છે. પેપરમિલ એસોસીએશનના પ્રમુખ શૈલેષ પટેલે આ અંગે ચિંતા વ્યક્ત કરતા માહિતી આપી છે કે શિપિંગ રૂટ બંધ થવાથી કાચા માલની આયાત (Import) સાવ અટકી ગઈ છે. એક્સપોર્ટ કરવા માટેના કન્ટેનર ભાડામાં 2000 ડોલરનો તોતિંગ વધારો ઝીંકાયો છે. ફેક્ટરીમાં બળતણ તરીકે વપરાતા કોલસાના ભાવમાં પણ પ્રતિ ટન 1000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. તમને જણાવી દઈએ કે મોરબીમાં આવેલી 52 પેપરમિલોનું વાર્ષિક ટર્નઓવર 5000 કરોડ રૂપિયા છે, જે અત્યારે મોટા જોખમમાં મુકાઈ ગયું છે.

ઉદ્યોગકારો ‘વેઈટ એન્ડ વોચ'ની સ્થિતિમાં

હાલમાં ગલ્ફના દેશો અને યુરોપમાં થતી નિકાસ સંપૂર્ણપણે અટકી ગઈ છે. આ કારણે મોરબીના ઉદ્યોગપતિઓએ અત્યારે 'વેઈટ એન્ડ વોચ'ની નીતિ અપનાવી છે. કંપનીઓએ નવા ઓર્ડર લેવાનું બંધ કરી દીધું છે અને જૂના એક્સપોર્ટ ઓર્ડર પણ હાલ પૂરતા સ્થગિત કરી દીધા છે. જો આ યુદ્ધ હજુ એકાદ સપ્તાહ વધારે ખેંચાશે, તો મોરબીના આ બંને મોટા ઉદ્યોગો સંપૂર્ણપણે બંધ થઈ જવાનો ડર સતાવી રહ્યો છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો