Get App

Swiggy નો મોટો નિર્ણય: 10 મિનિટમાં જમવાનું પહોંચાડતી 'Snacc' એપ બંધ, જાણો કર્મચારીઓનું શું થશે?

Swiggy એ માત્ર એક વર્ષમાં જ 10 મિનિટમાં ફૂડ ડિલિવરી કરતી તેની એપ 'Snacc' બંધ કરી દીધી છે. જાણો આ નિર્ણય પાછળનું સાચું કારણ અને ત્યાં કામ કરતા કર્મચારીઓ પર તેની શું અસર થશે.

MoneyControl Newsઅપડેટેડ Feb 19, 2026 પર 6:19 PM
Swiggy નો મોટો નિર્ણય: 10 મિનિટમાં જમવાનું પહોંચાડતી 'Snacc' એપ બંધ, જાણો કર્મચારીઓનું શું થશે?Swiggy નો મોટો નિર્ણય: 10 મિનિટમાં જમવાનું પહોંચાડતી 'Snacc' એપ બંધ, જાણો કર્મચારીઓનું શું થશે?
Swiggy એ સ્પષ્ટતા કરી છે કે અસરગ્રસ્ત કર્મચારીઓને આગામી 48 કલાકમાં કંપનીની બીજી અલગ-અલગ ટીમોમાં શિફ્ટ કરવામાં આવશે.

ફૂડ અને ગ્રોસરી ડિલિવરી કંપની Swiggy એ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. કંપનીએ પોતાની 10 મિનિટમાં જમવાનું પહોંચાડતી એપ 'Snacc' ને બંધ કરવાનો નિર્ણય લીધો છે. લોન્ચ થયાના આશરે એક વર્ષની અંદર જ કંપનીએ આ સેવા સંકેલી લીધી છે. ઉલ્લેખનીય છે કે, આ એપ ખાસ એવા લોકો માટે બનાવવામાં આવી હતી જેઓ અગાઉથી જમવાનું પ્લાન નથી કરી શકતા અને જેમને તાત્કાલિક નાસ્તાની જરૂર હોય છે.

શા માટે બંધ કરવી પડી એપ?

મળતી માહિતી મુજબ, કંપનીને આ મોડલમાં ઓર્ડર પર નફો કમાવવો મુશ્કેલ લાગી રહ્યું હતું. મનીકંટ્રોલને મળેલા એક ઈન્ટરનલ ઈમેલ મુજબ, આ પ્રોડક્ટની માંગ તો હતી, પરંતુ મોટા પાયે તેને ચલાવવું આર્થિક રીતે પરવડે તેમ ન હતું. 19 ફેબ્રુઆરીએ મોકલેલા આ ઈમેલમાં જણાવાયું છે કે, કંપની હવે પોતાની શક્તિ અને મૂડી એવા ઇનોવેશન પાછળ લગાવવા માંગે છે જ્યાં લાંબા ગાળે ફાયદો દેખાતો હોય. ટૂંકમાં, સતત થઈ રહેલા નુકસાન અને ઓછા માર્જિનને કારણે આ નિર્ણય લેવાયો છે.

કર્મચારીઓનું શું થશે?

સૌથી મોટો સવાલ એ છે કે આ એપ બંધ થવાથી તેમાં કામ કરતા કર્મચારીઓની નોકરી જશે? તો તેનો જવાબ છે - ના. Swiggy એ સ્પષ્ટતા કરી છે કે અસરગ્રસ્ત કર્મચારીઓને આગામી 48 કલાકમાં કંપનીની બીજી અલગ-અલગ ટીમોમાં શિફ્ટ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હાલ પાયલટ ધોરણે માત્ર બેંગલુરુ અને ગુરુગ્રામમાં જ ચાલતો હતો, તેથી કર્મચારીઓને કંપનીના અન્ય બિઝનેસમાં સમાવી લેવામાં આવશે.

માત્ર 16 દિવસમાં બની હતી એપ

'Snacc' એપની ખાસ વાત એ હતી કે તે રેકોર્ડબ્રેક સમયમાં તૈયાર કરવામાં આવી હતી. Swiggy ના ગ્રુપ CEO શ્રીહર્ષ મજેટીના જણાવ્યા અનુસાર, જ્યારે હરીફ કંપની Zepto એ 'Zepto Cafe' લોન્ચ કર્યું, ત્યારે તેમણે પણ તાત્કાલિક આ એપ બનાવવાનું વિચાર્યું હતું. કોન્સેપ્ટ વિચારવાથી લઈને એપ સ્ટોર પર લાઈવ થવા સુધીમાં માત્ર 16 દિવસનો જ સમય લાગ્યો હતો.

બધા સમાચાર

+ વધુુ વાંચો