Get App

Rath Yatra 2026: અમદાવાદમાં ભક્તિનું ઘોડાપૂર, 149મી રથયાત્રાનો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી કરી પહિંદવિધિ

અમદાવાદમાં 149મી રથયાત્રાનો મંગલ પ્રારંભ! CM ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી પહિંદવિધિ કરી ભગવાનને નગરચર્યાએ રવાના કર્યા. જાણો સુરક્ષા અને ભક્તોના ઉત્સાહની વિગતો.

MoneyControl Newsઅપડેટેડ Jul 16, 2026 પર 9:43 AM
Rath Yatra 2026: અમદાવાદમાં ભક્તિનું ઘોડાપૂર, 149મી રથયાત્રાનો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી કરી પહિંદવિધિRath Yatra 2026: અમદાવાદમાં ભક્તિનું ઘોડાપૂર, 149મી રથયાત્રાનો પ્રારંભ, CM ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી કરી પહિંદવિધિ
રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમદાવાદ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અભેદ સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે.

Ahmedabad Rath Yatra 2026: આજે અષાઢી બીજના પવિત્ર અવસરે અમદાવાદ શહેર 'જય જગન્નાથ' અને 'જય રણછોડ'ના ગગનભેદી નાદ સાથે ભક્તિમય બન્યું છે. લાખો શ્રદ્ધાળુઓ જેની આતુરતાથી રાહ જોતા હતા તે ક્ષણ આખરે આવી ગઈ છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથની 149મી રથયાત્રાનો પરંપરાગત રીતે ભવ્ય પ્રારંભ થયો છે. વહેલી સવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મંગળા આરતીમાં ભાગ લીધા બાદ રથયાત્રાની વિધિવત તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી.

CM ભૂપેન્દ્ર પટેલે નિભાવી વર્ષો જૂની 'પહિંદવિધિ'ની પરંપરા

વર્ષોથી ચાલી આવતી રાજાશાહી પરંપરા મુજબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોનાની સાવરણીથી રથનો માર્ગ સાફ કરીને પવિત્ર 'પહિંદ વિધિ' સંપન્ન કરી હતી. ઓડિશાના પુરીમાં આ વિધિ 'છેરા પહેરા' તરીકે ઓળખાય છે, જે સંદેશ આપે છે કે ભગવાનના દરબારમાં રાજા હોય કે સામાન્ય નાગરિક, સૌ સમાન સેવક છે. મુખ્યમંત્રીએ ભગવાન જગન્નાથના ચરણોમાં શીશ ઝુકાવી સમગ્ર રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.

ત્રણ દિવ્ય રથો નગરચર્યાએ નીકળ્યા

પહિંદવિધિ પૂર્ણ થતાની સાથે જ સવારે 7:30 વાગ્યે ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના ત્રણેય દિવ્ય રથો મંદિર પરિસરની બહાર આવ્યા હતા. ભગવાનને પોતાની વચ્ચે જોઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. રથયાત્રામાં સૌથી આગળ ગજારાજ, વિવિધ અખાડાના સાધુ-સંતો, ભજન મંડળીઓ અને ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી અનેક ટ્રકો જોડાયા છે. સમગ્ર રૂટ પર ભક્તોને મગ અને જાંબુનો પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યો છે.

સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત: એન્ટી-ડ્રોન સિસ્ટમ તૈનાત

રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે અમદાવાદ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અભેદ સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે. 2026ની આ રથયાત્રામાં સુરક્ષાને હાઈટેક બનાવતા પ્રથમવાર 'એન્ટી-ડ્રોન' સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આકાશમાંથી ડ્રોન દ્વારા સમગ્ર રૂટ પર બાજ નજર રાખવામાં આવી રહી છે અને કંટ્રોલ રૂમથી તેનું સીધું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.

બધા સમાચાર

+ વધુુ વાંચો