ગુજરાતમાં આયુષ્માન ભારત યોજનાના બે લાભાર્થીઓ કે જેઓ ખાનગી હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી બાદ મૃત્યુ પામ્યા હતા, તેમને આ સર્જરીની જરૂર નહોતી. ગુજરાત સરકારના એક અધિકારીએ આ મામલાની પ્રાથમિક તપાસના આધારે આ માહિતી આપી હતી. અધિકારીએ આ બાબતને અત્યંત ગંભીર ગણાવી હતી અને કહ્યું હતું કે ગુજરાત સરકાર આયુષ્માન ભારત-પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)ના બંને લાભાર્થીઓના મૃત્યુ અંગે હોસ્પિટલ મેનેજમેન્ટ સામે દોષિત હત્યા અને ગુનાહિત કાવતરાની પોલીસ ફરિયાદ દાખલ કરશે.