Saudi Arabia accident: સાઉદી અરેબિયામાં પવિત્ર ઉમરાની યાત્રાએ ગયેલા ભારતીય યાત્રીઓ માટે સોમવારનો દિવસ કાળ બનીને આવ્યો. મક્કાથી મદીના તરફ જઈ રહેલી એક બસ મુફ્રિહાત વિસ્તાર નજીક એક ડીઝલ ટેન્કર સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેના કારણે એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. આ હૃદયદ્રાવક અકસ્માતમાં ઓછામાં ઓછા 42 ભારતીય યાત્રીઓ જીવતા સળગી જતાં તેમના કરૂણ મોત થયા હોવાના અહેવાલ છે. મૃતકોમાં મોટાભાગના યાત્રીઓ તેલંગાણાના હૈદરાબાદ શહેરના હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ટક્કર એટલી ભીષણ હતી કે બસમાં આગ ફાટી નીકળી હતી અને ઘણા યાત્રીઓને બચવાની તક પણ મળી ન હતી. ઘટનાની જાણ થતાં જ સાઉદી પ્રશાસન અને ઈમરજન્સી સેવાઓની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જોકે, આગની લપેટમાં આવી જવાથી મોટાભાગના લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

